કાજોલ પણ હવે કટ્ટરતાના પંથે!:એક્ટ્રેસે હિન્દીમાં બોલવાની ના પાડતાં ફેન્સ ભડક્યા, કહ્યું- 'હિન્દીમાં શરમ આવે છે, તો બોલિવૂડમાં કામ કરવાનું બંધ કરી દે'
તાજેતરમાં મહારાષ્ટ્રમાં કેટલાક હિન્દી ભાષી લોકોને બળજબરીથી મરાઠી બોલવાનું કહેવામાં આવ્યું હતું. કેટલાક કિસ્સાઓમાં હિંસા પણ થઈ હતી. તેવામાં હવે એક્ટ્રેસ કાજોલ પણ વિવાદોમાં ઘેરાઈ છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન કાજોલ મરાઠીમાં વાત કરી રહી હતી. ત્યારે તેને હિન્દી બોલવાનું કહેતા તે ભડકી ગઈ હતી અને હિન્દી બોલવાની ના પાડી દીધી હતી. હવે આ વીડિયો વાઇરલ થતાં સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. વાસ્તવમાં, કાજોલને તેના 51માં જન્મદિવસે, એટલે કે 5 ઓગસ્ટના રોજ 'મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કારો 2025'માં પ્રતિષ્ઠિત રાજ કપૂર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. કાજોલ કાર્યક્રમમાં માતા અને પીઢ એક્ટ્રેસ તનુજા સાથે પહોંચી હતી. તેમજ તેની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા તેણે તેમની સાડી પહેરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસના હાથે એવોર્ડ મેળવ્યા બાદ કાજોલે મરાઠી ભાષામાં સ્પીચ આપી હતી. બાદમાં ભાવુક થઇને તેણે કહ્યું હતું કે, 'આજે મને જે સન્માન મળ્યું છે, તે જ સન્માન મારી માતાએ વર્ષો પહેલા મેળવ્યું હતું.' જોકે, આ કાર્યક્રમ બાદ તે પત્રકારોને મરાઠીમાં જવાબ આપી રહી હતી. તેવામાં એક પત્રકારે તેને હિન્દીમાં બોલવાનું કહેતા તે ગુસ્સે થઈ ગઈ હતી. કાજોલે ગુસ્સે થતાં પૂછ્યું કે, હવે હું હિન્દીમાં બોલું? જેને સમજવું હશે, તે (મરાઠીમાં બોલેલું) સમજી જશે. બાદમાં તેણે મરાઠી અને અંગ્રેજીમાં જવાબ આપ્યા હતા. એક વખત તેણે એક વાક્ય હિન્દીમાં બોલ્યું હતું. હિન્દી ન બોલવા બદલ લોકોએ આકરી ટીકા કરી કાજોલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ હિન્દી બોલવાની ના પાડી દેતા સોશિયલ મીડિયા પર યુઝર્સ નારાજ થઈ રહ્યા છે અને એક્ટ્રેસને ટ્રોલ કરી રહ્યા છે. કાજોલે માતા સાથેનો વીડિયો શેર કરી ઇમોશનલ પોસ્ટ લખી કાજોલે ઇન્સ્ટાગ્રામ પર એવોર્ડ કાર્યક્રમનો ફોટો શેર કરીને લખ્યું, 'જે સ્ટેજ પર એક સમયે મારી માતા ચાલી હતી, તે જ સ્ટેજ પર ચાલવું, અને એ પણ મારા જન્મદિવસ પર, એવું લાગે છે કે બ્રહ્માંડ મને યાદ અપાવે છે કે હું ક્યાંથી આવું છું... અને હું હંમેશા કોને મારી સાથે રાખું છું.' નોંધનીય છે કે, તાજેતરમાં કાજોલ OTT પર રિલીઝ થયેલી ફિલ્મ 'સરઝમીન'માં જોવા મળી છે. ફિલ્મમાં તેની સાથે સાઉથ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન અને સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ પણ છે. આ પહેલા તેની ફિલ્મ 'મા' પણ રિલીઝ થઈ ચૂકી છે.

What's Your Reaction?






