'બબીતાજી..!' જેઠાલાલને જોઈ ફેન્સે ચીડવવાનું શરૂ કર્યું:દિલીપ જોશીએ હસતાં-હસતાં પાઠ ભણાવ્યો, કહ્યું- 'દયા' મળી એમાં જ રાજી રહેવાનું ભાઈ, બાકી બધું માયા છે
'જેઠાલાલ' નામ સાંભળતાં જ દરેકના ચહેરા પર સ્મિત આવી જાય છે. ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના આ પાત્રથી ઘર-ઘરમાં પ્રસિદ્ધ થઈ ગયેલા એક્ટર દિલીપ જોશીનો ચહેરો દરેકના મનમાં છપાઈ ગયો છે. સાથે જ 'જેઠાલાલ'નું નામ પડતાં જ આપણને બીજા બે પાત્ર પણ મગજમાં આવે દયાભાભી અને બબીતાજી.... ચાર-પાંચ દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયામાં દિલીપ જોશીનો એક શો યોજાયો હતો, જેમાં 'જેઠાલાલ'ને જોતાં જ ફેન્સે બબીતાજીના નામનો હૂરિયો બોલાવ્યો. દિલીપ જોશીએ પણ હસતાં-હસતાં ફેન્સને પાઠ ભણાવી દીધો. દિલીપ જોશીએ હસતાં-હસતાં પાઠ ભણાવ્યો સોશિયલ મીડિયા પર એક્ટરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ત્યાં હાજર ફેન્સે તેમને જોતા જ બબીતાજી (મુનમુન દત્તા)નું નામ લેવાનું શરૂ કરી દીધું. જેઠાલાલે તે બધા ફેન્સને મજાકિયા અંદાજમાં યોગ્ય જવાબ આપ્યો. તેમણે એક ચાહકને પૂછ્યું- 'કોણ-કોણ બબીતાજીને યાદ કરી રહ્યું છે? એવું લાગે છે કે તે તેમની પત્નીઓને ઘરે મૂકીને આવ્યા હશે. તેથી જ બબીતાજીના નામની બૂમો પાડી રહ્યા છે.' પછી તેમણે એક વ્યક્તિની મજાક કરતાં કહ્યું- 'આ ભાઈ ઈશારો કરીને બતાવી રહ્યા છે કે હું મારી બબીતાને લઈને આવ્યો છું..' પછી, ફેન સામે જવાબ આપે છે. એટલે એક્ટરે ફરી પૂછ્યું- 'શું તમારી દયા તમારી સાથે છે? તો સારું. હું તો હંમેશા કહું છું... ભગવાને દરેકને દયા આપી છે, તેમાં રાજી રહો ભાઈ. આ જ સત્ય છે, બાકી બધું માયા છે.' વિદેશમાં પણ 'જેઠલાલ'નું ફેન ફોલોવિંગ બહુ મોટું છે દિલીપ જોશીએ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ આ કાર્યક્રમને વધુ ખાસ બનાવ્યો. 'જેઠલાલ'ના વિદેશમાં પણ ખૂબ મોટા ચાહકો છે. શોમાં બબીતાજી સાથે એક્ટરની કેમેસ્ટ્રીની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. 'તારક મહેતા...' શોમાં આવતા પહેલા દિલીપ જોશીએ ઘણી ફિલ્મો અને શોમાં કામ કર્યું હતું. પરંતુ 17 વર્ષ પહેલાં જ્યારે તેઓ 'તારક મહેતા..' શોમાં જોડાયા ત્યારે તેમનું નસીબ બદલાઈ ગયું. તેઓ હજુ પણ આ શોનો હિસ્સો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોનાં 17 વર્ષની ઉજવણી તાજેતરમાં ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ એની સફરના 17 વર્ષ પૂર્ણ કર્યાં હતા. આ સફળતાની ઉજવણી કરવા માટે નિર્માતાઓ દ્વારા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શો સાથે સંકળાયેલા તમામ કલાકારોએ ભાગ લીધો હતો. આ સેલિબ્રેશન ગોરેગાંવ ફિલ્મ સિટીમાં TMKOC ઇન્ટીરિયર સેટ પર યોજાયું હતું. શોના નિર્માતા અસિત મોદી, એક્ટર દિલીપ જોશી (જેઠાલાલ), મુનમુન દત્તા (બબીતાજી), અમિત ભટ્ટ (બાપુજી), તનુજ મહાશબ્દે (અય્યર), સચિન શ્રોફ (તારક મહેતા) અને અન્ય ચહેરાઓ પણ ઉજવણીમાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન કલાકારોના પરિવારના સભ્યો પણ સેટ પર હાજર રહ્યા હતા. દિલીપ જોશી અને અન્ય કલાકારોનાં માતા-પિતા અને પરિવારના સભ્યોએ સાથે મળીને કેક કાપી હતી.

What's Your Reaction?






