ભત્રીજાએ જ કાકીના ઘરે કરી લૂંટ:રૂપિયા આઠ લાખનું લેણું થઇ જતાં કુટુંબી કાકીના ગળે છરી રાખી ઘરેણાં લૂંટી ફરાર
સિહોરમાં રહેતા એક વૃદ્ધા ઘરે એકલા હતા તે વેળાએ એક લૂંટારૂએ ઘરમાં ઘુસી, વૃદ્ધાને ગળે છેરી રાખી મંગળસુત્ર, સોનાની બંગડી સહિતના ઘરેણાં લૂંટી ફરાર થઇ જતાં સિહોર જેવા નાના ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ લૂંટમાં સિહોર પોલીસે આરોપીની ધરપકડ કરી લેતા આ લૂંટારૂ બીજું કોઇ નહીં પરંતુ વૃદ્ધાનો કુટુંબી ભત્રીજો જ નિકળ્યો હતો. ભાવનગર જિલ્લાના સિહોર ગામે રાજનાથ મંદિર સામે રહેતા હર્ષાબેન રમેશભાઇ વોરા (ઉ.વ.62) ઘરમાં આજે સવારે એકલા હતા અને તે વેળાએ તેમના ઘરની બાજુમાં આવેલી દુકાને તેમના પતિને શરબત બનાવીને આપવા ગયા હતા. જે બાદ દુકાનેથી પરત ફર્યા હતા અને રૂમમાં જતાં જ પાછળથી એક બુકાનીધારી લૂંટારૂ શખ્સે વૃદ્ધા કંઇ સમજે એ પહેલા જ તેમના ગળે છરી રાખી જે કંઇ પણ ઘરમાં સોના-ચાંદીના દાગીના હોય તે આપી દેવાનું કહેતા, વૃદ્ધાએ દોઢ તોલાનું મંગળસુત્ર, ચાર સોનાની બંગડી સહિતની વસ્તુઓ આપી હતી અને અન્ય ઘરેણા નહીં હોવાનું કહેતા લૂંટારૂ એક લાખ રૂપિયાની કિંમતના ઘરેણાં લૂંટી ભરબજારે ફરાર થઇ જતાં સિહોરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જે ઘટનાની જાણ થતાં જ સિહોર, એલ.સી. બી. પોલીસ દોડતી થઇ ગઇ હતી અને રાત્રે લૂંટારૂ આરોપી તરંગ જીતેન્દ્રભાઇ વોરા (રહે. કિલ્લોલ ફ્લેટ, ઘોઘાસર્કલ, ભાવનગર) ની ધરપકડ કરી હતી.સિહોર પોલીસે આરોપી તરંગ વોરાની ધરપકડ કરતા લૂંટમાં નવો વળાંક સામે આવ્યો હતો. જે મામલે સિહોરના પી.આઇ. જાડેજાએ જણાવ્યું હતું કે, હર્ષાબેનનો કુટુંબી ભત્રીજા તરંગ વોરાએ સમગ્ર લુંટનો પ્લાન ઘડ્યો હતો અને તરંગે આગલા દિવસે ઘરની રેકી કરી હતી અને આઠ લાખ રૂપિયાનું લેણું થઇ જતાં કુટુંબી ભત્રીજાએ કાકીના ઘરેણાં લૂટી, માથે ચડેલું લેણું ઉતારી લેવાનો પ્લાન ઘડ્યો હતો. લૂંટ બાદ પોલીસથી બચવા ટીશર્ટ બદલી નાંખ્યું લૂંટ બાદ પોલીસથી બચવા ટીશર્ટ બદલી નાંખ્યું હતું અને અન્ય કલરનું ટી-શર્ટ પહેરી બાઇક લઇ ફરાર થયો હતો.પોલીસે 100 જેટલા નેત્રમ તેમજ અન્ય સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી આરોપીની ભાળ મેળવી હતી અને સોનગઢ, ઉમરાળા, વલ્લભીપુર જવાના તમામ રસ્તાઓ ઉપર ચુસ્ત નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. જે બાદ આરોપીને સીદસર નજીકથી ધરપકડ કરી લેવામાં પોલીસને સફળતા મળી હતી. આગલા દિવસે ભત્રીજાએ કાકા સાથે સમોસા ખાધા ગઇકાલ ગુરૂવારે સવારે આરોપી તરંગે કાકીના ઘરે લૂંટ મચાવી હતી. એ પહેલા આરોપીએ આગલા દિવસે એટલે કે બુધવારે સાંજના સુમારે તેમના કાકી હર્ષાબેન અને કાકા રમેશભાઇના ઘરે પહોંચ્યો હતો અને ખબર અંતર પુછી, સાંસારીક વાતુ કરી હતી અને રમેશભાઇએ ભત્રીજો ઘરે આવવાની ખુશીમાં ભત્રીજા તરંગ માટે સમોસા મંગાવ્યા હતા.

What's Your Reaction?






