માર્ગો પર રીસર્ફેસિંગનું કામ:24 વર્ષ બાદ ભુજના રિંગ રોડ-પાર્કિંગ માટે નવુ આયોજન
ભુજના 18 રીંગરોડ જે અંદાજે 54 કિલોમીટર લંબાઇના માર્ગો પર રીસર્ફેસિંગનું કામ આગામી દિવાળી આસપાસ શરૂ થવાનું છે, ત્યારે ભુજની ગાયબ થયેલી ફૂટપાથ અને દબાણ થઈ ગયેલી ફૂટપાથ અંગે માર્ગ અને મકાન વિભાગમાંથી મળેલી અધિકૃત માહિતી મુજબ આ દરેક માર્ગની સાથે ફૂટપાથનું પણ સર્વે થયું છે અને જરૂરિયાત મુજબ ઇન્ટરલોક પાથરીને પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાશે. ભુજના રિંગ રોડ બન્યા ત્યારે જે બધી જ ફૂટપાથમાંથી 24 વર્ષમાં ધીરે ધીરે અડધાથી વધુ ફૂટપાથ ગાયબ થઈ ગઈ હતી. અથવા તો તેના પર કેબીનો મૂકીને દબાણ થઈ ગયું હતું તેનું સર્વે કરીને ભુજમાં સૌથી મોટી પાર્કિગની સમસ્યા છે તે હળવી થઈ શકે તેવા ઉજળા સંજોગો ઊભા થયા છે. ભુજના રીંગરોડ ની માલિકી નિશ્ચિત થયા બાદ તેનું નવીનીકરણ થશે અને તે માટે ધારાસભ્ય તેમજ અધિકારીઓની ટીમે સંપૂર્ણ સર્વે કરીને આજની પરિસ્થિતિ શું છે તે જોઈ રીંગરોડના રી–સરફેસિંગની સાથે ફૂટપાથ કે પાર્કિંગની વ્યવસ્થા પણ ગોઠવી છે. આ અંગે માર્ગ અને મકાન ભુજ પેટા વિભાગના ના.કા.ઈ.એ જણાવ્યું કે, સર્વેયર દ્વારા જે રસ્તાઓ પર સૌથી વધુ ટ્રાફિક રહે છે ત્યાં અને ફૂટપાથ જો જરૂરી ન હોય તો ત્યાં અંદર સુધી ઇન્ટરલોક દ્વારા જમીન સમથળ કરી પાર્કિંગ પ્લેસનું નિર્માણ પણ કરવામાં આવશે. જોકે હાલ ક્યાં અને કઈ જગ્યાએ કરવામાં આવશે તે જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ જ્યારે બનશે ત્યારે લોકો માટે સગવડતા ઉભી થશે તે નિશ્ચિત છે. ભુજમાં ભાડા દ્વારા જે પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા તેમાં 80% પ્લોટ ઉપયોગ ન થઈ શકે તેવી રીતે લોકેટ થયેલા છે. અમુક તો એટલા નાના છે કે જ્યાં ચાર બાઈક માત્ર આવી શકે. 24 વર્ષમાં અન્ય વિકાસ બહુ થયો પરંતુ પાર્કિંગ પ્લોટનો આખરી નિર્ણય લેવાયો નહીં. હવે જ્યારે રીંગરોડ અને ટીપીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પાર્કિંગ પ્લોટનો મુદ્દો પણ ગંભીરતાથી લેવામાં આવે તો વર્તમાન અને આગામી દિવસોમાં હજુ પણ ટ્રાફિક સમસ્યા વકરવાની છે તેમાં થોડી રાહત થાય. ભારે ટ્રાફિક છે, તેની નજીક જ પાર્કિંગ પ્લોટનો વિકલ્પ વિચારી શકાય ભુજમાં હોસ્પિટલ રોડ, જ્યુબિલી સર્કલ, વી.ડી. હાઇસ્કુલ રોડ, કલેકટર કચેરી પાસે કોલેજ રોડ એવા માર્ગે છે કે ત્યાં દિવસ પર સતત વાહનો દોડતા રહે છે. આસપાસ સરકારી કચેરીઓ, કોર્ટ, કલેક્ટર કચેરી, પોલીસ વડાની કચેરી અને વ્યવસાય હેતુથી કાર પાર્કિંગ મોટી સમસ્યા બનેલી છે. આ જ વિસ્તારમાં ફૂટપાથ અને ત્યારબાદ વિશાળ જગ્યા પણ ઉપલબ્ધ છે. ફૂટપાથની અવેજીમાં ઇન્ટરલોક ફીટ કરી અને પાર્કિંગ કરવામાં આવે તો મોટાભાગના વાહનો રસ્તાથી દૂર સુરક્ષિત પાર્ક થાય.

What's Your Reaction?






