1550 કરોડ સાયબર ફ્રોડ કેસમાં નવા ખુલાસા:મુખ્ય આરોપી કીરાત જાદવાણીની બહેન વૃંદા શંકાના દાયરામાં, લુકઆઉટ નોટિસ જાહેર
RBL બેન્ક ₹1550 કરોડના સાયબર ફ્રોડ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કૌભાંડમાં બેન્કના જ 8 કર્મચારીઓની સીધી સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. મુખ્ય આરોપી કીરાત જાદવાણીની બહેન વૃંદા પણ શંકાના દાયરામાં છે, જેના પગલે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ તપાસમાં પોલીસને RBL બેન્કના ભૂતપૂર્વ અને હાલના કર્મચારીઓની ભૂમિકા પર શંકા છે. આઠ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા સુરત શહેરમાંથી 1550 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશથી ખળભળાટ મચી ગયો છે. ત્યારે ઉધના પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રેકેટમાં માત્ર સાયબર ગુનેગારો જ નહીં, પરંતુ બેંકના કર્મચારીઓ પણ સીધી રીતે સામેલ હોવાનું બહાર આવ્યું છે. RBL બેંકના આઠ કર્મચારીઓને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) 164 જેટલાં બેંક એકાઉન્ટ ખોલી સાયબર ફ્રોડ આ કર્મચારીઓએ આરોપીઓને મદદ કરવા માટે નિયમોનું ઉલ્લંઘન કરીને 164 જેટલાં બેંક એકાઉન્ટ ખોલી આપ્યાં હતાં. એટલું જ નહીં, સાયબર ફ્રોડના નાણાં ફ્રીઝ થઈ જાય ત્યારે પણ તેઓ આરોપીઓને તત્કાળ જાણ કરતા અને બાકીના નાણાં ઉપાડી લેવાની સલાહ આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ખોટાં દુકાનો અને શોપના સેટઅપ ઊભા કરીને ફ્રોડ કરતાં આ સમગ્ર રેકેટમાં RBL બેંકના કર્મચારીઓની ભૂમિકા માત્ર સહાયક પૂરતી સીમિત નહોતી, પરંતુ તેઓ ગુનેગારો સાથે સીધા ભાગીદાર બનીને કામ કરતા હતા. ઉધના પોલીસની તપાસમાં એવું સામે આવ્યું છે કે, આરોપી કીરાત જાદવાણી સહિતના લોકો ખોટાં દુકાનો અને શોપના સેટઅપ ઊભા કરતા હતા. આ ખોટા સેટઅપના આધારે RBL બેંકના કર્મચારીઓ નિયમોને નેવે મૂકીને કરંટ બેંક એકાઉન્ટ ખોલી આપતા હતા. આ બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંને ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો. 'આરોપીઓ મોટી રકમ ટ્રાન્સફર કરી લેતા હતા' : DCP ભગીરથ ગઢવી આ અંગે વધુ માહિતી આપતાં ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, “આ કેસમાં બેંકના 8 કર્મચારીઓએ જે ભૂમિકા ભજવી છે, તેનો અમે પર્દાફાશ કર્યો છે. આ કર્મચારીઓએ ખોટા દસ્તાવેજોના આધારે 164 બેંક એકાઉન્ટ ખોલી આપ્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે, જ્યારે NCCRP પોર્ટલ પર સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાય અને બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય, ત્યારે આ કર્મચારીઓ આરોપીઓને તાત્કાલિક તેની જાણ કરતા હતા. એટલું જ નહીં, તેઓ આરોપીઓને સલાહ પણ આપતા હતા કે, ફ્રીઝ થયેલી રકમ સિવાયની બાકીની રકમ તત્કાળ ઉપાડી લો. આ સલાહના આધારે આરોપીઓ મોટી રકમ ટ્રાન્સફર કરી લેતા હતા.” 'મુખ્ય આરોપી કીરાત જાદવાણીની બહેન સામે લુકઆઉટ નોટિસ જાહેર' ડીસીપી ગઢવીએ ઉમેર્યું કે, પોલીસે આ તમામ બેંક કર્મચારીઓના નિવેદન અને તેમના બેંક એકાઉન્ટની તમામ વિગતો પણ મેળવી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.વૃંદા જાદવાણી પણ શંકાના દાયરામાં પોલીસે આ કેસના મુખ્ય આરોપી કીરાત જાદવાણીની બહેન વૃંદા જાદવાણી સામે પણ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. 'આ સમગ્ર કેસમાં વૃંદાની સંડોવણી હોવાની શંકા' ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, “આ સમગ્ર કેસમાં વૃંદાની સંડોવણી હોવાની શંકા છે. અમને બેંક કર્મચારીઓ સાથેની તેની કેટલીક ચેટ પણ મળી આવી છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ મોબાઈલ નંબર વૃંદા વાપરતી હતી કે કોઈ અન્ય વ્યક્તિ. જો ઠોસ પુરાવા મળશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. તેના પાસપોર્ટ નંબરના આધારે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.” કરોડો રૂપિયાની રકમ સીઝ, તપાસનો વ્યાપ વધ્યો પોલીસે અત્યાર સુધીમાં કુલ 164 જેટલાં બેંક એકાઉન્ટ સીઝ કર્યા છે, જેમાંથી 1.29 કરોડ રૂપિયાની રકમ મળી આવી છે. આ ઉપરાંત મુખ્ય આરોપી કીરાત જાદવાણીના બેંક એકાઉન્ટમાં રહેલા 1.40 કરોડ રૂપિયા પણ સીઝ કરવામાં આવ્યા છે. આમ, પોલીસે કુલ મળીને અઢી કરોડ રૂપિયાની રકમ સીઝ કરી છે. કીરાત ત્રણ યુએસબી વોલેટ પણ વાપરતો હતો, જેની મની ટેલ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ વોલેટ દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો થયા હોવાની આશંકા છે. આંતરરાષ્ટ્રીય રેકેટ, દુબઈથી સંચાલન કરાતું સુરત પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેનું સંચાલન દુબઈ, ક્યુબા, થાઈલેન્ડ અને મલેશિયાથી થતું હોવાનું બહાર આવ્યું છે. આ સાયબર માફિયાઓ પાર્ટટાઈમ જોબ, વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ટ્રેડિંગ, ક્રિપ્ટો અને યુએસડીટી ટ્રેડિંગ, સેક્સટોર્શન અને ડિજિટલ એરેસ્ટ જેવી પ્રચલિત પદ્ધતિઓનો ઉપયોગ કરીને નાગરિકોને છેતરતા હતા. આ રેકેટમાં કીરાત જાદવાણી, મેહુલ ઈટાલિયા અને દિવ્યેશ ચક્રરાણી દ્વારા 165 એકાઉન્ટ થકી હજારો કરોડ રૂપિયા વિદેશ મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે મીત ખોખર, કીરાત જાદવાણી અને મયુર ઈટાલિયાની ધરપકડ કરી છે. આ ત્રિપુટી પકડાઈ જતાં મુખ્ય સૂત્રધાર દિવ્યેશ ચક્રરાણી 22મી તારીખે દુબઈ ભાગી ગયો છે. પોલીસે તેની અને વૃંદા જાદવાણી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.

What's Your Reaction?






