રેલવે વિભાગનું ઉદાસીન વલણ:નમો ભારતમાં ટિકિટ ચેક નથી કરાતી ! અનેક ખુશ
ભુજ-અમદાવાદ વચ્ચે શરૂ કરાયેલી દેશની સર્વપ્રથમ નમો ભારત રેપીડ રેલમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને હાલમાં મોટાભાગના દિવસોમાં આ ટ્રેન ફૂલ દોડી રહી છે જોકે, રેલવે વિભાગના ઉદાસીન વલણના કારણે રેલવેને નુકસાન અને ખુદાબક્ષોને ફાયદો થઈ રહ્યો છે. ભુજ-અમદાવાદ વચ્ચે દોડી રહેલી દેશની સર્વપ્રથમ નમો ભારત ટ્રેનમાં ટિકિટ ચેક કરવા વાળું કોઈ નથી તેમજ ઓનલાઇન બુકિંગની હજુ સુધી કોઈ ચોક્કસ વ્યવસ્થા થઈ નથી.અગાઉ ભીડના કારણે ઝઘડા સહિતના બનાવો બની ચૂક્યા છે. પ્રવાસીઓની માંગ છે કે, આ ટ્રેનમાં ટિકિટ ચેક કરવા માટે ટીસી હોવા જોઈએ તેમજ સિક્યુરિટી ગાર્ડ હોવા જોઈએ અને ઓનલાઈન બુકિંગની ચોક્કસ વ્યવસ્થા સાથે રિઝર્વેશનની સુવિધા હોવી જોઈએ.યુટીએસ એપ્લિકેશનમાં એડવાન્સ બુકિંગનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ મોટાભાગના કિસ્સામાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. ખાસ કરીને બે નાના શહેરો વચ્ચે જે પ્રવાસીઓ રોજિંદા અપડાઉન કરે છે તેઓ મોટાભાગે ટિકિટ લીધા વગર મુસાફરી કરતા હોવાનું ખુદ પ્રવાસીઓ જણાવી રહ્યા છે લાંબા અંતરના મુસાફરો ટિકિટ મેળવી લે છે પરંતુ ટૂંકા અંતરના મુસાફરો એક સ્ટેશનથી ચડી બીજા સ્ટેશને ઉતરી જાય છે. ખરેખર આ ટ્રેનમાં ટિકિટ ચેકર હોવા જોઈએ જેથી રેલવે તંત્રની આવકમાં વધારો થઈ શકે. તાજેતરમાં ભુજ-રાજકોટ વચ્ચે જે ટ્રેન શરૂ કરાઈ તેને 3 ફેરામાં બંધ કરવી પડી તેમાં રેલવે તંત્રને ખોટ જતી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ ટ્રેનમાં ટિકિટ લઈને મુસાફરી કરતા મુસાફરો કરતા ખુદાબક્ષોની સંખ્યા વધારે છે ટિકિટ ચેકિંગ બાબતે કડક ધ્યાન આપવામાં આવે તો રેલવે તંત્રની આવક વધવા સાથે પ્રવાસીઓને પણ સુવિધા ઉપલબ્ધ થાય તેમ છે.આ બાબતે રેલવેના સંબંધિત વિભાગોમાં પણ ફરિયાદ કરવામાં આવી છે જોકે હજી સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.

What's Your Reaction?






