ચપ્પુની અણીએ પરિણીતા પર દુષ્કર્મ આચરનાર જીમ ટ્રેનર પકડાયો:સોશિયલ મીડિયાથી સંપર્ક થયો ને વાત કરવાના બહાને હોટેલમાં લઈ ગયો, મિત્રો સાથે મળીને કાંડ કર્યા હોવાની રિલ્સ પણ બનાવી
સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં આવેલા જીમ ટ્રેનરે વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાને હરણી વિસ્તારમાં આવેલી હોટલમાં મળવા માટે બોલાવી અને ત્યારબાદ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી, મહિલાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ આરોપીએ તેના મિત્રો સાથે મળીને રિલ્સ બનાવી છે, જેમાં આરોપી સાગર મકવાણા કહે છે કે, મુજે પતા હૈ કી તુમ કિતને તમ પર ઉછલ રહા હૈ. તો સામે બીજો યુવક કહે છે કે, હમે ભી પતા હૈ તુમ દોનો ભાઇઓને કિતને કાંડ કીયે હૈ. તુમ્હારી ફાઇલે ખુલવા દી ના, તો જીંદગીભર જેલ મે સડોગે.... સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા ને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીત મહિલાનો સોશિયલ મીડિયાના માધ્યમથી 30 વર્ષીય જીમ ટ્રેનર સાગર મકવાણા નામના શખસ સાથે સંપર્ક થયો હતો. જેના કારણે બંને એકબીજા સાથે મોબાઈલ પર કોલિંગ તથા મેસેજ દ્વારા વાતો કરતા હતા. જેના કારણે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. મહિલાનો વિશ્વાસ જીતી ગયેલા શખસે તેણીને મળવા માટે હરણી વિસ્તારમાં આવેલા તળાવ પાસે બોલાવી હતી. ચાકુ બતાવીને મહિલા સાથે બે વાર દુષ્કર્મ આચર્યું આ દરમિયાન મહિલાને હોટલના રૂમમાં શાંતિથી બેસી વાતો કરવાનું કહીને લઈ ગયો હતો. ત્યારબાદ જીમ ટ્રેનર સાગર મકવાણાએ ચાકુ બતાવીને મહિલાને મારી નાખવાનો ડર બતાવ્યો હતો અને મહિલા પર બે વાર દુષ્કર્મ આચર્યું હતું. જેથી મહિલાએ હરણી પોલીસ સ્ટેશનમાં આ શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સાગર મકવાણાને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હરણી પોલીસે યુવતી અને આરોપીની મેડિકલ પણ કરાવ્યું છે. આરોપી એમ.ડી ફિટનેસ નામથી જીમ ચલાવે છે આરોપી સાગર મકવાણા પરિણીત છે અને તેને એક દીકરી છે અને પીડિત મહિલા પણ પરિણીત છે અને તેને પણ એક દીકરી છે. આરોપી સાગર મકવાણા સામે સુરત ખાતે પણ એક ગુનો દાખલ થયેલો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ.ડી ફિટનેસ નામથી જીમ ચલાવે છે. પોલીસે હોટલના CCTV કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી એચ ડિવીઝન એસીપી જી.બી. બાંભણીયાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મ કેસમાં આરોપી સાગર મકવાણાની ઘરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુનામાં વપરાયેલુ ચપ્પુ કબજે કરવાનું બાકી છે. આરોપી પરણિત છે. હોટલના CCTV કબજે કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. સો. મીડિયાથી વિશ્વાસમાં લઈ યુવતી પર દુષ્કર્મના કિસ્સાઓ વધ્યા છે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય યુવતીનો સોશિયલ મીડિયા પરથી સુરતના કાપડના વેપારી સાથે સંપર્ક થયો હતો. જેથી, વેપારીએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેણીને વડોદરા સહિતની અલગ-અલગ હોટલોમાં લઈ જઈને તેના પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. મીઠી-મીઠી વાતો કરીને વેપારીએ યુવતી પાસેથી 18 લાખ ઉપરાંતની રકમ પડાવી લીધી હતી ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને વિશ્વાસમાં લઈ તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

What's Your Reaction?






