વિપક્ષના નેતાનો આક્ષેપ:અમદાવાદમાં ભાજપના શાસકોએ 10 વર્ષમાં માત્ર 56 કિ.મી વરસાદી પાણીની લાઈન નાખી, પાણી ભરાશે તો પોલીસ ફરિયાદ કરીશું
ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે. નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, અમદાવાદ શહેર સ્માર્ટ સિટી નહીં પરંતુ સ્વિમિંગ પુલ સિટી બની ગયું છે. શહેરમાં 3,200 કિલોમીટરના રોડ હોવા છતાં પણ માત્ર 980 કિમીમાં જ વરસાદી પાણીની લાઈન નાખવામાં આવી છે. ભાજપના શાસકો દ્વારા છેલ્લા 10 વર્ષમાં માત્ર 56 કિલોમીટરની જ વરસાદી લાઈન નાખી છે. જે પરથી સ્પષ્ટ જણાય છે કે, પ્રિમોન્સૂનની કામગીરી માત્ર નામની કરવામાં આવી છે. જો આગામી ચોમાસામાં જે તે ઝોનમાં વરસાદી પાણી ભરાશે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નાગરિકો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવશે. અમદાવાદમાં સૌથી મોટી સમસ્યા વરસાદી પાણીના નિકાલની છે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી અમદાવાદમાં સૌથી મોટી સમસ્યા વરસાદી પાણીના નિકાલની છે. 20 વર્ષથી AMC શાસનમાં રહેલી ભાજપ સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. અધિકારીઓ એસી કેબિનમાં બેસી અધિકારીઓ પ્રિ-મોન્સુન પ્લાન બનાવે છે. તેઓએ દાવો કર્યો છે કે, આ વખતે પાણી નહીં ભરાય પણ એક ઇંચ વરસાદમાં અમદાવાદ સ્વિમિંગ પૂલ બની જાય છે. 3 વર્ષ પહેલાં કીધું હતું કે, 3 હજાર કરોડના વર્લ્ડ બેંકના લોનથી સ્ટ્રોમ વોટર લાઇનનું કામ કરીશું, પરંતુ આજ સુધી કામ થયું નથી. સત્તાધીશોએ માત્ર 56 કિમીની સ્ટ્રોમ વોટર લાઇનનું કામ કર્યું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોને ઇન્ટર લિંક કરવાની વાતો કરી છે, પરંતુ આજે પણ તળાવ ખાલી છે. અમદાવાદ શહેર 480 સ્ક્વેર કિલોમીટર છે. જેમાં 3200 કિમીના રોડ પર 923 કિમીની સ્ટ્રોમ વોટર લાઇન નાખી છે. વર્ષ 2023-24માં માત્ર 980 કિલોમીટર નાખવામાં આવી છે. 10 વર્ષમાં સત્તાધીશોએ માત્ર 56 કિમીની સ્ટ્રોમ વોટર લાઇનનું કામ કર્યું છે. 124 કરોડ ખર્ચ નો દાવો કરે છે. 3 હજાર કરોડની વર્લ્ડ બેન્કની લોન લેવામાં આવી હતી અને વરસાદી પાણીની લાઈન નાખવાની વાતો કરી હતી, ત્યારે આ લોનનું શું કર્યું. આગામી ચોમાસામાં જો હવે વરસાદી પાણી ભરાશે તો કોંગ્રેસ તેમજ પ્રજા સાથે મળી અને જે તે ઝોનમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે.

What's Your Reaction?






