હિંમતનગરમાં પાણી પુરવઠો ખોરવાયો:બગીચા વિસ્તારમાં નવી પાણીની ટાંકીના પાઇપલાઇન જોડાણની કામગીરી, 12 વિસ્તારમાં સાંજે પાણી મળશે
હિંમતનગરના ટાવર ચોક નજીક બગીચા વિસ્તારમાં નવી પાણીની ટાંકીના પાઇપલાઇન જોડાણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે શહેરના 12થી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠો અટકી ગયો છે. 15મા નાણાં પંચમાંથી રૂ. 88 લાખના ખર્ચે 18 મીટર ઊંચી અને 10 લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકી બનાવવામાં આવી છે. મંગળવારે સવારથી આ ટાંકીને કાર્યરત કરવા માટે પાઇપલાઇન જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાઇપલાઇન જોડાણની કામગીરીને કારણે નાની વહોરવાડ, મોટી વહોરવાડ, પોલોગ્રાઉન્ડ, તબેલા વિસ્તાર, ન્યાય મંદિર, બજાર વિસ્તાર, ભાટવાસ, ગિરધરનગર, શક્તિનગર, આંબાવાડી, બરેલી મિલ અને બગીચા વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહ્યો છે. નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના વડા અશ્વિનભાઈ જોશીના જણાવ્યા મુજબ, ટાંકીમાંથી ઉતરતી અને ચઢતી પાઇપલાઇનનું કનેક્શન અને તેનું ટેસ્ટિંગ પૂર્ણ થયું છે. ત્રણ વાલ્વ લગાવવાની કામગીરી બાકી છે. જૂની લાઇન સાથે નવું જોડાણ કરવામાં આવી રહ્યું છે. મોડી સાંજ સુધીમાં તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો પુનः શરૂ કરવામાં આવશે.

What's Your Reaction?






