અમેરિકાના કોલોરાડોમાં ઇઝરાયલ સમર્થકો પર હુમલો:લોકો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો, ઘણા લોકો દાઝી ગયા; તપાસ એજન્સી FBIએ આતંકવાદી હુમલો ગણાવ્યો
રવિવારે અમેરિકાના કોલોરાડો રાજ્યના બોલ્ડર શહેરમાં એક વ્યક્તિએ લોકો પર હુમલો કર્યો. હુમલાખોરે લોકો પર મોલોટોવ કોકટેલ ફેંક્યું, જેના કારણે ઘટનાસ્થળે આગ લાગી ગઈ. આ આગને કારણે ઘણા લોકો દાઝી ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ મોલોટોવ કોકટેલ (પેટ્રોલ બોમ્બ) ફેંકતો દેખાય છે. આ હુમલો રન ફોર ધેર લાઈવ્સ નામના જૂથની મીટિંગ દરમિયાન થયો હતો. આ જૂથ ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયલી નાગરિકોને મુક્ત કરવાની માંગ કરી રહ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મોહમ્મદ સાબરી સોલીમાન, 45 વર્ષીય તરીકે થઈ છે. સીએનએનના અહેવાલ મુજબ, સોલીમાન અગાઉ યુએસમાં આશ્રય માટે અરજી કરી ચૂક્યો હતો. 2005માં, સોલિમાનને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવા માટે વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જો કે, તે ક્યારે અને કેવી રીતે અમેરિકા આવ્યો તે હજુ સ્પષ્ટ નથી. FBIએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો શરૂઆતની માહિતીના આધારે, યુએસ તપાસ એજન્સી FBIએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. FBIના ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોન્ઝિનોએ કહ્યું, શરૂઆતની માહિતીના આધારે, આ હુમલો વૈચારિક દ્વેષથી પ્રેરિત આતંકવાદી ઘટના હોય તેવું લાગે છે. જ્યારે પુરાવા સ્પષ્ટ થશે, ત્યારે અમે સંપૂર્ણ માહિતી આપીશું. બોલ્ડર પોલીસ વડા સ્ટીવ રેડફર્ને જણાવ્યું હતું કે હુમલો શાંતિપૂર્ણ રીતે પ્રદરેશન કરી રહેલા પ્રદર્શનકારીઓ પર કરવામાં આવ્યો હતો અને પીડિતોની ઇજાઓ દર્શાવે છે કે તેમને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે કહ્યું કે હાલમાં કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળભર્યુ ગણાશે. કોલોરાડોના ગવર્નર જેરેડ પોલિસે એક નિવેદન જાહેર કરીને કહ્યું, "હિંસા કે નફરતનું કોઈપણ કૃત્ય સહન કરાશે નહીં." ઘટના બાદ પોલીસે સમગ્ર બજાર વિસ્તાર ખાલી કરાવી દીધો હતો. સુરક્ષા દળોએ શેરીઓમાં પેટ્રોલિંગ કર્યું અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે. ગયા મહિને ઇઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીઓની હત્યા થઈ હતી ગયા મહિને 21 મેના રોજ રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, ગુનેગારે "ફ્રી પેલેસ્ટાઇન"ની બૂમો પાડતા બંનેને નજીકથી ગોળી મારી દીધી. મૃતકોમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. ઘટના સમયે, બંને કર્મચારીઓ કેપિટલ યહૂદી સંગ્રહાલયમાંથી બહાર નીકળી રહ્યા હતા. ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બંનેએ હાલમાં જ સગાઈ કરી હતી અને ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા. ઘટના બાદ પોલીસે એલિયાસ રોડ્રિગ્ઝ નામના આરોપીની ધરપકડ કરી હતી. 30 વર્ષીય એલિયાસ શિકાગોનો રહેવાસી છે. ધરપકડ દરમિયાન તે પેલેસ્ટાઇનને આઝાદ કરવાના નારા લગાવી રહ્યો હતો.

What's Your Reaction?






