કિરીટ પટેલનો ભાવુક સંદેશ:'મારે મંત્રી નથી બનવું, આ જીત થકી મારા ભાઈ જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવા છે'
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના વિજય માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર બનાવાયેલા કિરીટ પટેલે પ્રચારના મધ્યમાં એક ભાવુક અને ચિંતનકારક સંદેશ આપ્યો છે. જનસભામાં યોજાયેલા સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, "મારે મંત્રી નથી બનવું, મારી તલપ તો એટલી છે કે આ જીતથી મારા ભાઈ જયેશભાઈ રાદડિયાને ફરી મંત્રી બનતા જોવા છે." પટેલે કહ્યું, "એક ભાઈએ મને ઉત્સાહમાં આ કહ્યું – મિનિસ્ટર, અરે મારે તો ફક્ત 800 દિવસ માટે ધારાસભ્ય બનવું છે. મારે તો એ જીત થકી મારો ભાઈ મંત્રી બની જાય એ જોઈને ગર્વ અનુભવવો છે." તેમણે વિસાવદર અને ભેસાણની સ્થિતિ પર સ્પષ્ટ વચન આપતાં કહ્યું કે, "તમે ખાલી 800 દિવસ મને આપો, જો પેરિસ જેવી બજારવાળા રસ્તા ન બનાવી દઉં તો હું ધારાસભ્ય તરીકે લાયક નથી." કિરીટ પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે, "વિસાવદર અને ભેસાણની બજારમાં લોકો એ નક્કી કરવું પડશે કે, 400 કરોડના શીશ મહેલમાં રહેનાર મુખ્યમંત્રી શોભે કે 400 દીકરીઓના કન્યાદાન કરનાર જયેશભાઈ રાદડિયા શોભે."

What's Your Reaction?






