વડોદરા મકરપુરા GIDCમાં આગ લાગતા અફરાતફરી:વીજ વાયરમાં શોટ શર્કિટ બાદ કલર-થીનરના ડબ્બામાં બ્લાસ્ટ થતા આગ લાગી, બે વ્યક્તિ દાઝતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી શ્રી અંબિકા એન્જિનિયરિંગ કંપનીમાં આગની ઘટના બની હતી. આ ઘટના શેડ નંબર 466/467માં બની હતી, જેમાં બે વ્યક્તિ દાઝી ગયા હતા. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં GIDC ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં બે લોકો દાઝતા તેમને હોસ્પિટલ ખસેડાયા આ આગની ઘટનામાં બે વ્યક્તિ જેમાં પરેશ ડી. વસાવા અને સતેન્દ્ર શાહ દાઝી ગયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. GIDC ફાયર સ્ટેશનની ટીમે ઝડપથી પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો જેના કારણે વધુ નુકસાન ટળ્યું હતું. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ ઘટનાના ચોક્કસ કારણો અને તેની પાછળની બેદરકારી અંગે તપાસ હાથ ધરવામાં આવશે. ફોરેન્સિક તપાસ દ્વારા વધુ સ્પષ્ટતા કરવામાં આવશે પ્રાથમિક અનુમાન મુજબ, વિદ્યુત વાયરમાં શોર્ટ સર્કિટને કારણે બ્લાસ્ટ થયો હતો જેના કારણે તણખલો નજીકમાં રાખેલા કલર અને થીનરના ડબ્બા પર પડ્યો હોવાથી આગ ફેલાઈ હોવાની વિગતો સામે આવી છે, પરંતુ આ મામલે ફોરેન્સિક તપાસ દ્વારા વધુ સ્પષ્ટતા કરવામાં આવશે. આ ઉપરાંત, કંપનીની સલામતીની પ્રક્રિયાઓ અને નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેની પણ તપાસ કરવામાં આવશે. કલર અને થીનરના ડબ્બા હતા તેમાં બ્લાસ્ટ થયો હતો આ અંગે મકરપુરા GIDC ફાયર વિભાગના સબ ફાયર ઓફિસર ચેતન બારોટે જણાવ્યું હતું કે, મકરપુરા GIDCમાં કોલ લાગ્યો હોવાની વિગતો મળતા અમારી ટીમ અહીંયા પહોંચી હતી. અહીંયા ઇન્ટર્નલ કેબલમાં શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હતી. અહીંયા કલર અને થીનરના ડબ્બા હતા તેમાં બ્લાસ્ટ થયો હતો. જેથી બે લોકો દાઝ્યા હતાં. જેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

What's Your Reaction?






