જૂનાગઢ-કેશોદમાં હવાઈ હુમલાની મોકડ્રિલ:ડી-માર્ટ અને એરપોર્ટ પર કૃત્રિમ હુમલો, 20 લોકોને બચાવાયા, શહેરમાં બ્લેકઆઉટ કરાયું
જુનાગઢ અને કેશોદમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત હવાઈ હુમલાની પરિસ્થિતિની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના ગૃહ મંત્રાલયની રાષ્ટ્રીય રક્ષાત્મક યોજના હેઠળ આ અભ્યાસ હાથ ધરાયો. જુનાગઢના ઝાંઝરદા ચોકડી નજીક આવેલી ડી-માર્ટમાં હવાઈ હુમલાની કલ્પિત ઘટના યોજાઈ. મેનેજરે કલેક્ટર કચેરી અને પોલીસ કંટ્રોલ રૂમને તાત્કાલિક જાણ કરી. પોલીસ, ફાયર વિભાગ, એનસીસી અને સિવિલ ડિફેન્સની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી. રાત્રે 8:30 કલાકે સમગ્ર ઝોનમાં બ્લેકઆઉટ કરાયું. લોકોએ બ્લેકઆઉટ કરી સુરક્ષા માટે જાગૃતિ દાખવી કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દેશના સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક સુરક્ષા માટેની તૈયારી અજમાવવા માટે આજે "ઓપરેશન શિલ્ડ" નામે મોટા પાયે મોક ડ્રિલ યોજવામાં આવી. આ ડ્રિલ અંતર્ગત ગુજરાતના અનેક જિલ્લામાં નાગરિકોને નિર્ધારિત સમયગાળામાં બ્લેકઆઉટ (વિજળી બંધ) રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સૂચનાને પગલે જુનાગઢ જિલ્લાના જૂનાગઢ શહેર તથા કેશોદ શહેરે બહોળા પ્રમાણમાં સહકાર આપ્યો હતો અને લોકોને ચેતનાશીલ નાગરિક તરીકે પોતાની જવાબદારી નિભાવી હતી. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં લાગુ પડ્યો બ્લેકઆઉટ જૂનાગઢ શહેરના કાળવા ચોક, મધુરમ વિસ્તાર, સાબલપુર ચોકડી, ગાંધીચોક, ચિતાખાના ચોક, ભવનાથ વિસ્તાર સહિતના વિસ્તારોમાં લોકો દ્વારા પોતાની દુકાનો, ઘરો તથા રેસ્ટોરાંની લાઇટો સ્વેચ્છાએ બંધ રાખવામાં આવી. વેપારીઓએ પણ તંત્રના આ અનુરોધને સંવેદનશીલતાપૂર્વક સ્વીકારી પોતાના વ્યાવસાયિક સ્થળોનું લાઇટિંગ બંધ કરી સહકાર દર્શાવ્યો હતો. શહેરમાં મોટાભાગે સોસાયટીઓ, એપાર્ટમેન્ટો અને નગરપાલિકા વિસ્તારોએ પણ સમયસર લાઇટો બંધ કરી અંધારું બનાવ્યું હતું જેથી કરીને મોકડ્રિલ વધુ અસરકારક બની શકે. કેશોદમાં પણ નાગરિકોએ ઉત્સાહભેર પાલન કર્યું કેશોદ શહેરમાં પણ બ્લેકઆઉટનો અમલ થયો હતો. સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને ઘરેલા પરિવારોએ વીજળી બંધ રાખી અને બહારની લાઇટો બંધ કરી શિસ્તબદ્ધ સહકાર આપ્યો હતો. નગરપાલિકા વિસ્તારમાં ઘરની લાઇટો, દુકાનોની ટ્યુબલાઇટ્સ અને વિજ્જળીય સંચાલિત હોર્ડિંગ્સ પણ સમયસર બંધ કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, એસપી અને મનપા કમિશનર સહિતના અધિકારીઓએ અભ્યાસનું નિરીક્ષણ કર્યું. સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોને વિશેષ તાલીમ આપવામાં આવી. કેશોદ એરપોર્ટ પર ડેપ્યુટી કલેક્ટર વંદના મીણાના નેતૃત્વમાં એર સ્ટ્રાઈકની મોકડ્રિલ યોજાઈ. એરપોર્ટ ઓથોરિટીએ રેવન્યુ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ અને આરોગ્ય વિભાગને તાત્કાલિક જાણ કરી. કુલ 20 કલ્પિત ઘાયલોને બચાવવામાં આવ્યા. તેમાંથી 5 ગંભીર દર્દીઓને સરકારી હોસ્પિટલમાં અને 15ને જનરલ વોર્ડમાં દાખલ કરાયા. આ મોકડ્રિલમાં વિવિધ વિભાગોની તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા, સંકલન અને રેસ્ક્યુ કામગીરીનું સફળ મૂલ્યાંકન કરવામાં આવ્યું. "ઓપરેશન શિલ્ડ" ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ એવી યોજના છે, જે હવાઈ હુમલાઓ, ડ્રોન હુમલાઓ અને આંતરિક સુરક્ષા માટેની ગંભીર પરિસ્થિતિઓમાં તંત્રોની તૈયારી, પ્રતિસાદ ક્ષમતા અને સંકલન વધારવાનો હેતુ ધરાવે છે. આ અભ્યાસ ખાસ કરીને સરહદી રાજ્યો અને મહત્વના ઇન્સ્ટોલેશન ધરાવતાં વિસ્તારોમાં યોજાય છે. ગુજરાત સહિત પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં આવા મૉક ડ્રિલના માધ્યમથી લોકલ તંત્રને પ્રેક્ટિકલ તાલીમ અને રિઅલટાઇમ કોઓર્ડિનેશનનો અનુભવ મળે છે. મૌકે હાજર રહેલા વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યુ કે આવા અભ્યાસો નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તાત્કાલિક નિર્ણય ક્ષમતા, સંકલિત કામગીરી અને જવાબદારીભાવ વધે છે.

What's Your Reaction?






