'અધિકારીઓ મતોની ચોરી કરાવે છે':રાહુલે કહ્યું, અમારી પાસે એટમ બોમ્બ, જ્યારે ફૂટશે ત્યારે ચૂંટણીપંચ બચશે નહીં; ભલે નિવૃત્ત થઈ ગયા હશો; છોડીશું નહીં
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ છેલ્લા 9 દિવસમાં બીજી વખત ચૂંટણીપંચના અધિકારીઓને ધમકાવ્યા છે. શુક્રવારે સંસદમાંથી બહાર નીકળતી વખતે રાહુલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ચૂંટણીપંચ મતોની ચોરી કરાવી રહ્યું છે. અમારી પાસે એટમ બોમ્બ છે. જ્યારે એ ફૂટશે ત્યારે ચૂંટણીપંચ બચી શકશે નહીં. ચૂંટણીપંચમાં મતોની ચોરી કરવામાં સંડોવાયેલા લોકોને અમે છોડશું નહીં, કારણ કે તમે ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છો, જે દેશદ્રોહ છે. તમે જ્યાં પણ હોવ, ભલે તમે નિવૃત્ત થઈ જશો, અમે તમને છોડીશું નહીં. આ પહેલાં 24 જુલાઈના રોજ રાહુલે કહ્યું હતું કે "હું ચૂંટણીપંચને મેસેજ આપવા માગું છું. જો તમને લાગે છે કે તમે આનાથી બચી જશો, જો તમારા અધિકારીઓને લાગે છે કે તેઓ આનાથી બચી જશે, તો એ તમારી ભૂલ છે. અમે તમને છટકવા નહીં દઈએ." રાહુલે ચૂંટણી અધિકારીઓ પર નિશાન સાધ્યું, 2 કેસ... 1 ઓગસ્ટ 2025: રાહુલે કહ્યું- મારી પાસે ચોરીના 100% પુરાવા છે રાહુલે વધુમાં કહ્યું હતું કે હું આ વાત હળવાશથી નથી કહી રહ્યો, પરંતુ સો ટકા પુરાવા સાથે કહી રહ્યો છું. અમે એને રિલીઝ કરતાંની સાથે જ આખા દેશને ખબર પડી જશે કે ચૂંટણીપંચ ભાજપ માટે મતોની ચોરી કરવાનું કામ કરી રહ્યું છે. મધ્યપ્રદેશની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં અમને શંકા હતી, મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન અમારી શંકાઓ વધુ ઘેરી બની. 24 જુલાઈ 2025: તમને લાગે છે કે તમે બચી જશો, તો તમારી ભૂલ છે રાહુલે કહ્યું, 'ચૂંટણીપંચે કર્ણાટકની એક બેઠક પર છેતરપિંડી કરી છે. અમારી પાસે આના 100% પુરાવા છે. તે જ મતવિસ્તારમાં 50, 60 અને 65 વર્ષની વયના હજારો નવા મતદારોને યાદીમાં ઉમેરવામાં આવ્યા છે અને 18 વર્ષથી વધુ ઉંમરના મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.' કોંગ્રેસના સાંસદે કહ્યું, 'એક સીટની તપાસ કરતી વખતે અમને આ ગોટાળા મળ્યા. મને ખાતરી છે કે દરેક સીટ પર આ જ નાટક ચાલી રહ્યું છે. હું ચૂંટણીપંચને મેસેજ આપવા માગું છું. જો તમને લાગે છે કે તમે આનાથી છટકી જશો તો એ તમારી ભૂલ છે.' રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષના બિહાર વોટર વેરિફિકેશન પર પ્રહાર રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષ બિહાર વોટર વેરિફિકેશન અંગે ચૂંટણીપંચની ટીકા કરી રહ્યું છે. વિપક્ષ સંસદની અંદર અને બહાર વિરોધ કરી રહ્યો છે. આ દરમિયાન બિહારમાં ચૂંટણીપંચે આજે એટલે કે શુક્રવારે રાજકીય પક્ષોને મતદારયાદીનો નવો ડ્રાફ્ટ જારી કર્યો છે. બિહારમાં મતદારયાદી સુધારણાના પ્રથમ તબક્કાના આંકડા બિહારમાં ચૂંટણીપંચના મતદારયાદી સુધારણાના પ્રથમ તબક્કા મુજબ, કુલ મતદારોની સંખ્યા ઘટીને 7.24 કરોડ થઈ ગઈ છે, જ્યારે અગાઉ આ આંકડો 7.89 કરોડ હતો, એટલે કે લગભગ 65 લાખ મતદારોનાં નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે. નામો કાઢી નાખવા પાછળનું કારણ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવેલાં નામોમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓ હવે આ દુનિયામાં નથી. આ ઉપરાંત જેઓ કાયમી રીતે બીજી જગ્યાએ સ્થળાંતર થયા છે અથવા જેમનાં નામ બેવાર નોંધાયેલાં છે. માહિતી અનુસાર, 22 લાખ મતદારો મૃત્યુ પામ્યા છે, 36 લાખ મતદારો અન્ય જગ્યાએ સ્થળાંતર થયા હોવાનું જાણવા મળ્યું છે અને 7 લાખ લોકો નવી જગ્યાએ કાયમી રહેવાસી બન્યા છે. આ ખાસ ઝુંબેશ 24 જૂન 2025થી શરૂ થઈ હતી SIR 24 જૂન 2025ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. એનો મુખ્ય ઉદ્દેશ ખોટા, ડુપ્લિકેટ અને ટ્રાન્સફર થયેલા મતદારોને યાદીમાંથી દૂર કરવાનો અને નવા પાત્ર મતદારો ઉમેરવાનો હતો. આ કાર્ય હેઠળ 7.24 કરોડ મતદારો પાસેથી ફોર્મ લેવામાં આવ્યાં હતાં. પ્રથમ તબક્કો 25 જુલાઈ 2025 સુધીમાં પૂર્ણ થયો હતો, જેમાં 99.8% કવરેજ થયું હતું.

What's Your Reaction?






