'પૈસા આપશો તો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળશે':મૌસમી ચેટર્જીનો ગંભીર આક્ષેપ; કિશોર કુમાર પાસેથી પણ લાંચ માંગવામાં આવી હોવાનો દીકરાનો દાવો
1 ઓગસ્ટના રોજ 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર અને રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો. શાહરૂખ અને રાની બંનેને ત્રણ દાયકાની કારકિર્દી પછી પહેલીવાર આ પુરસ્કાર મળ્યો છે. ફિલ્મોને આપવામાં આવતા પુરસ્કારોને લઈને ઇન્ડસ્ટ્રીમાં હંમેશા મતભેદ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા અનુભવી અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે, જેમને ક્યારેય રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો નથી. ત્યારે ઘણા કલાકારોએ દાવો કર્યો છે કે, તેમને પૈસાના બદલામાં આ પુરસ્કાર ઓફર કરવામાં આવ્યો હતો. બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનારી પીઢ એક્ટ્રેસ મૌસમી ચેટર્જીએ 70-80ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો આપી છે. મૌસમી બંગાળી અને હિન્દી સિનેમાનો લોકપ્રિય ચહેરો રહ્યાં છે. પોતાની કારકિર્દીમાં તેમણે 'બાલિકા બધુ', 'અનુરાગ', 'અંગૂર', 'રોટી કપડાં ઔર મકાન' જેવી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યું છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અંગે મૌસમીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમને બે વાર પૈસાના બદલામાં એવોર્ડ ઓફર કરવામાં આવ્યો હતો. વેવ્ઝ રેટ્રો સાથેની વાતચીતમાં મૌસમીએ કહ્યું હતું કે, 'મને મારી ફિલ્મ 'અનુરાગ' અને 'રોટી કપડાં ઔર મકાન' માટે ઓફર મળી હતી. મેં કહ્યું હતું કે, હું એવોર્ડ માટે પૈસા નહીં આપું.' આ જ ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે ઋષિ કપૂર વિશે પણ ખુલાસો કર્યો હતો કે, તેમણે ફિલ્મ 'બોબી' માટે પૈસા આપીને એવોર્ડ ખરીદ્યા હતા. ઋષિ કપૂરે પણ તેમના પુસ્તક 'ખુલ્લમ-ખુલ્લમ'માં પૈસાના બદલામાં એવોર્ડ વિશે ઉલ્લેખ કર્યો હતો. પુસ્તકમાં એક્ટરે લખ્યું હતું કે, 'તેમણે એક પીઆર વ્યક્તિ દ્વારા 30 હજારમાં એવોર્ડ ખરીદ્યો હતો.' જોકે, પાછળથી તેમને આ વાતનો અફસોસ થયો. સિંગર અને એક્ટર કિશોર કુમારને પણ પૈસાના બદલામાં એવોર્ડ ઓફર કરવામાં આવ્યો હતો. આ દાવો તેમના દીકરા અમિત કુમારે વિકી લાલવાણીને આપેલા ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. અમિત કુમારે જણાવ્યું હતું કે, 'કિશોર કુમાર એક સમયે 'દૂર ગગન કી છાંવ મેં' માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતવાની ખૂબ નજીક હતા. 1964માં રિલીઝ થયેલી આ ફિલ્મ કિશોર કુમારે જ લખી અને ડિરેક્ટ કરી હતી. તેમણે તેમના દીકરા એટલે કે મારી સાથે તેમાં ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી અને ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની પણ ચર્ચા થઈ હતી. પરંતુ મંત્રાલયમાં કોઈએ લાંચ માંગી હતી, જેના કારણે ફિલ્મને એવોર્ડ મળ્યો ન હતો.' અમિતે ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'તેમને દિલ્હી મંત્રાલયમાંથી કોઈનો ફોન આવ્યો. તેમણે મારા પિતાને કહ્યું, 'જો તમે કંઈક આપો છો, તો અમે તમને નોમિનેટ કરી શકીએ છીએ. મારા પિતાએ કહ્યું, તમે મારી પાછળ કેમ પડ્યા છો? મારી ફિલ્મ તો હિટ છે.'

What's Your Reaction?






