મણિરત્નમ-કમલ હાસનની 'ઠગ લાઇફ'નો ધબડકો:મસમોટું બજેટ, ભવ્ય સ્ટારકાસ્ટ પણ વાર્તા નબળી, એ.આર. રહેમાનનું સંગીત પણ બેઅસર
કમલ હાસનની ફિલ્મ 'ઠગ લાઈફ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ડિરેક્ટર મણિરત્નમ અને કમલ હાસન 36 વર્ષ પછી ફરીથી સાથે આવી રહ્યા હોવાથી દર્શકોની અપેક્ષાઓ ખૂબ જ વધી ગઈ હતી. જ્યારે 'નાયકન' જેવી આઇકૉનિક ફિલ્મ આપનારી જોડી 'ઠગ લાઇફ' લઇને આવી, ત્યારે દરેકને લાગ્યું કે આ ફિલ્મ તમિલ સિનેમામાં નવો બેન્ચમાર્ક સાબિત થશે, પણ મસમોટું બજેટ, શાનદાર સ્ટારકાસ્ટ અને એ.આર. રહેમાનનું મ્યૂઝિક હોવા છતાં ફિલ્મ એક નબળી અને મૂંઝવણભરેલી ગાથા બનીને રહી ગઈ. આ ફિલ્મ 2 કલાક લાંબી છે. દિવ્ય ભાસ્કર આ ફિલ્મને 5માંથી 1.5 સ્ટારની રેટિંગ આપી છે. ફિલ્મની વાર્તા શું છે? 'ઠગ લાઈફ'ની વાર્તા રંગારાયા શક્તિરાજુ (કમલ હાસન) નામના એક ગેંગસ્ટરની આસપાસ ફરે છે, જે પોતાના ભૂતકાળની પરછાઈઓ સાથે ઝઝૂમી રહ્યો છે. તે અમર (સિલંબરાસન TR)નો ઉછેર કરે છે, પરંતુ સમય જતાં ગેરસમજણો અને કાવતરાઓ આ બંનેના સંબંધને તોડી નાખે છે. એક સમય એવો આવે છે, જ્યારે શક્તિરાજુ માટે બધું જ ઊલટસુલટ થઈ જાય છે, અને પછી શરૂ થાય છે બદલાની વાર્તા, પરંતુ આ વાર્તા જ ફિલ્મની સૌથી નબળી કડી સાબિત થાય છે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે? કમલ હાસને પોતાના કિરદારને ગંભીરતાથી ભજવ્યો છે. તેમની સ્ક્રીન પ્રેઝન્સ હજુ પણ શાનદાર છે, પરંતુ કિરદારને જે રીતે લખવામાં આવ્યો છે, તે કમલ જેવા દિગ્ગજ અભિનેતાની ક્ષમતાઓનો સંપૂર્ણપણે ઉપયોગ કરતો નથી. અમરના કિરદારમાં સિલંબરાસન સારા લાગ્યા, પરંતુ તેમને એક પણ એવો સીન ન મળ્યો જે યાદગાર બની રહે. ત્રિશા અને ઐશ્વર્યા લક્ષ્મી જેવી પ્રતિભાશાળી અભિનેત્રીઓને ખૂબ જ મર્યાદિત અને અસરહીન ભૂમિકાઓ મળી. 'શુગર બેબી' જેવા ગીતો પણ તેમની ભૂમિકાને કોઈ નવી દિશા આપી શકતા નથી. જોજુ જ્યોર્જ અને અશોક સેલ્વન જેવા ઘણા કલાકારોને નાની-નાની ભૂમિકામાં લઈને તેમને બરબાદ કરવામાં આવ્યા છે. કોઈનો પણ પાત્ર યોગ્ય રીતે ન્યાય કરી શકતો નથી. આ ફક્ત કમલ હાસન અને સિલંબરાસનની ફિલ્મ બની રહે છે. ફિલ્મનું ડિરેક્શન અને ટેકનિકલ પાસું કેવું છે? ફિલ્મની સૌથી મોટી નબળાઈ એ છે કે, દર્શકો જે મણિરત્નમનો 'ટચ' શોધે છે, તે ક્યાંય મળતો નથી. વાર્તામાં ન તો નવીનતા છે, કે ન તો ભાવનાત્મક ઊંડાણ. શક્તિરાજુ અને અમર વચ્ચેનો સંઘર્ષ ખૂબ જ ઉપરછલ્લો લાગે છે. ટ્રેક ધીમો છે અને ભાવનાત્મક ચાર્જ ખૂટે છે. બીજી બાજુ, રવિ કે. ચંદ્રનની સિનેમેટોગ્રાફી ફિલ્મનો આત્મા છે. દરેક ફ્રેમ સુંદર છે, લોકેશન ભવ્ય છે અને વિઝ્યુઅલ ચોક્કસપણે ફિલ્મને સિનેમેટિક ગ્રેસ આપે છે પરંતુ શ્રીકર પ્રસાદનું એડિટિંગ વેરવિખેર લાગે છે. ફિલ્મની લંબાઈ કંટાળાજનક છે, ખાસ કરીને બીજા ભાગમાં જ્યાં બદલાની વાર્તા આગળ વધે છે, પરંતુ કોઈ ઇમોશનલ પંચ કે ક્લાઇમેક્સ હાઇપ નથી. ટ્રેન સ્ટેશનનો ફાઇટ સિક્વન્સ થોડો પ્રભાવ છોડી જાય છે પરંતુ તે પછીના બધા બદલાના દૃશ્યો સપાટ અને અર્થહીન લાગે છે. ફિલ્મનું સંગીત કેવું છે ? સંગીતકાર એ.આર. રહેમાનનો જાદુ ગાયબ છે. જોકે, 'અચ્છા વન્ને પૂવ્વા' ગીત થોડી રાહત આપે છે, પરંતુ બાકીના ગીતો ફિલ્મને ધીમી પાડે છે. રહેમાનનો બેકગ્રાઉન્ડ સ્કોર મોટાભાગે ગેરહાજર જેવો લાગે છે. એક ગેંગસ્ટર રિવેન્જ ડ્રામામાં સંગીતથી જે ગંભીરતા આવવી જોઈતી હતી, તે બિલકુલ જોવા મળતી નથી ફાઇનલ વર્ડિક્ટ, ફિલ્મ જોવી કે નહીં? જો તમે મણિરત્નમ કે કમલ હાસનના કટ્ટર પ્રશંસક છો, તો એક વાર ફિલ્મ જોઈ શકો છો, પરંતુ ફક્ત તેમના માટે જ. સામાન્ય દર્શકો માટે આ ફિલ્મ નિરાશાજનક સાબિત થઈ શકે છે. ફિલ્મમાં ન તો ક્લાઇમેક્સ છે, ન ભાવનાત્મક ઊંડાણ, ન યાદગાર સંવાદો અને ન જ રિવેન્જ ડ્રામાનું એ એડ્રિનાલિન (ઉત્સાહ કે રોમાંચ).

What's Your Reaction?






