'તારું નાક ખૂબ લાંબુ છે, સર્જરી કરાવ':વિદ્યા બાલન ડેબ્યૂ પહેલા બોડી શેમિંગનો શિકાર બની, 'પરિણીતા'ના પ્રોડ્યૂસર વિધુ વિનોદ ચોપડાએ ટિપ્પણી કરી હતી
પોતાના અભિનયથી દર્શકોના હૃદયમાં અલગ સ્થાન બનાવનારી વિદ્યા બાલને બોલિવૂડમાં 20 વર્ષ પૂરા કરી લીધા છે. વિદ્યાની ડેબ્યૂ ફિલ્મ 'પરિણીતા'ને તાજેતરમાં 20 વર્ષ થયા છે. જોકે, વિદ્યા માટે આ સફર સરળ નહોતી. ડેબ્યૂ પહેલા ફિલ્મના પ્રોડ્યૂસર વિધુ વિનોદ ચોપડાએ તેના નાક પર ટિપ્પણી કરી હતી. પ્રોડ્યૂસરે એક્ટ્રેસને પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું સૂચન આપ્યું હતું. વિદ્યા બાલને સરતચંદ્ર ચટોપાધ્યાયની 1914ની બંગાળી નવલિકા પરથી બનેલી હિન્દી ફિલ્મ 'પરિણીતા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મનું ડિરેક્શન દિવંગત પ્રદિપ સરકારે કર્યું હતું અને પીઢ ફિલ્મ મેકર વિધુ વિનોદ ચોપડાએ તેનું પ્રોડક્શન કર્યું હતું. વિદ્યાએ જણાવ્યું હતું કે, તે ન્યુકમર (નવોદિત) હોવા છતાં પ્રદિપ સરકારને તેની પ્રતિભા પર ભરોસો હતો. એક્ટ્રેસે તાજેતરમાં ફિલ્મફેર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'પ્રોડ્યૂસર વિધુ વિનોદ ચોપડાએ એક દિવસ મને કહ્યું કે, તારું નાક ખૂબ લાંબુ છે, સર્જરી કરાવવી પડશે. હું ડરી ગઈ. મને થયું કે હું આ નથી કરવાની કારણ કે, એ દિવસ સુધીમાં મેં મારા ચહેરા પર ક્યારેય કંઈ કરાવ્યું ન હતું. હું જવલ્લે ફેશિયલ કરાવતી હતી. હું એક વાતે સ્પષ્ટ હતી કે, જેવું છે તેવું છે, ભગવાને આપ્યું છે, ખૂબ સારું જ આપ્યું છે.' આ ઉપરાંત એક્ટ્રેસે તેના બોલિવૂડ ડેબ્યૂ પહેલા ભોગવેલી મુશ્કેલી અંગે પણ ખૂલીને વાત કરી હતી. જ્યારે તે મલયાલમ ફિલ્મમાં કામ કરી રહી હતી, ત્યારે ફિલ્મ મેકરે તેને તેની સરનેમ બદલી નાખવા કહ્યું હતું. એક્ટ્રેસે કહ્યું, 'જ્યારે હું મલયાલમ ફિલ્મ કરી રહી હતી, ત્યારે તેમણે મને કહ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં મંજુ વોરિયર, સંયુક્તા વર્મા છે, જેઓ તેમની સરનેમ તરીકે તેમના કમ્યુનિટી નામનો ઉપયોગ કરે છે. જેથી તારે પણ વિદ્યા બાલનની જગ્યાએ વિદ્યા ઐયર નામ રાખવું જોઈએ. મેં મારું નામ બદલ્યું પણ હું સતત રડતી હતી. ત્યારે મારા માતા-પિતાએ કહ્યું, તું હંમેશા વિદ્યા બાલન જ રહીશ. જોકે, ડિરેક્ટર અને પ્રોડ્યૂસરે દરેકને કહ્યું કે, તું ઐયર છે, તો વાંધો નહીં. અને પછી, તે ફિલ્મ બની જ નહીં. ત્યારથી મને ખાતરી થઈ ગઈ કે, જો કોઈ કામ કરવામાં હું કમ્ફર્ટેબલ નથી, તો તે ચોક્કસપણે નહીં થાય. જેથી જ્યારે મને વિધુ વિનોદ ચોપડાએ મને કહ્યું, ત્યારે હું ડરી ગઈ અને મેં દાદા (પ્રદિપ સરકાર) સાથે વાત કરી. મેં તેમને કહ્યું કે, દાદા, તમે સંભાળી લો...અને તેમણે કહ્યું, ના ના, વાંધો નહીં, હું સંભાળી લઇશ.' વિદ્યાના નાકને લઈને થયેલા દબાણ છતાં એક્ટ્રેસે વિધુ વિનોદ ચોપડાના પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાનો અનુભવ જણાવતા તેને 'સુરક્ષિત વાતાવરણ' ગણાવ્યું. વિદ્યાએ કહ્યું, 'મેં મારી પહેલી ત્રણ ફિલ્મો વિનોદ ચોપડા ફિલ્મ સાથે કરી, જેથી તે મારી માતૃસંસ્થા છે. હું ખૂબ સુરક્ષિત વાતાવરણમાંથી આવી, ખૂબ જ શિસ્તબદ્ધ અને ખૂબ જ પ્રોફેશનલ. બધી જ તૈયારીઓ પહેલાથી થઈ જતી, જેથી સેટ પર કોઈના સમયનો વ્યય ન થાય. આ બધી બાબતો, જે હું શરૂઆતમાં શીખી તેણે મારા સાઉથ ઇન્ડિયન ડિસિપ્લિનમાં વધારો કર્યો.' વિદ્યા બાલનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લે તે બ્લોકબસ્ટર હોરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'માં જોવા મળી હતી. જેમાં કાર્તિક આર્યન, માધુરી દિક્ષિત અને તૃપ્તિ ડિમરી મહત્વની ભૂમિકામાં હતાં.

What's Your Reaction?






