મંદિરા તુલસીના જીવનમાં ફરી ઉથલપાથલ મચાવશે?:'ક્યોંકિ સાસ ભી'માં મંદિરા બેદીની વાપસીની શક્યતા; પતિના મોત બાદ બાળકોના ઉછેરમાં એક્ટ્રેસ વ્યસ્ત
એક્તા કપૂર તેની સૌથી લોકપ્રિય ટીવી સિરિયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' સાથે પરત ફરી છે. 17 વર્ષ બાદ સ્મૃતિ ઇરાનીએ પણ તેમાં વાપસી કરી છે. ત્યારે સ્મૃતિ બાદ હવે શોમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકેલી એક્ટ્રેસ મંદિરા બેદી પણ કમબેક કરી શકે છે. લોકો સિરિયલની નવી સિઝન જોઈને દર્શકો પણ ભાવૂક થઈ ગયા છે. આ સિરિયલથી મોટાભાગના કલાકારોએ વાપસી કરી છે. સિરિયલના ત્રીજા એપિસોડ બાદથી નેટિઝન્સ (ઇન્ટરનેટનો ઉપયોગ કરતા સિટિઝન માટે ઉપયોગમાં લેવાતો શબ્દ)માં મંદિરા બેદીના કમબેકની ચર્ચાઓ ચાલી રહી છે. નેવુંના દાયકામાં દુરદર્શનની સિરિયલ 'શાંતિ'થી ઘરે ઘરે ઓળખ મેળવનારી મંદિરા 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'ના નવા સિઝનમાં પણ જોવા મળી શકે છે. મંદિરાએ પહેલી સિરિયલમાં ડૉ. મંદિરા કપાડિયાનું પાત્ર ભજવ્યું હતું, જે તુલસીના પતિ મિહિર વિરાણીને અત્યંત પ્રેમ કરતી હતી. ત્યારે ફરી સિરિયલમાં મંદિરાને જોવા માટે ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, મંદિરા કે સિરિયલના મેકર્સે હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટી કરી નથી. મંદિરા બેદીએ 1994માં આવેલી 'શાંતિ' સિરિયલથી ટેલિવિઝનમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તે 'ઘર જમાઈ', 'સીઆઈડી', 'જસ્સી જૈસી કોઈ નહીં' અને 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' જેવી સિરિયલોમાં જોવા મળી હતી. ઉપરાંત તેણે 1995માં સુપરહિટ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. મંદિરા છેલ્લે 2005માં 'સીઆઈડીઃ સ્પેશિયલ બ્યૂરો'માં એક્ટર તરીકે નજર આવી હતી. બાદમાં તે 'ખતરોં કે ખિલાડી઼ 2'માં સ્પર્ધક બની હતી, તેમજ 'ઇન્ડિયન આઈડલ જુનિયર'માં હોસ્ટ તરીકે નજર આવી હતી. ટીવી સિરિયલમાંથી ગાયબ થઈ ગયેલી મંદિરાએ OTTમાં પોતાનો દબદબો બનાવ્યો છે. તે 2023માં ભોપાલ ગેસ દુર્ઘટના પર બનેલી વેબ સિરીઝ 'ધ રેલવે મેન'માં જોવા મળી હતી, જેમાં આર. માધવન અને કે કે મેનન મુખ્ય ભૂમિકામાં હતા. ઉપરાંત તે 'સિક્સ', 'કુબુલ હૈ 2.0' અને 'સ્મોક' જેવા વેબ શોમાં પણ જોવા મળી છે. નોંધનીય છે કે, 2021માં મંદિરાના પતિ રાજ કૌશલનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થતાં તે હાલમાં તેના બંને બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે. મૌની રોય અને પુલકિત સમ્રાટ પણ કમબેક કરશે? 'ફિલ્મીબીટ' (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)ના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'માં મંદિરા ઉપરાંત મૌની રોય અને પુલકિત સમ્રાટ પણ શોમાં જોવા મળશે. આ બંનેએ સિરિયલમાં કૃષ્ણા તુલસી અને લક્ષ્યની ભૂમિકા ભજવી હતી. જોકે, રીબૂટ વર્ઝનમાં બંનેના રોલ ખૂબ નાના હોવાની શક્યતા છે.

What's Your Reaction?






