બમ બમ ભોલેના નાદ સાથે શિવાલયો ગુંજ્યા:શ્રાવણના બીજા સોમવારે શિવાલયમાં દર્શન માટે ભીડ ઉમટી પડી, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટે લાઈનો લાગી
દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે, ત્યારે વડોદરા શહેર-જિલ્લામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. બમ બમ ભોલેના નાદથી શિવાલયોથી ગુંજી ઉઠ્યા હતા. વડોદરા શહેરમાં આવેલ મોટનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, ઋણ મુક્તેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ વ્યાસેશ્વર મહાદેવ, અને વડોદરા જિલ્લાના કુબેર ભંડારી સહિત નાના-મોટા શિવાલયોમાં સવારથી ભક્તોએ દર્શન માટે લાઈનો લગાવી હતી. શહેરના શિવ મંદિરોમાં ભગવાન શિવજી ઉપર અભિષેક કરવા માટે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. શિવાલયોમાં ભક્તો ભગવાન ભોળાનાથના પૂજન-અભિષેક-દર્શન માટે વહેલી જ સવારથી ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. શ્રાવણ મહિના દરમિયાન સોમવારનો દિવસ ભગવાન શંકરની ઉપાસના માટે અનન્ય માહાત્મ્ય ધરાવતો હોય છે. ત્યારે શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલા શ્રી કાશી વિશ્વનાથ મંદિર અને મંદિરની બહાર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ઓમ નમ: શિવાય’ના મંત્રોચ્ચાર સાથે દૂધ-જળનો અભિષેક કર્યો વડોદરા જિલ્લામાં આવેલાં શિવાલયોમાં વહેલી સવારથી જ શિવજીના પૂજન-અર્ચન-અભિષેક અને દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શિવભક્તોએ શિવલિંગ પર ‘ઓમ નમ: શિવાય’ના મંત્રોચ્ચાર સાથે દૂધ-જળનો અભિષેક કરીને તેમજ બીલીપત્ર અને ફૂલ ચડાવી શિવજીની આરાધના કરી હતી. શિવાલયોમાં આજે યોજાયેલા રુદ્રાભિષેક, લઘુરુદ્ર સહિતનાં અનુષ્ઠાનોમાં ભક્તોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. શિવજીનાં ભક્તિગીતોથી શિવાલયમાં ભક્તિનો માહોલ આજે વહેલી સવારથી મોડીરાત સુધી શ્રદ્ધાળુઓની સતત આવન-જાવન દરમિયાન લાઉડ સ્પીકરમાંથી વાગતા શિવ મહિમ્ન: સ્તોત્ર, શિવ બાવની, શિવ પંચાક્ષર સ્તોત્ર સહિત શિવજીનાં ભક્તિગીતોથી શિવાલયમાં ભક્તિનો માહોલ સર્જાયો છે. આગામી પ્રથમ શ્રાવણ માસના સોમવારે વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે. 'ભગવાન શિવના દર્શન કરવાથી ખૂબ મનની શાંતિ મળે છે' શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુ અનિલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજે હું કાશી વિશ્વનાથ મહાદેવના પૌરાણિક મંદિર શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા આવ્યો છું અને શ્રાવણ માસનો બીજો સોમવાર છે. અહીં આવીને ભગવાન શિવના દર્શન કરવાથી ખૂબ મનની શાંતિ મળે છે. તો ભગવાન શિવને સત્યમ શિવમ સુંદરમ પણ કહે છે, તો ભગવાન શિવ માટે ખૂબ જ પ્રાર્થના કરું છું કે અહીં જે વડોદરાવાસીઓ દર્શન કરવા આવે છે એમની મનની આશા પૂરી કરે અને મારી પણ આશાઓ જે મનની જે છે એ ભગવાન ભોળાનાથ પુરા કરે એવા સંકલ્પની સાથે હું અહીં દર્શન કરવા માટે આવ્યો છું અને ભગવાન ભોળાનાથ બધાના પાપો દૂર કરી અને મોક્ષ તરફ લઈ જનાર છે અને કલ્યાણકારી ભગવાન શિવ બધાનું કલ્યાણ કરે એવી મેં પ્રાર્થના કરું છું.

What's Your Reaction?






