શ્રાવણ માસના બીજા સોમવારે ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘસારો:સાડા પાંચ હજાર વર્ષ પુરાણું પાંડવકાલીન મંદિર, શિખર વગરનું ગુજરાતનું એકમાત્ર શિવાલય
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે નિલકા નદીના કાંઠે આવેલું ભીમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોથી ધમધમી ઉઠ્યું. આ મંદિર સાડા પાંચ હજાર વર્ષ પુરાણું અને રાજ્યનું એકમાત્ર શિખર વગરનું મંદિર છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા હતા. ભક્તોએ મહાદેવની પૂજા, અર્ચના, અભિષેક અને મહા આરતીના દર્શન કર્યા. સમગ્ર મંદિર પરિસર હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ મંદિર પાંડવકાલીન સમયનું છે. કહેવાય છે કે પાંડવોના વનવાસ દરમિયાન અર્જુને શિવની પૂજા કર્યા પછી જ ભોજન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જંગલમાં શિવ મંદિર ન મળતાં ભૂખ્યા ભીમે વરખડીના વૃક્ષ નીચે શિવ આકારનો પથ્થર મૂકી પુષ્પો ચડાવ્યા હતા. અર્જુને નિલકા નદીથી પાણી લાવી પૂજા કરી અને ભોજન કર્યું. ભોજન બાદ જ્યારે ભીમે કહ્યું કે તે માત્ર પથ્થર હતો અને તેના પર ગદા મારી, ત્યારે શિવ પ્રગટ થયા અને દૂધનો અભિષેક થયો. ત્યારથી આ સ્થળ ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. આજે પણ તે વરખડીનું વૃક્ષ લીલુંછમ છે. નિલકા નદીના કિનારે આવેલા આ સિદ્ધપીઠ ખાતે બારે માસ અન્નક્ષેત્ર ચાલુ રહે છે. મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન સાતમ-આઠમ, પૂનમ અને ભાદરવી અમાસના દિવસે આનંદમેળો યોજાય છે. દૂર-દૂરથી આવતા ભક્તો મહાદેવના દર્શન કરી પ્રસાદ લઈ પાવન થાય છે.

What's Your Reaction?






