નખત્રાણા પાસે એસઓજીની કાર્યવાહી:નાની ખોંભડી ગામ પાસેથી 10 કિલો ગાંજા સાથે આરોપી ઝડપાયો
નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામના ગેટ પાસેથી એસઓજી પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે એક આરોપીને 10.115 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. આ માદક પદાર્થની કિંમત રૂ.1,01,150 આંકવામાં આવી છે. નાર્કોટિક્સની બદી નાબૂદ કરવા એસઓજીના પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.ગઢવીએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને સૂચના આપી હતી. એસઓજી સ્ટાફના અધિકારીઓ નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એએસઆઈ માણેકભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે જરૂરી કાર્યવાહી કરી. તેમણે નાની ખોંભડી ગામના ગેટ પાસે રોડ પર આરોપીના કબજાની રિક્ષામાંથી માદક પદાર્થ ગાંજો જપ્ત કર્યો. પકડાયેલા આરોપીની ઓળખ સુલેમાન લખુભાઈ માલાણી (મિયાણા) તરીકે થઈ છે. તે 42 વર્ષનો છે અને સુરેન્દ્રનગર, ટાવર પાછળ, શેરી નં.2, મિયાણાવાડા ખાતે રહે છે. પોલીસે આરોપી પાસેથી 10.150 કિલોગ્રામ ગાંજો અને રૂ.1 લાખની કિંમતની રિક્ષા જપ્ત કરી છે. આરોપી વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

What's Your Reaction?






