દાહોદમાં વિદ્યાર્થીઓનો હંગામો:જેસાવાડામાં એસટી બસની અનિયમિતતા સામે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો, ડેપો મેનેજરની ખાતરી બાદ મામલો શાંત પડ્યો
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના વિદ્યાર્થીઓએ એસટી બસ સેવાની અનિયમિતતા સામે રોષે ભરાઈને દાહોદ બસ સ્ટેશન બહાર ચક્કાજામ કર્યો હતો. આદિવાસી બહુલ્ય વિસ્તારમાં ગ્રામ્ય વિદ્યાર્થીઓને શાળા-કોલેજ માટે દાહોદ આવવું પડે છે, પરંતુ એસટી બસોની અપૂરતી સુવિધાને કારણે તેમને ખાનગી વાહનોનો ખર્ચાળ આશરો લેવો પડે છે. જેસાવાડામાં બસ ગામ સુધી ન આવતાં વિદ્યાર્થીઓએ દોઢથી બે કિલોમીટર ચાલવું પડે છે, જેના કારણે શાળાએ મોડું થાય છે અથવા બસ છૂટી જાય છે. વિદ્યાર્થીઓએ દાહોદ એસટી ડેપો મેનેજરને અનેકવાર રજૂઆત કરી, પરંતુ સમસ્યાનું સમાધાન ન થતાં આજે તેઓએ બસની સામે ઊભા રહીને વિરોધ પ્રદર્શન કર્યું, જેનાથી અફરાતફરી સર્જાઈ. આસિસ્ટન્ટ ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટ એસ.બી. સંગાડાએ વિદ્યાર્થીઓને સમજાવીને આવતીકાલથી નિયમિત બસ સેવા શરૂ કરવાની ખાતરી આપી, જે બાદ ચક્કાજામ હટાવાયો. વિદ્યાર્થી અંકિત માવીએ જણાવ્યું, “જેસાવાડાથી દાહોદની બસ બંધ કરાઈ છે, જેનાથી અમારે ચાલીને બસ પકડવી પડે છે. આનાથી અભ્યાસ પર અસર થાય છે.” એકતાબેન ભાભોરે ઉમેર્યું, “અમે દોઢ મહિનાથી રજૂઆત કરીએ છીએ, પરંતુ કોઈ જવાબ નથી મળતો. રિક્ષામાં આવવું ખર્ચાળ છે.” એસ.બી. સંગાડાએ જણાવ્યું, “જેસાવાડામાં રસ્તાના દબાણ અને ટ્રાફિક જામને કારણે બસ જઈ શકતી નથી. વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવા જરૂરી આયોજન કરીશું.” વિદ્યાર્થીઓએ લેખિત ખાતરીની માગણી કરી છે, અને બસ સેવા નહીં શરૂ થાય તો ફરી આંદોલનની ચીમકી આપી છે. અન્ય એક વિદ્યાર્થી એકતાબેન ભાભોરે જણાવ્યું, “અમે દોઢ મહિનાથી એસટી બસ શરૂ કરવા માટે રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી જેસાવાડાથી દાહોદની બસ શરૂ થઈ નથી. અમારે રિક્ષામાં ખર્ચો કરીને દાહોદ આવવું પડે છે. ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબ મળતો નથી. આવી પરિસ્થિતિમાં અમે કેવી રીતે અભ્યાસ કરીએ? અમારી માગણી છે કે જેસાવાડાથી દાહોદની બસ સેવા તાત્કાલિક શરૂ કરવામાં આવે.” આ મામલે આસિસ્ટન્ટ ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટ એસ.બી. સંગાડાએ જણાવ્યું હતું કે, “જેસાવાડા ગામમાં વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા રસ્તા પર દબાણ કરવામાં આવે છે, જેના કારણે રસ્તો સાંકડો થઈ જાય છે અને બસ ગામમાં પ્રવેશી શકે તેવી પરિસ્થિતિ નથી. આ ઉપરાંત, ગામમાં સતત ટ્રાફિક જામની સમસ્યા રહે છે, જેના કારણે બસ અડધો કલાકથી એક કલાક સુધી અટવાઈ જાય છે. આથી જેસાવાડામાં બસ જતી નથી. જોકે, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમને સમજાવવામાં આવ્યા છે અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. અમે એવું આયોજન કરીશું કે વિદ્યાર્થીઓને સમયસર બસ મળી રહે અને તેમને કોઈ તકલીફ ન પડે.” વિદ્યાર્થીઓએ નિયમિત બસ સેવા શરૂ કરવા માટે લેખિતમાં ખાતરી આપવાની માગણી કરી છે. આ ઘટના બાદ એસટી વિભાગે આવતીકાલથી નિયમિત બસ સેવા શરૂ કરવાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો આ માગણી પૂરી નહીં થાય તો તેઓ ફરીથી આંદોલન કરશે. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ સેવાની અપૂરતી સુવિધાઓના મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવ્યો છે.

What's Your Reaction?






