વૃક્ષારોપણનાં નામે દબાણ, હોબાળો થતાં પોલીસ દોડી:શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીએ પંચવટી પાર્કમાં પ્રવેશવાના રસ્તે પરમિશન વિના બ્લોક કાઢ્યા, બંને બાજુ 5-5 ફૂટમાં વૃક્ષો રોપી દીધા
રાજકોટનાં પોષ વિસ્તાર ગણાતા અમીન માર્ગ નજીક શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીનાં રહેવાસી દ્વારા વૃક્ષારોપણનાં નામે ગેરકાયદેસર દબાણ કરાયાના આક્ષેપ સાથે પંચવટી પાર્ક સોસાયટીના રહીશો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. પંચવટી પાર્ક સોસાયટી અંદર પ્રવેશવાના રસ્તે બ્લોક કાઢીને શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીના રહીશો દ્વારા બંને બાજુ 5-5 ફૂટમાં વૃક્ષો રોપી દેવાયા છે. આ ઘટનાને પગલે 4 ઓગસ્ટની મોડીરાત્રે બંને પક્ષના ટોળા એકઠા થતા જ પોલીસ દોડી આવી હતી. કોર્પોરેશનની કોઈપણ જાતની પરવાનગી લીધા વગર જ આ વૃક્ષારોપણ દબાણનાં બહાને કરવામાં આવ્યું છે, જેથી પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા લોકોની મુશ્કેલીઓ વધી છે. સોસાયટીમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા પર બ્લોક ઉખેડીને રસ્તાની બંને બાજુએ 5-5 ફૂટની જગ્યા દબાવી દેવામાં આવી છે. આ ગેરકાયદેસર દબાણથી વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મોડીરાતે હોબાળો થતાં સ્થાનિક કોર્પોરેટર અશ્વિન પાંભરે દોડી આવી બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. 5-5 ફૂટની ફૂટપાથ બનાવશે તો રસ્તો માત્ર 10 ફૂટનો જ રહેશેઃ નરેશ પારેખ આ મામલે પંચવટી પાર્ક સોસાયટીની રહીશ નરેશ પારેખએ જણાવ્યું હતું કે, આ રસ્તા ઉપર ફૂટપાથ બનાવવાની કોઈ જરૂર નથી, કારણ કે તેનાથી વાહનોની અવરજવર અટકી જશે. આ 20 ફૂટની શેરીમાં જો બંને બાજુ 5-5 ફૂટની ફૂટપાથ બનાવવામાં આવે તો રસ્તો માત્ર 10 ફૂટનો જ રહેશે, જેના કારણે વાહનો પસાર થઈ શકશે નહીં. આ કામગીરી માટે કોર્પોરેશનની મંજૂરી જરૂરી છે. છતાં આવી કોઈપણ મંજૂરી વિના જાહેર રસ્તા પરના બ્લોક ઉખેડી વૃક્ષો રોપી દેવામાં આવ્યા છે. ‘જાહેર મિલકતને નુકસાન પહોંચાડીને બ્લોક કાઢ્યા’ વધુમાં નરેશભાઈ જણાવ્યું કે, જ્યારે તેઓ આ અંગે રજૂઆત કરવા ગયા, ત્યારે સામેવાળા પક્ષ દ્વારા એવું કહેવામાં આવ્યું કે થાય એ કરી લો, અમારે ફૂટપાથ બનાવવી છે અને તે બનશે. આ ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યો કે જાહેર મિલકતને નુકસાન પહોંચાડીને બ્લોક કાઢી નાખવામાં આવ્યા છે અને હવે ત્યાં ઝાડવા વાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પંચવટી પાર્કમાં રહેતા લોકોને ધમકીઓ આપીને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીનાં લોકો દ્વારા આ દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાવી તાત્કાલિક હટાવવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. કોર્પોરેશનની મંજૂરી પણ એમણે લીધી નથીઃ જયેન્દ્રભાઈ પંચવટી પાર્ક સોસાયટીના અન્ય એક રહીશ જયેન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકામાં હું પહેલા આરોગ્ય અધિકારી હતો. આ સોસાયટીના માળખાની રચનામાં મારો પણ ફાળો છે. આ શ્રીનાથજી સોસાયટીવાળાનો જે રસ્તો હાલવાનો હતો અને જે શેરીમાંથી અમે જઈ શકીએ, એ રસ્તા ઉપર જ તેમણે ઝાડવા વાવ્યા છે. સ્તામાં એમણે ઝાડવા વાવી દીધા અને પાછા કહે કે, અમારે ફૂટપાથ કરવાની છે. નિયમ અનુસાર, ફૂટપાથ બનાવવી હોય તો કોર્પોરેશનની મંજૂરી લેવી જોઈએ, જે એમણે લીધી નથી. જાહેર રસ્તા ઉપર કોર્પોરેશને બનાવેલી જગ્યા ઉપર લાદી નાખી છે અને એ લાદી તોડીને આવી રીતે આખી બેય બાજુ ફૂટપાથ કરી નાખી છે, એટલે કોઈ ગાડી અંદર જઈ શકે તેમ નથી. ‘સમજાવવા ગયા તો કહ્યું, તમારાથી થાય એ કરી લો’ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે તેમને સમજાવટ કરવા માટે ગયા હતા, પરંતુ તેઓ ખોટી રીતે દાદાગીરી કરે છે. અમે સમજાવવા ગયા ત્યારે કહ્યું કે, તમારે થાય એ કરી લો, આ બરાબર છે? અમે બહુ પહોંચતા માણસ છીએ, અમારી કરોડોની ગાડી હોય છે અને તમારી રૂ.10 લાખ વાળી ગાડી છે. આવી ભાષા વાપરે છે અને બેફામ બોલે છે. ત્યારે જાહેર રસ્તા પર થયેલું આ ગેરકાયદેસર દબાણ તાત્કાલિક હટાવી લેવામાં આવે અને દબાણ કર્તાઓ સામે પગલાં લેવામાં આવે તેવી અમારી માગ છે. પોલીસે સ્થળે જઈ મામલો થાળે પાડ્યો ઉલ્લેખનીય છે કે, પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા મનપાનાં કર્મચારીઓ તેમના વાહન પાર્ક ન કરી શકે તે માટે શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીનાં રહેવાસી દ્વારા વૃક્ષારોપણનાં નામે જાહેર રસ્તા પર દબાણ કરવાનું શરૂ કરાયું હતું. જેને લઈને પંચવટી પાર્કના રહેવાસીઓ દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવતા બંને પક્ષે બોલાચાલીનાં દ્રશ્યો સર્જાયા હતા. જોકે આ અંગે જાણ થતાં માલાવીયાનગર પોલીસ દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો. બાદમાં સ્થાનિક કોર્પોરેટર અશ્વિન પાંભરે દોડી આવી બંને પક્ષે સમાધાન કરાવ્યું છે. ત્યારે આ મામલે મહાનગરપાલિકા તંત્ર દ્વારા ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

What's Your Reaction?






