કન્નડ એક્ટર બલરાજ સંતોષનું 34 વર્ષે અવસાન:'ગણપા' ફેમ એક્ટર કમળાની ગંભીર અસરના કારણે કોમામાં સરી પડ્યો હતો
'ગણપા' ફેમ કન્નડ એક્ટર સંતોષ બલરાજનું 34 વર્ષની વયે અવસાન થયું છે. કિડની અને લિવર સંબંધિત સમસ્યાઓથી પીડાતા એક્ટરને કમળાની ગંભીર અસર થતાં મોત નિપજ્યું હતું. તે દિવંગત પ્રોડ્યૂસર અનેકલ બલરાજનો દીકરો હતો. સેન્ડલવૂડ (કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી) એક્ટર સંતોષ બલરાજનું બેંગલુરુના કુમારસ્વામી લેઆઉટમાં આવેલી એપોલો હૉસ્પિટલમાં અવસાન થયું હતું. 34 વર્ષીય એક્ટરે મંગળવારે સવારે સાડાનવ વાગ્યે પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા. 'ધ વીક' (મેગેઝિન)ના અહેવાલ મુજબ, એક્ટરને લિવર અને કિડની સંબંધિત સમસ્યાના કારણે કમળાની ગંભીર અસર થઈ હતી. તેને ગયા મહિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની તબીયત વધુ ખરાબ છતાં તેને સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. પહેલા સંતોષને કમળા માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેના સ્વાસ્થ્યમાં સુધારો દેખાયો હતો, પરંતુ બાદમાં તેની તબીયત લથડતા ફરી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં અહેવાલોએ પુષ્ટિ આપી હતી કે, તેની તબિયત ગંભીર બની ગઈ છે અને તે કોમામાં સરી પડ્યો છે. ICUમાં સારવાર આપવા છતાં, તેના અંગો સ્વસ્થ થઈ રહ્યા નહોતા. પ્રોડ્યૂસર અનેકલ બલરાજે 2009માં દીકરા સંતોષને ફિલ્મ 'કેમ્પા'થી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો. આ ફિલ્મમાં ગ્રામીણ સંઘર્ષ અને ઇમોશનલ ઇન્ટેન્સિટી દર્શાવવામાં આવી હતી. ડેબ્યૂ ફિલ્મથી સંતોષ દર્શકોની પ્રસંશા મેળવવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ સંતોષે 'કારિયા 2', 'ગણપા', બર્કલે' અને 'સત્યા' જેવી ફિલ્મોમાં ઇન્ટેન્સ ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને તેણે 'ગણપા' ફિલ્મમાં ભજવેલા કઠોર અને વાસ્તવિક પાત્રના લીધે ખાસ ઓળખ મળી હતી. મે 2022માં સંતોષના પિતા અનેકલ બલરાજ રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવેલી બાઇકે તેમને અડફેટે લેતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં તેમનું મોત નિપજ્યું હતું. હવે સંતોષનું મોત નિપજતા તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

What's Your Reaction?






