ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનન ઝડપાયું:શિહોર, નેસડા અને વરતેજમાંથી 5 વાહનો સાથે 1.35 કરોડનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સામે ભૂસ્તરશાસ્ત્રી કચેરીએ મોટી કાર્યવાહી કરી છે. શિહોર તાલુકાના ઘાંઘળી ગામમાં ગેરકાયદે સાદીમાટી ખનનની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘાંઘળી વિસ્તારમાંથી એક JCB મશીન અને એક ડમ્પર મળી આવ્યા હતા. JCBના ડ્રાઈવર ઝાકિર ખાન જુમાભાઈને ગેરકાયદે ખનન કરતા પકડી પાડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાંથી કુલ 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શિહોર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યો છે. નેસડા ગામમાંથી સાદીમાટી અને મોરમના ગેરકાયદે વહન માટે બે ડમ્પર પકડવામાં આવ્યા હતા. આ વાહનો સાથે 65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વરતેજ પોલીસ સ્ટેશન સામેથી બ્લેકટ્રેપ ખનિજના ગેરકાયદે વહન માટે એક ડમ્પર પકડાયું હતું. આ વાહન સાથે 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભૂસ્તરશાસ્ત્રી બી.એમ. જાળોંધરાના નેતૃત્વમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ પાંચ વાહનો સાથે 1.35 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ વાહનોને સંબંધિત પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યા છે.

What's Your Reaction?






