RMCની એડવાન્સ વેરા વળતરની નવી સ્કીમ:30 જૂન સુધી મહિલાઓને 10% અને પુરુષોને 5% ડિસ્કાઉન્ટ અપાશે, વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ યોજના 30 જુલાઈ સુધી લંબાવાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરો ભરનાર કરદાતાઓને પ્રોત્સાહન આપવા એપ્રિલથી લઈને જૂન સુધી વળતર યોજના અમલમાં મુકવામાં આવે છે. 31 મે સુધી મહિલાઓને 15% અને પુરુષોને 10% ડિસ્કાઉન્ટ સ્કીમ અમલમાં હતી, જેમાં 3.15 લાખ કરદાતાઓએ રૂ. 216 કરોડથી વધુ રકમ ભરપાઈ કરી મનપાની તિજોરી છલકાવી દીધી છે. જોકે હવે આજથી 30 જૂન સુધી નવી સ્કીમ અમલમાં મુકવામાં આવી છે. આ સ્કીમમાં મહિલાઓને 10% અને પુરુષોને 5% ડિસ્કાઉન્ટ તારીખ 30 જૂન સુધી આપવામાં આવશે. તો લાંબા સમયથી વેરો ભરવાનો બાકી હોય તેવા કરદાતાઓ માટે ચાલતી વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ યોજનાની મુદ્દત 30 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. પહેલી વેરા વળતર યોજના હેઠળ 216.32 કરોડની આવક રાજકોટ મનપાનાં વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના બજેટરી પ્રોવિઝન મુજબ મહિલા કરદાતા માટે 15% તથા અન્ય સામાન્ય કરદાતા માટે 10% વળતર યોજના આજે પૂર્ણ થઈ છે. જેમાં 3,15,83,000 કરદાતા દ્વારા કુલ 216.32 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે. આ ચુકવણામાં 2,35,198 કરદાતા દ્વારા 147.23 કરોડની માતબર રકમ ઓનલાઇન એટલે કે, ડિજિટલ માધ્યમ જેવા કે ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ કે નેટ બેન્કિંગના માધ્યમથી કે UPIનાં માધ્યમથી ભરપાઈ કરાઈ છે. તો 79,885 કરદાતા દ્વારા 69.9 લાખની રકમ કેશ તથા ચેક દ્વારા સિવિક સેન્ટર તથા ઝોન ઓફિસમાં ભરપાઈ કરવામાં આવી છે. 23.75 કરોડનું વળતર લોકોને આપવામાં આવ્યું રાજકોટ મહાનગરપાલિકાની જો ડિસ્કાઉન્ટની વાત કરીએ તો કુલ જે 216.32 કરોડની જે રકમ ભરપાઈ કરવામાં આવેલી છે. તેમાં જે કુલ વેરો ભરપાઈ કરવામાં આવેલો છે, એમાં રૂ. 22.27 કરોડનું માતબર ડિસ્કાઉન્ટ તથા પાણીવેરામાં રૂ. 1.48 કરોડનું ડિસ્કાઉન્ટ એટલે કુલ રૂ. 23.75 કરોડનું જે છે એ વળતર રાજકોટના લોકોને આપવામાં આવ્યું છે. આજથી મનપા દ્વારા નવી સ્કીમ અમલમાં મુકવામાં આવી છે. જેમાં 1 જૂનથી 30 જૂન વચ્ચે મહિલા કરદાતાઓને 10% વળતર તથા સામાન્ય પુરુષ કરદાતાઓ અથવા અન્ય કરદાતાઓ માટે 5% વળતર આપવામાં આવશે. વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ યોજનાની તારીખ લંબાવાઈ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ વિશે જણાવતા તેઓએ કહ્યું કે, 1 એપ્રિલ, 2025થી લઈ અને 31 મે, 2025 સુધી સ્ટેન્ડિંગ કમિટી તથા જનરલ બોર્ડ દ્વારા વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ યોજના દાખલ કરવામાં આવી હતી. જેમાં કુલ પાછલી બાકી એટલે એરિયસની રકમના કુલ 25%નાં ચાર સમાન હપ્તા તથા ચાલુ સાલનો બાકીવેરો જે-તે બાકીદારે ચૂકવવાનો હોય છે. આ યોજનાની ખાસિયત છે કે તમે આ યોજનાની અંદર એક વખત એનરોલ થઈ ગયા પછી તમને કોઈપણ પ્રકારનું નવું વ્યાજ ભરવાનું થતું નથી. તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ યોજનાની મુદ્દત પણ 30 જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે લાંબા સમયથી બાકી વેરો ભરવા માટે નાગરિકોને વધુ એક તક મળશે. ચાલુવર્ષે મિલકત વેરાનો રૂ. 450 કરોડનો ટાર્ગેટ એડવાન્સ વેરો ભરનારા નાગરિકોએ રૂ. 216 કરોડ ભરી મનપાની તિજોરી છલકાવી છે. હવે રાજકોટ મનપા દ્વારા નિયમ અનુસાર ટાર્ગેટ પણ પૂર્ણ થઈ રહે અને ટાર્ગેટથી વધારે રકમ આવક મળી શકે એના માટે થઈને પ્રથમથી જ જે કોઈ પણ રકમની એરિયર્સની રકમ પાકી હોય તેઓને બિલ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવે છે. સાથે વન ટાઈમ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનું બ્રોશર તેઓને મોકલી આપવામા આવનાર છે. જેથી કોઈપણ બાકીદારોને બિલ મળતું ન હોવાથી તેઓ વેરો ભરપાઈ કરવામાં બાકી રહી જતા હોય તો તેઓને પણ નિયમ અનુસાર જે છે આ વખતે બિલ અત્યારથી જ મોકલી દેવામાં આવશે. સરકારી મિલકતોનો 100 કરોડનો વેરો બાકી સરકારી મિલકતનાં બકીવેરા અંગે તેમણે જણાવ્યું હતું કે, હાલ સરકારી મિલકતોનો અંદાજીત રૂ. 100 કરોડનો વેરો બાકી છે. જે વસૂલવા અત્યારથી બિલની સાથે એક રિક્વેસ્ટ લેટર પણ આપણે મોકલીએ છીએ. સરકારી મિલકતો પણ મહત્તમ એડવાન્સ વેરો ભરે અને તેઓને પણ એડવાન્સ વેરા વળતરનો લાભ મળે એવો મનપા દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. જ્યારે કેટલીક સરકારી કચેરીઓમાં ફક્ત જાન્યુઆરી ફેબ્રુઆરી કે માર્ચના અંતમાં જે ગ્રાન્ટ આવતી હોય તો તેઓને પણ નિયમ અનુસાર બિલ તથા તમામ વિગતો અત્યારથી જ મળી રહે તે માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકાએ આ વર્ષની શરૂઆતમાં જ પત્ર દ્વારા તથા બિલોની વિગતો મોકલી આપી છે. ત્યારે સરકારી મિલકતનો બાકીવેરો પણ ચાલુવર્ષે વસૂલી શકાશે. 30 જુલાઈ સુધીમાં વેરાની આવક 300 કરોડને પાર થવાની શક્યતા ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ વધુમાં વધુ વેરો વસૂલી શકાય તે માટે અત્યારથી કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ જાહેર થયેલી વળતર યોજના દ્વારા મનપાનો 50% ટાર્ગેટ પૂર્ણ થયો છે. આજથી વધુ એક વળતર યોજના શરૂ કરવામાં આવી છે. તેમજ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમની મુદ્દત પણ વધારવામાં આવી છે. ત્યારે 30 જુલાઈ સુધીમાં જ રાજકોટ મનપાની વેરાની આવક રૂ. 300 કરોડને પાર થવાની પુરી શક્યતા છે. ત્યારે આ વર્ષે રૂ. 450 કરોડનો લક્ષ્યાંક સરળતાથી પૂરો થવાની શક્યતા હાલ જોવાઇ રહી છે.

What's Your Reaction?






