તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો વેપાર ઘટ્યો:ગત વર્ષ કરતા 1.50 લાખ ઓછા બોક્સ સાથે 4.50 લાખ બોક્સનું વેચાણ, કુલ 25 કરોડનો વ્યવસાય
તાલાલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની સીઝન પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. આ વર્ષે કુદરતી વાતાવરણની પ્રતિકૂળ અસર છતાં યાર્ડમાં 4.50 લાખ બોક્સ કેરીનું વેચાણ નોંધાયું છે. આ વેચાણથી ખેડૂતોને 25 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. તાલાલા મેંગો યાર્ડના અનુભવી વેપારી કાળુભાઈ બોરીચાના જણાવ્યા મુજબ, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દોઢ લાખ બોક્સ ઓછું વેચાણ થયું છે. તાલાલા-ગીર વિસ્તારમાં કેસર કેરીનું ઉત્પાદન ઘટ્યું છે. જો કે, ધારી, વિસાવદર, મેંદરડા, ઉના અને માળીયા તાલુકામાંથી નોંધપાત્ર આવક રહી છે. ગીરપંથકમાં 80 ટકા બાગાયતી પાક કેરીની આંબાવાડીઓનો છે. યાર્ડમાં આવતી કેરીનો મોટાભાગનો જથ્થો કેનિંગ પ્લાન્ટ્સ ખરીદે છે. યાર્ડ ઉપરાંત, ખેડૂતોએ સૌરાષ્ટ્ર-ગુજરાતના અન્ય શહેરોમાં સીધું વેચાણ કર્યું છે. કુલ મળીને ગીરમાંથી અંદાજે 80 કરોડની કેરીનું વેચાણ થયું છે. આ વર્ષે કેસર કેરીના પાકને પ્રથમ પ્રતિકૂળ વાતાવરણ, પછી વરસાદ અને સોનમાખીની ગંભીર અસર નડી છે. આ કારણે કેસર કેરી નીરસ બની ગઈ અને કેસરના ચાહકોને તેનો પૂર્ણ સ્વાદ માણવા મળ્યો નથી. તાલાલા મેંગો યાર્ડ ના અધિકારી સુરેશ કાલસરિયાના જણાવ્યા મુજબ તાલાલા મેંગો માર્કેટ યાર્ડમાં કેસર કેરી ની આવક અંગે છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરીએ તો... વર્ષ 2022 - 23 માં 5લાખ 03 હજાર 321 બોક્સની આવક થઈ હતી અને 10 કિલોના બોક્સનો સરેરાશ ભાવ રૂપિયા 740 રહ્યો હતો જેથી 37 કરોડ 24 લાખ 57 હજાર 540 નો વેપાર નો નોંધાયો હતો. આવી રીતે વર્ષ 2023 - 24 માં કુલ 11 લાખ 13 હજાર 540 બોક્સની આવક થઈ હતી અને 10 કિલોના બોક્સ નો ભાવ સરેરાશ ₹425 રહ્યો હતો. જેથી 47 કરોડ 32 લાખ 54 હજાર 500 નો વેપાર નોંધાયો હતો. આવી રીતે વર્ષ 2024 - 25 ની વાત કરીએ તો 05 લાખ 90 હજાર 700 બોક્સ ની આવક થઈ હતી અને 10 કિલોના બોક્સના સરેરાશ ભાવ 700 રહ્યા હતા. જેથી 41 કરોડ 34 લાખ 90 હજાર નો વેપાર નોંધાયો હતો. આ વર્ષે ચાલુ સિઝનમાં 4 લાખ 50, હજાર બોક્સની આવક નોંધાય છે અને સરેરાશ ભાવ 550 જેટલો નોંધાયો છે જેથી 24 કરોડ 75 લાખ નો વેપાર નોંધાયો છે. આમ ગત વર્ષ ની સાપેક્ષ માં આ વર્ષે 1.5 લાખ બોક્સ કેરીના ઓછી આવક નોંધાય છે.

What's Your Reaction?






