56 વર્ષીય મહિલાનું પોલીસ સ્ટેશનમાં તબિયત લથડતાં મોત:મહારાષ્ટ્રના સાયબર ક્રાઈમ કેસ પૂછપરછ દરમિયાન બેભાન, પુત્રનો આક્ષેપ- “તાત્કાલિક સારવાર આપાત તો મમ્મી જીવતી હોત”
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં સર્જાયેલી ઘટના એ સવાલ ઉભો કરે છે કે, શું કોઈ પોલીસ પુછપરછ જીવલેણ સાબિત થઈ શકે? શનિવારે મહારાષ્ટ્રના નાસિક સાયબર ક્રાઈમ પોલીસે સાઇબર ફ્રોડ કેસમાં એક 56 વર્ષની મહિલાને અમરોલી પોલીસ સ્ટેશન બોલાવી હતી. પૂછપરછ દરમિયાન તબિયત લથડી ગયેલા છતાં તાત્કાલિક સારવાર ન મળતાં તેઓનું મોત નીપજ્યું. 56 વર્ષીય મહિલાનું પોલીસ સ્ટેશનમાં તબિયત લથડતાં મોત મહારાષ્ટ્રના સાયબર ક્રાઈમ કેસમાં પુછપરછ માટે બોલાવવામાં આવેલી અમરોલીની 56 વર્ષીય મહિલાનું પોલીસ સ્ટેશનમાં તબિયત લથડતાં મોત નીપજ્યું છે. મૃતક મીનાબેન મોહનભાઈ રાઠોડ છેલ્લા ઘણા વર્ષોથી બ્લડપ્રેશરની બીમારીથી પીડાતી હતી તેમછતાં પુત્ર રવિ રાઠોડ દ્વારા આક્ષેપ કરાયો છે કે, વારંવાર અપીલ છતાં મહારાષ્ટ્રની નાસિક સાયબર ક્રાઈમ ટીમે તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવા ઇનકાર કર્યો હતો. આખરે ગંભીર સ્થિતિ થતાં તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મમ્મીને બ્લડ પ્રેશરની તકલીફ છે તો પહેલા દવાખાને લઈ જાવ મૃતકના પુત્ર રવિ રાઠોડે તદ્દન વ્યથિત સ્વરે જણાવ્યું કે, “મારા મમ્મીનું નામ એક બેન્ક એકાઉન્ટમાં હતું, જેમાંથી કથિત રીતે 6 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડ થયો હોવાનું પોલીસનું માનવું હતું. અમને કહ્યું કે, મમ્મીએ લોન લીધી હતી પણ અમે તો કોઈ લોન લીધી નથી. મેં પોલીસને કહ્યું કે, મમ્મીને બ્લડ પ્રેશરની તકલીફ છે, તેમને ગભરામણ થાય છે, તો પહેલા તેમને દવાખાને લઈ જાવ, પછી પૂછપરછ કરો છતાં પોલીસ માની નહીં. છેલ્લે મમ્મીની તબિયત ખૂબ લથડી ગઈ અને પડી ગયા હતા. ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવી તેમને સ્મીમેર લઈ ગયા પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. અમરોલી છાપરાભાઠા બોરડી ફળીયાની રહેવાસી મીનાબેન રાઠોડ આર્થિક તંગી વચ્ચે પરિવાર ચલાવતા હતા. પતિ મજૂરીકામ કરતાં હતાં પણ છેલ્લા પાંચ વર્ષથી કામ બંધ છે. પુત્ર પગના ફ્રેક્ચરના લીધે છેલ્લાં પાંચ મહિનાથી બેડ રેસ્ટ પર છે. પરિવારની આર્થિક સ્થિતિ નાજુક હોવા છતાં મીનાબેન પોતે ઘરકામ કરીને ઘર ચલાવતા હતા. 6 લાખના સાયબર ફ્રોડના કેસમાં એકાઉન્ટ સામેલ હતું શનિવારે નાસિક સાયબર ક્રાઈમ પોલીસ અમરોલી આવીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મીનાબેનની પૂછપરછ કરી રહી હતી. પોલીસે જણાવ્યું કે, નાસિકમાં થયેલા 6 લાખના સાયબર ફ્રોડના કેસમાં મીનાબેનનું બેન્ક એકાઉન્ટ સંડોવાયેલું હોવાનું જણાયું છે. પુછપરછ દરમિયાન મીનાબેનને શ્વાસ ચડતા અને ચક્કર આવતા જોવા મળ્યું હતું. અવારનવાર પુત્ર દ્વારા સારવાર માટે અપીલ કરાયા પછી પણ પોલીસે તાત્કાલિક પગલાં ન લેતાં પરિવારનો આક્ષેપ છે કે, મીનાબેનનો જીવ બચી શક્યો હોત જો સમયસર સારવાર મળતી. તેમને જ્યારે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયું ત્યારે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી અમરોલી પોલીસે મીનાબેન રાઠોડના મોત અંગે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. હાલ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ, પરિવારના ગંભીર આક્ષેપો સામે અધિકારીઓએ વધુ વિગતવાર તપાસ કરવાનો ઇશારો આપ્યો છે.

What's Your Reaction?






