આણંદની એલીકોન કંપનીમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલ:મિસાઈલ હુમલાની પરિસ્થિતિમાં 26 ઈજાગ્રસ્તોને બચાવી સફળ કામગીરી; વિદ્યાનગરમાં બ્લેકઆઉટ કરાયો
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ આણંદની એલીકોન કંપની ખાતે દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સરસાઈઝ 'ઓપરેશન શિલ્ડ' યોજાઈ. આણંદના પ્રાંત અધિકારી મયુર પરમારે ઈન્સીડન્ટ કમાન્ડર તરીકેની જવાબદારી સંભાળી. મોકડ્રિલ દરમિયાન કંપનીની કેન્ટીન પર મિસાઈલ પડવાની સૂચના મળતાં તંત્ર એલર્ટ થયું. સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. આણંદ શહેર અને તાલુકાના સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી. તેમણે 26 ઈજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળેથી બહાર કાઢ્યા. એમ્બ્યુલન્સ મારફતે ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફે તમામ દર્દીઓની તાત્કાલિક સારવાર શરૂ કરી. વિદ્યાનગરના સમગ્ર વિસ્તારમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યો ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજ રોજ સાંજના સમયે એલીકોન કંપની ખાતે મોકડ્રિલ યોજાઈ હતી, આ એકસસાઈઝ બાદ રાત્રે 8 કલાકે સાઈરન વગાડીને વિદ્યાનગરના સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાનગરવાસીઓને તેમના ઘર, ઓફિસ, દુકાન, વ્યવસાયના સ્થળો સહિતના સ્થળોની લાઈટો થોડા સમય માટે સંપૂર્ણ બંધ કરી બ્લેકઆઉટમાં સહભાગી બન્યા હતા. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ લોકજાગૃતિ અને કટોકટીની પરિસ્થિતિમાં તૈયારીની ચકાસણી કરવાનો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, આણંદ મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, એમજીવીસીએલ, માર્ગ-મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, એઆરટીઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓ જોડાયા. ફાયર બ્રિગેડ, ઔદ્યોગિક સલામતી વિભાગ, એલીકોન કંપનીના કર્મચારીઓ અને સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સે પણ સક્રિય ભાગ લીધો.

What's Your Reaction?






