ગોધરાના નસીરપુર ગામમાં ઘર સળગાવવાનો કેસ:પ્રેમ પ્રકરણની અદાવતમાં ઘર સળગાવનાર બે આરોપીઓના જામીન નામંજૂર
પંચમહાલ જિલ્લાની એડીશનલ સેશન્સ કોર્ટે ગોધરા તાલુકાના નસીરપુર ગામમાં ઘર સળગાવવાના કેસમાં બે આરોપીઓના રેગ્યુલર જામીન નામંજૂર કર્યા છે. આ કેસમાં આરોપીઓએ પ્રેમ પ્રકરણની અદાવતમાં ફરિયાદીનું ઘર સળગાવી દીધું હતું. આરોપી પક્ષની દીકરીને ફરિયાદીના કુટુંબના છોકરાએ લગ્નના ઈરાદે ભગાડી જતાં આ ઘટના બની હતી. આરોપીઓએ ફરિયાદીના ઘર પર હુમલો કર્યો હતો અને છોકરાની માતાને માર મારીને ઈજા પહોંચાડી હતી. આરોપી આરતસિંહ ઉર્ફે પ્રભાતભાઈ ફતેસિંહ બારીઆ અને રાજેશકુમાર ઉર્ફે રાજેન્દ્રસિંહ હિંમતસિંહ બારીઆએ પાંચમાં એડીશનલ સેશન્સ જજ વી.વી.મોઢેની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ઘટના સમયે આરોપીઓના મોબાઈલ લોકેશન ફરિયાદીના ગામમાં મળી આવ્યા હતા. આરોપી અને ફરિયાદીના ગામ વચ્ચે 25થી 30 કિલોમીટરનું અંતર હોવા છતાં આરોપીઓ પાસે તેમની હાજરી અંગે કોઈ સંતોષકારક ખુલાસો નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે.

What's Your Reaction?






