‘તારે ઝમીન પર’ યુટ્યુબ પર મફતમાં જોવા મળશે?:આમિર ખાને કહ્યું, 'આ ફિલ્મ મારી પર્સનલ સ્ટોરી, મારો દીકરો જુનૈદ પણ ડિસ્લેક્સિક'
આમિર ખાનની 'સિતારે ઝમીન પર' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ અંગે એવી અટકળો ચાલી રહી છે કે, ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયા પછી OTT પ્લેટફોર્મને બાયપાસ કરીને ફક્ત YouTube પર પે-પર-વ્યૂ મોડેલ પર રિલીઝ કરવામાં આવશે. જોકે, આમિર ખાને આ ચર્ચાઓને અફવા ગણાવી છે. તેવામાં તાજેતરમાં મુંબઇમાં 'તારે ઝમીન પર' ફેન મીટ યોજાઈ હતી. જેમાં આમિરે 'તારે ઝમીન પર'ને મર્યાદિત સમય માટે તેની યુટ્યુબ ચેનલ પર મફતમાં રિલીઝ કરવાનું વચન આપ્યું છે. કાર્યક્રમ દરમિયાન હોસ્ટ લક્ષ મહેશ્વરીએ નોંધ્યું કે, ઓનલાઇન ટ્રિવિયા (ક્વીઝ ગેમ)એ 'તારે ઝમીન પર'ની સીનમાં આમિર ખાન અને એક બોટનો ફોટો સુચવ્યો હતો, જે બોટ પર આમિરના માતા-પિતા હતા. આમિરે તેને સુધારતા કહ્યું કે, 'ના, તે મારા માતા-પિતા નથી. મને લાગે છે કે તે કોઈ બીજાના માતા-પિતા છે. કદાચ તે અમોલ ગુપ્તેના માતા-પિતા છે. મને ખબર નથી પણ તે મારા માતા-પિતા તો નથી જ'. જોકે હોસ્ટ લક્ષે એ ફોટો બતાવવાની ઇચ્છા વ્યક્ત કરી પણ તેણે કહ્યું કે, 'હું આ સીન બતાવી શકતો નથી, કારણ કે 'તારે ઝમીન પર' કોઈપણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી.' ત્યારે આમિર ખાને સંમત થતા કહ્યું, 'હા, આ ફિલ્મ ક્યાંય નથી.' ત્યાર બાદ તેણે એક સૂચન આપ્યું અને ફિલ્મને પોતાની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવાની ઓફર કરી. આમિરે કહ્યું, 'એક કામ કરતે હૈ (ચાલો એક કામ કરીએ), મેં આમિર ખાન ટોકીઝ નામની એક યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. હું મારી ટીમને કહીશ કે ચાલો આપણે 'તારે ઝમીન પર'ને તે ચેનલ પર ફ્રીમાં અપલોડ કરીએ. આ ફિલ્મ 1-2 અઠવાડિયા માટે અવેલેબલ હશે.' જોકે, આમિરે હજુ એ સ્પષ્ટ નથી કર્યું કે, ફિલ્મનું યુટ્યુબ પર ક્યારે સ્ટ્રીમિંગ થશે. જોકે તેમના ફેન્સ આ જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમિર ખાન સાથે 'તારે ઝમીન પર'ના કૉ-સ્ટાર્સ દર્શિલ સફારી, ટિસ્કા ચોપરા અને વિપિન શર્મા સાથે ફેન મીટમાં હાજર રહ્યાં હતાં. મીટ ઇવેન્ટ દરમિયાન, આમિરે તેના દીકરા જુનૈદને ડિસ્લેક્સિયા હોવાનો ખૂલાસો કર્યો. તેણે કહ્યું, 'તારે ઝમીન પર રિલીઝ થયાને 17-18 વર્ષ થઈ ગયા છે અને મેં આજસુધી ક્યારેય આ નથી કહ્યું, પણ જુનૈદ ડિસ્લેક્સિક છે. જ્યારે મેં પહેલીવાર ફિલ્મની વાર્તા સાંભળી, તેણે મારા પર ખૂબ ઊંડી અસર કરી, કારણ કે હું પોતે તેમાંથી પસાર થઈ ચૂક્યું છું. શરૂઆતમાં હું નંદકિશોર અવસ્થી (તારે ઝમીન પર ફિલ્મમાં પિતાનું પાત્ર) જેવો હતો. હું જુનૈદને ખૂબ ઠપકો આપતો હતો.'

What's Your Reaction?






