‘નાનો હતો ત્યારની પરિસ્થિતિ યાદ કરું તો આજે પણ રડવું આવી જાય છે. શેરીએ શેરીએ ફુગ્ગા વેચીને પપ્પાએ અમને મોટા કર્યા છે. ઉત્તરાયણ આવે તો માંજાવાળાને ત્યાં દોરી ઘસવા પણ જતા. સરકારી સ્કૂલમાં ભણીને મોટો થયો છું.’
‘એ દિવસે હું તો બેઠો હતો અને અચાનક IPLની લખનઉની ટીમના CEO સરનો મેસેજ કૉલ આવ્યો, તું બે-ત્રણ દિવસમાં LSG ટીમ જોઇન કરે છે.’ ફોન મૂકીને શું બોલું કે શું કરું, કંઈ જ ન સમજાયું, એક મેસેજમાં એવી તક મળી ગઈ કે, જેના માટે હું વર્ષોથી રાહ જોતો હતો.’
‘પંત સહિત આખી LSG (લખનઉ સુપર જાયન્ટ્સ)ની ટીમને અમે ત્રણ ટ્રેઇનર જ ટ્રેઇન કરીએ છીએ.’ શબ્દો છે આપણા સુરતી લાલા રાશિદ ઝિરાકના, જે અત્યારે IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમના ફિટનેસ-ટ્રેનર છે. સુરતના એક નાનકડા ગરીબ પરિવારનો છોકરો કેટકેટલી મુશ્કેલીઓ વેઠી મોટો થયો અને આજે રાશિદ ઇન્ડિયાના ટોપ પ્લેયર્સને ફિટનેસ ટ્રેનિંગ આપે છે. ફક્ત એક સ્પોર્ટની કાબેલિયત, મહેનત અને નવું નવું કરવાની ધગશ અને સફળતાની ભૂખના કારણે પોતાનો કન્ફર્ટ ઝોન છોડ્યો એનું આજે આ ઉત્તમ પરિણામ છે. સ્કૂલથી શરૂ કરી ઇન્ટરનેશનલ લેવલ સુધી ટ્રેનિંગ આપતા રાશિદ અહીં સુધી કેવી રીતે પહોંચ્યા? IPL પ્લેયર્સ ફિટનેસમાં શું શું કરે છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે? ટીમની અંદર શું ચાલતું હોય છે? પ્લેયર્સ આખો દિવસ શું કરે છે? એમના પર કેટલા પ્રતિબંધો હોય છે? કેટલો ટાઈમ કસરત કરવી પડે? એ બધી જ ઈન્સાઇડ ઇન્ફોર્મેશન જાણવા દિવ્ય ભાસ્કરે રાશિદ ઝિરાક સાથે વાત કરી. ‘સ્કૂલમાં એકસાથે 7 ગેમ રમતો’
LSGની જર્સીમાં 43 વર્ષના હુરટી રાશિદભાઈ અમારી સામે બેઠા અને પોતાની લાઈફ જર્નીથી વાતથી શરૂઆત કરી, ‘હું નાનો હતા ત્યારે યાદ છે મને કે મારા પપ્પા શેરીએ શેરીએ ફુગ્ગા વેચવા જતાં. ઘર ચાલી શકે એવી પરિસ્થિતિ પણ નહોતી. ઉત્તરાયણ આવે તો માંજાવાળાને ત્યાં દોરી ઘસવા પણ જતા. એમ કરતાં કરતાં ઘણાં વર્ષોની મહેનતે હીરા ઘસવામાં એમની જોબ લાગી. ઘરની આવી પરિસ્થિતિના કારણે હું સરકારી સ્કૂલમાં ભણીને જ મોટો થયો છું. સ્કૂલમાં હતો ત્યારે મારા શુક્લા સર મને સ્પોર્ટ્સ માટે ખૂબ જ પુશ કરતા. એથ્લેટિક્સ, ક્રિકેટ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, હેન્ડબોલ બધું જ મળી એકસાથે 7 ગેમ રમતો. આમ જ ગાડી ચાલતી રહી ને સ્પોર્ટ્સના કારણે જ મારાં નસીબ ખૂલ્યાં.’ 12 વર્ષની નોકરી એક ઝાટકે છોડી દીધી
રાશિદભાઈએ વાત આગળ વધારી, ‘12મા ધોરણ પછી તરત જ મને એક સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચર તરીકે જોબ મળી ગઈ. જોબ લાગી એટલે હું તો ખુશ થઈ ગયો કે, હાશ! હવે ઘરે હું થોડી મદદ કરી શકીશ અને સાથે મારો સ્પોર્ટ્સનો શોખ પણ ચાલુ રહેશે. ત્યાંથી મને બીજી એક મોટી સ્કૂલમાં ચાન્સ મળ્યો. પછી મેં વિચાર્યું કે, જો મારે આમાં જ રહીને આગળ વધવું હોય તો થોડું એ બાજુ ભણી પણ લઉં. એટલે સ્પોર્ટ્સમાં જ ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી કરી. મેં ઘણી સ્કૂલ સંભાળી અને 12 વર્ષ સુધી સ્પોર્ટ્સ હેડ તરીકે બધી જગ્યાએ જોબ કરી. પણ 12 વર્ષ પછી મને લાગ્યું કે આ તો દર વર્ષનું બધું એ ને એ સેટ થઈ ગયું છે, બાળકોને વાર તહેવારે રેલીઓ કરાવવાની, રેગ્યુલર કસરત કરાવવાની, વિદ્યાર્થીઓને ફિક્સ એક જ વસ્તુ શીખવવાની. એટલે કંટાળ્યો કે, આ ને આ નથી કરવું મારે. આમાં કોઈ થ્રિલ નથી.’ પ્લેયર્સ આવી આવીને કહેતા, ‘તમારા કારણે જ મારી ગેમ સુધરી’
રાશિદભાઈને કૂવાની માછલી બનીને નહોતું રહેવું. એટલે આ ટીચરની જોબથી પણ કંટાળ્યા અને નવું સાહસ કર્યું, રાશિદભાઈ કહે, ‘મેં સ્કૂલ છોડી દીધી અને ટેનિસ એકેડમીમાં જોડાયો અને ટેનિસ પ્લેયરની ફિટનેસ પર કામ કરવાનું ચાલુ કર્યું. થોડા ટાઈમમાં જ મારા કારણે એ પ્લેયર્સની ફિટનેસની પ્રગતિ જોઈને મને સંતોષ થયો કે, આ કામ સારું છે. અહીં મારી મહેનતના કારણે પ્લેયર્સની ગેમ સુધરે છે. એ બધા સામેથી અમારી પાસે આવી અમને કહે કે, ‘તમારા કારણે અમારી ગેમ સુધરી.’ એનાથી વધારે ખુશી શું હોય? એટલે નક્કી કરી લીધું કે, હવે મારે આ જ કરવું છે અને આમાં જ આગળ વધવું છે.’ ‘મેં ટ્રેઈન કર્યો અને વિરાટ કોહલી પાસેથી એવોર્ડ મળ્યો’
રાશિદભાઈના જીવનના બદલાવની શરૂઆત થઈ ગઈ હતી. ટેનિસથી ક્રિકેટ હવે દૂર નહોતું. રાશિદભાઈએ વાત ચાલુ રાખી, ‘એક દિવસ હું ટેનિસ એકેડમીએ ટ્રેનિંગ આપતો હતો ત્યાં એક ભાઈએ આવીને મને રિક્વેસ્ટ કરી કે, ‘તમે મારા બાળકને ટ્રેઈન કરશો?’ મારી જોબ ચાલુ હતી એટલે લીગલી પરમિશન લઈ મેં ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યું અને બાદમાં ખબર પડી કે, આ છોકરો તો ગુજરાતના બેસ્ટ રણજી પ્લેયર્સમાંનો એક ભાર્ગવ મેરાઈ હતો. જે વર્ષે મેં એને ટ્રેઈન કર્યો એ વર્ષે એને વિરાટ કોહલી પાસેથી પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. મારો આત્મવિશ્વાસ વધ્યો કે, મારા કારણે પ્લેયર્સને સક્સેસ તો મળે છે. ત્યાંથી તો પછી ઘણાં એસોસિએશન સાથે કામ કર્યું, બાદમાં BCCI સાથે કામ કરવાનો મોકો મળ્યો, અરુણાચલ ક્રિકેટ એસોસિએશન સાથે કામ કરવા મળ્યું, અત્યારે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સાથે કામ કરું છું અને હવે તો IPLમાં લખનૌ સાથે પણ.’ ‘આજેય એ યાદ કરું તો રડવું આવી જાય છે’
રાશિદભાઈએ અત્યારે ક્રિકેટની બેક ટીમમાં એક સારું એવું નામ બનાવ્યું છે. પણ પોતાના શરૂઆતી ટાઇમના કિસ્સાઓ યાદ કરતાં કહે, ‘પપ્પાએ શેરીએ શેરીએ ફુગ્ગા વેચી વેચી અમને મોટા કર્યા છે, ઘરની એ કન્ડિશન મેં દુ:ખી આંખે જોઈ છે. ભણતો હતો ત્યારે જો સાહેબ બલૂનમેનનું ચિત્ર દોરવાનું કહે તો પણ મારી આંખોમાં આંસુ આવી જતાં. આજે ય એ યાદ કરું તો રડવું આવી જાય છે. પણ પપ્પાએ ક્યારેય હાર ન માની અને હીરાની ઓફિસ ખોલી, આજે એમનું પણ હીરા માર્કેટમાં ઘણું નામ છે. મને યાદ છે, જ્યારે હું પહેલી વાર રાજ્યકક્ષાએ બાસ્કેટબોલ રમવા માટે ગયો હતો ત્યારે મારી પાસે સ્પોર્ટ્સ શૂઝ પણ નહોતાં, એ પણ મને મારા કોચે આપ્યા હતા. પણ આજે આ બધું જોઈને ઘણી ખુશી થાય છે.’ એક મેસેજ ને લાઈફ જિંગાલાલા
IPLમાં લખનૌની ટીમ સાથે કેવી રીતે જોડાવાનું થયું? રાશિદભાઈએ એમની લાઈફની એ બેસ્ટ મોમેન્ટ વિશે વાત કરી, ‘ગ્રહોની કોઈક સારી દશા થઈ હશે ને ઓક્શનના દિવસે મેં LSGના CEOના દીકરા શાશ્વત સરને મેસેજ કર્યો. થોડી જ વારમાં ખુદ CEO સરે મને કોલ કર્યો. મેં વાત કરી કે, ગયા વર્ષે મેં વાત કરી હતી પણ હું જોડાઈ નહોતો શક્યો. એમણે મારો CV મંગાવ્યો અને બીજા જ દિવસે સંજીવ ગોએન્કા સરનો ફોન આવી ગયો કે, ‘હું એક બે દિવસમાં તને કહું કે તારે ક્યારથી ટીમ જોઇન કરવાની છે.’ ફોન મૂકીને શું બોલું કે શું કરું કંઈ જ ન સમજાયું, અચાનકથી એક મેસેજમાં એવી તક બની ગઈ કે, જેના માટે હું વર્ષોથી રાહ જોતો હતો. બે દિવસમાં ફરી સરનો કૉલ આવ્યો, ‘તું ટીમ જોઇન કરે છે. હું લોજિસ્ટિક મેનેજરને તારો નંબર આપું છું, તું એમની સાથે વાત કરી તારો ટ્રાવેલિંગ પ્લાન બનાવી લે.’ મારી આંખોમાં આંસુ હતાં અને મારાથી એક શબ્દ ન બોલાયો. કોઈનું IPL ટીમમાં સિલેક્શન થાય અને એ પ્લેયરને જેટલી ખુશી હોય, હું એટલો ખુશ હતો. એ ખુશીને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે.’ પ્લેયરે પ્લેયરે ટ્રેનિંગ બદલે
તમારે IPLમાં કામ શું કરવાનું હોય? રાશિદભાઈ પોતાની સ્કિલ વિશે વાત કરતાં કહે, ‘પ્લેયરને ટ્રેઇન કરવા માટે પણ દરેક પ્લેયરની અલગ અલગ ટ્રેનિંગ સેટ કરવી પડે. હું બેટ્સમેન, ફાસ્ટ બોલર, સ્પિન બોલર, વિકેટકીપર, દરેકને એના કામ મુજબ ટ્રેનિંગ આપું છું. જો બેટ્સમેનની વાત કરું તો, એમને કોર રોટેશન અને સ્ટેબિલિટીની સૌથી વધુ જરૂરી હોય છે. કેમ કે બેટિંગમાં સૌથી વધુ સિંગલ લેગ એક્ટિવિટી થતી હોય છે, એટલે સ્ટેબિલિટીનું એમણે ખાસ ધ્યાન રાખવું પડે. એમાં પણ દરેકની અલગ અલગ જરૂરિયાત હોય. કોઈને સ્પીડ પર કામ કરવું હોય, કોઈને મજબૂતાઈ પર કામ કરવું હોય, જેની જેવી જરૂરિયાત, એવી એમની ટ્રેનિંગ. સાથે એમની લાઈફસ્ટાઈલથી ઊંઘ સુધીનું પણ અમારે ધ્યાન રાખવું પડે. અમારું સૌથી મુખ્ય કામ એ કે ઇન્જરીને થતાં રોકવી અને પ્લેયરનું પર્ફોર્મન્સ વધારવું. ’ તમે UP ક્રિકેટ એસોસિયેશન સાથે કામ કરશો?
તમે અત્યારે UPની ક્રિકેટ ટીમના ટ્રેનિંગ હેડ પણ છો, તો ત્યાં તમે કેવી રીતે જોડાયા? રશિદભાઈ કહે, ‘અત્યારે LSGના આસિસ્ટન્ટ કોચ વિજય દૈયા એ ટાઈમે UP ક્રિકેટ એસો.ના હેડ કોચ હતા. તેમનો જ કૉલ આવ્યો હતો કે ‘અત્યારે અહીં આ પોઝિશન પર જરૂર છે, તમે UP ટીમ સાથે કામ કરશો?’ મને સીધી જ ઝટકો લાગ્યો કે એકેડમીમાં કોચિંગથી લઈ સીધું જ UPની ટીમ સાથે કામ કરવાનો મોકો? UPની ટીમમાં તો પ્લેયરો પણ એટલા મોટા છે. જો મોટા પ્લેયરો સાથે કામ કરવા મળે તો મોટી જગ્યાએ રેકમેન્ડેશન પણ મળે.’ T20, વન-ડે અને ટેસ્ટ એ ત્રણેયનું કોચિંગ અલગ અલગ
નોર્મલ ટ્રેનિંગ અને ક્રિકેટ પ્લેયરની ટ્રેનિંગમાં શું અલગ પડે? રાશિદભાઈ ફરક સમજાવતાં કહે, ‘જનરલ ટ્રેનિંગ કે જિમમાં આવતા લોકોનો ધ્યેય નક્કી હોય. એમને બોડીનો કોઈ શેપ જોઈતો હોય એટલે એ લોકો આવતા હોય. જ્યારે ક્રિકેટ પ્લેયર બોડી શેપ માટે નથી કરતા, એ લોકો એમના પર્ફોર્મન્સ માટે કરે છે. એમાં પણ T20, વનડે અને ટેસ્ટ એ ત્રણેયનું કોચિંગ પણ અલગ અલગ હોય. જ્યારે T20 હોય ત્યારે સ્પીડ ટ્રેનિંગ પર વધારે ધ્યાન આપવાનું હોય, વનડે વખતે પાવર ટ્રેનિંગ અને ટેસ્ટ મેચમાં સ્ટ્રેચિંગ પર વધારે ધ્યાન આપવું પડે. પણ સાથે એ લોકો સતત ટ્રાવેલ કરે, ફેમિલીથી દૂર રહે, નકરું હોટેલનું જ ખાય. એટલે એ બધાનું પણ ઘણું ધ્યાન રાખવું પડે.’ ક્યારે ટ્રેનિંગ જોઈએ એ પ્લેયર ખુદ નક્કી કરે
એક પ્લેયર રોજે એવરેજ કેટલો ટાઈમ કસરત કરે? રાશિદભાઈ કહે, ‘કેવી ટ્રેનિંગ કરે છે, એના પર આધાર રાખે. જ્યારે સ્પીડ ટ્રેનિંગ હોય ત્યારે 40-45 મિનિટ ઘણું થઈ ગયું, બાકી પ્લેયર પર આધાર રાખે કે એમણે કેટલી કસરત કરવી છે. પ્લેયરને ખબર જ છે કે, કસરત એમના માટે કેટલી જરૂરી છે અને જો એના કારણે પર્ફોર્મન્સ પર અસર પડી તો ટીમમાંથી બહાર થઈ જશે. ગ્રુપમાં મેસેજ જાય કે, આ પ્લેયરનું આટલા વાગ્યે સેશન છે, તો એ પ્લેયર 10 મિનિટ અગાઉ જ ત્યાં પહોંચી ગયો હોય. દરેક પ્લેયર પોતાની જાતે જ પોતાનો ટ્રેનિંગ ટાઈમ નક્કી કરે કે એમણે કેટલા વાગ્યે ટ્રેનિંગ લેવી છે. દરેક પ્લેયર પોતાના ટાઈમ ટેબલ મુજબ અમને કહી દે, એટલે અમે એ પ્રમાણે સેટિંગ કરી લઈએ, જેથી કોઈ પ્લેયરનું એકબીજા સાથે ક્લેશ ન થાય.’ IPL પ્લેયર આખો દિવસ શું કરે?
IPL પ્લેયરનું મેચ સિવાય રોજે ટ્રેનિંગ ટાઈમટેબલ શું હોય? રાશિદભાઈ કહે, ‘IPLમાં એક દિવસ ટ્રેનિંગનો હોય અને પછી એક-બે દિવસ મેચની પ્રેક્ટિસ હોય, એ પછી ટ્રાવેલિંગ. આખા દિવસની વાત કરું તો, મેચ બધી રાત્રે હોય, એટલે પ્રેક્ટિસ અને ટ્રેનિંગ પણ રાત્રે જ કરવામાં આવે. રાત્રે મેચ પૂરી થાય એટલે જો જીત્યા હોય તો સેલિબ્રેશન હોય, પાર્ટી કરે કે બીજા કોઈ કારણથી સૂવામાં મોડું થાય એટલે સવાર ઊઠે પણ મોડા. 11 વાગ્યે બ્રેકફાસ્ટ કરે. 12થી 3 વાગ્યા સુધી ટ્રેનિંગ કરે અને સાંજે ફરી ગ્રાઉન્ડ પ્રેક્ટિસ કરે. પ્રેક્ટિસમાંથી આવી, જેને રીતે જે રિલેક્સ થવું હોય એમ એ લોકો પોતાની વ્યવસ્થા કરાવે. કોઈ મસાજ લે, કોઈ આઈસ બાથ લે, જેને જે જે એક્ટિવિટી કરવી હોય એ પોતાની રીતે રિલેક્સ થાય.’ સાંજે મેચ હોય તોપણ ઊઠવાનું તો 10 વાગ્યે જ
મેચના દિવસે બધા પ્લેયરનું ટાઈમ ટેબલ શું હોય? રાશિદભાઈ કહે, ‘સવારે એ બધા 10 વાગ્યા બાજુ ઊઠે. 11 સુધી બ્રેકફાસ્ટ ચાલે અને એ પછી 1 વાગ્યા સુધી બધા પોતાની ઈચ્છા મુજબ ટ્રેનિંગ કરે. 1 પછી બધા પોતાનું રૂટિન પૂરું કરી, સાંજે 5 વાગ્યા બાજુ હોટલથી નીકળીએ. ત્યાં ગ્રાઉન્ડ પર જઈને પ્લેયર્સનું વૉર્મઅપ થાય અને મેચ પછી દરેક પ્લેયર પોતાની રીતે રિકવરી કરાવે. રિકવરીમાં કોઈ મસાજ કરાવે, કોઈ વાઇબ્રેશન બુટ્સ કે હાથમાં વાઇબ્રેટર યુઝ કરે. કોઈ રેડ લાઇટમાં બેસે, રેડ લાઇટ રિકવરી માટે યુઝ થતી હોય છે. કોઈ આરામ માટે મેગ્નેશિયમ જેવું કોઈ સપ્લિમેન્ટ લે, કોઈ આઈસ બાથ લે. બધા પોતાના રિકવરી પ્લાન જાતે સેટ કરે.’ એનું શરીર તો લોખંડી છે, જ્યાં આંગળી ખોસો ત્યાં લોખંડ લાગે
રાશિદભાઈ પ્લેયર્સ સાથેના અનુભવ વિશે વાત કરતાં કહે, ‘જેવો પ્લેયર, જેવી જરૂરિયાત, એવી એમની ટ્રેનિંગ. જેમ કે નિકોલસ પૂરન છે, એ મોસ્ટલી મોબિલિટી (શરીરનું ફ્રીલી મુવમેન્ટ) પર વધુ ધ્યાન આપતો હોય છે. મેથ્યુ બ્રેત્ઝકી અને રાજ હંગરગેકર સાથે ટ્રેનિંગ કરે છે, એમનું સેશન ચાલુ હોય ત્યારે આખો રૂમ પાવરહાઉસ જેવો લાગે. હું તમને કિસ્સો કહું, ‘એક વાર સાવ ઓફ ટાઈમે હું જિમમાં આંટો મારવા ગયો તો ત્યાં વેસ્ટ ઈન્ડિઝનો શમેર જોસેફ હેડફોન પહેરીને ચેસ્ટ ટ્રેનિંગ કરતો હતો. શમેરનું આખું શરીર લોખંડ જેવું છે, ક્યાંય પણ આંગળી લગાવો તો લોખંડ અડતા હોઈએ એવું લાગે. એનો એક જ માઈન્ડસેટ છે કે, હું બોલિંગ કરતો હોઉં ત્યારે મારા હાથમાંથી બોલ નહીં આગ નીકળવી જોઈએ. એને ખાલી સ્પીડ જોઈએ બસ. મેં એના 8 પેકવાળા એબ્સ પર આંગળીથી સળી કરી કહ્યું કે, ‘તારે આમાં એક નવું વેરિએશન ટ્રાય કરવું છે?’ મેં એને એક નવી ટ્રિક શીખવાડી અને એ એને બહુ જ ગમી ગઈ. એણે ત્યારે ને ત્યારે જ મારો નંબર સેવ કરી લીધો અને કીધું કે, જ્યારે પણ તમે જિમમાં હોઉં ત્યારે તમારે મને મેસેજ કરી દેવાનો, હું આવી જઈશ. એ પછીથી લાસ્ટ મેચ સુધી હું જ્યારે પણ જિમ પહોંચું એટલે એ આવી જ ગયો હોય. આવીને મારી પાસેથી નવું નવું શીખ્યે રાખે.’ ‘જ્યારે હું પંતને પહેલીવાર મળ્યો’
બધા સાથે મજાકીયા રિષભ પંતનું બોન્ડિંગ રાશીદભાઈ પાસે પણ એવું જ છે. પંત વિશે વાત કરતાં રાશિદભાઈ કહે, ‘પંત સાથે ઓફિશિયલ કરતાં ઓફ ધ ફિલ્ડ મારે બહુ સારું બોન્ડિંગ હતું. એ ટેબલ ટેનિસનો માસ્ટર છે, બહુ જ સારું રમે છે. પંત અને ઝહીરભાઈની પર્સનાલિટીનું તમને કહું તો, એ બંનેને પહેલીવાર મળ્યો ને ત્યારે એવું જ લાગ્યું કે, અમે તો જૂના ફ્રેન્ડ છીએ. એવું મને ફીલ થવા જ ન દીધું કે, હું પહેલીવાર IPLમાં આવ્યો છું અને મારી સામે ઈન્ડિયાના બેસ્ટ પ્લેયર્સમાંનો એક બેઠો છે. હીરા જેવો માણસ છે, એની સાથે ખાલી 5 મિનિટ વાત કરી લ્યો એટલે તમે એમના ફેન બની જાઓ.’ એક બાજુ હું અને એક બાજુ ઝહીર ખાન અને રિષભ પંત
રાશીદભાઈએ વાત ચાલુ રાખી, ‘તો એક દિવસ સાંજે અમે બધા પંતભાઈ અને ઝહીરભાઈ સાથે ટેબલ ટેનિસ રમતા હતા. પંતભાઈ અને ઝહીરભાઈ ટેબલટેનિસના માસ્ટર. તો એ બંને એક ટીમમાં અને સામે જોડી બદલાયા કરે. સામે જે કોઈ પણ આવે એને સતત આ બંને હરાવે જ રાખે. થોડી વાર પછી મારો ટર્ન આવ્યો અને હું જ્યારે એ બંનેની સામે રમ્યો, એ મોમેન્ટ મારા દિલમાં ફ્રેમ થઈ ગઈ છે. એ હું ક્યારેય નહીં ભૂલી શકું. કેમ કે પંત અને ઝાહીર જેવા દિગ્ગજ પ્લેયરની સાથે રમવું એ મારી જેવા સુરતના સામાન્ય પરિવારના છોકરા માટે ઘણી મોટી વાત હતી.’ ઇન્જરી પછી કમબેક થતું હોય ત્યારે...
કોઈ પ્લેયર લાંબા ટાઈમથી ઇન્જર્ડ હોય, ત્યારે એને ફરી ગેમ સુધી લાવતી વખતે શું શું ધ્યાન રાખવું પડતું હોય? જેમ કે બૂમરાહ કે પંતની જેમ જ્યારે એ લોકો મોટી ઇજાથી લાંબો ટાઈમ સુધી ગેમની બહાર રહ્યા હોય તો પરત ફરતી વખતે શું શું ધ્યાન રાખવું પડે? રાશિદભાઈ એ વિશે સમજાવતાં કહે, ‘કોઈ પણ પ્લેયર જ્યારે કોઈ મોટી ઇન્જરીમાંથી આવે ત્યારે સૌથી પહેલાં ફિઝિયોનો રોલ ચાલુ હોય. જ્યારે ફીઝિયોને લાગે કે હવે આ ટ્રેનિંગ માટે તૈયાર છે અને કસરત કરી શકશે, ત્યારે એ અમને લખીને આપે કે, તમારે આટલું આટલું જ કરાવવાનું. એ પ્રમાણે અમે ટ્રેનિંગ આપીએ.’ પ્લેયરને ફિટ રાખવામાં ક્યારેક ખુદ ફિટ રહેવાનો ટાઈમ નથી રહેતો
ઓકે, આ બધા બરોબર, આટલા બધા પ્લેયર અને સામે તમે એકલા તો તમારો આખો દિવસ કેવો હોય અને તમે બધા પર એકસાથે કેવી રીતે ધ્યાન આપી શકો? રાશીદભાઈ કહે, ‘અમારે તો બધાને ગાઈડ કરવું હોય, બધાનું પર્ફોર્મન્સ વધારવું હોય પણ ઘણી વાર અમારાથી અમારા માટે પણ બધું મેનેજ નથી થતું. સવારે હું 10-11 વાગ્યે ઊઠું ત્યાં પ્લેયર્સ આવી ગયા હોય તો મને મારા માટે ટ્રેનિંગ કરવાનો ટાઈમ જ ન મળે. મેચ હોય કે ન હોય, બપોરે 12થી 2-3 વાગ્યા સુધી સેશન ચાલે, એ પછી સાંજે બધા ગ્રાઉન્ડ પ્રેક્ટિસ કરે અને પછી સાંજે બધા કોઈ ને કોઈ ગેમ રમે. અમારા ફ્લોર પર પૂલ ટેબલ છે, પાંચ-સાત PS-5 લગાવેલાં છે અને બીજી પણ ઘણી ગેમ હોય, એક થિએટર છે, DJ સેટઅપ હોય. એટલે બધા પોતાની રીતે એન્જોય કરે. હા, પણ આ બધાની વચ્ચે હું નમાજનો ટાઈમ તો કાઢી જ લઉં છું. એમાં કોઈ ના પણ નથી હોતી, કેમ કે એ 5 મિનિટનું કામ હોય છે. કોઈ પ્લેયર હોય તો એને 5 મિનિટ રાહ જોવાનું કહી દઈએ તો કોઈને પ્રોબ્લેમ પણ નથી હોતો. આપણે શ્વાસ પણ લઈએ છીએ તો એ ઉપરવાળાના કારણે છે. તો મા-બાપ અને ઉપરવાળાને ક્યારેય ન ભૂલવા જોઈએ.’ ફિટનેસનો કોઈ બેંચમાર્ક નથી હોતો
તમે ટ્રેઇન કરેલા કોઈ બેસ્ટ પ્લેયર? જેના કારણે તમને ગર્વ હોય... રાશીદભાઈ કહે, ‘સૌથી પહેલાં તો રિષભ પંત, શાર્દૂલ ઠાકુર, આકાશ દીપ, UP ક્રિકેટ ટીમમાં રિન્કુ, ધ્રુવ જૂરેલ, એવા તો ઘણા પ્લેયર્સને મેં ટ્રેઈન કર્યા છે. પણ મને આ બધા ડોમેસ્ટિક પ્લેયર્સમાં રિન્કુ અને ધ્રુવ મને સૌથી ફિટ લાગ્યા છે. અને ઇન્ટરનેશનલ પર શમેર જોસેફ સૌથી ફિટ છે. પણ કોઈને ફિટ તરીકે કમ્પેર કરવા લૉજિક વિનાની વાત છે. કેમ કે આનો કોઈ બેંચમાર્ક નથી, કોઇની સ્પીડ સારી હશે તો કોઇની તાકાત વધારે હશે, કોઈનું રનિંગ સારું હશે તો કોઈનો પાવર વધારે હશે. એટલે દરેક પોતાની રીતે ફિટ જ હોય છે.’ મેચ પહેલાં વૉર્મઅપ કેમ જરૂરી?
મેચ પહેલાં અને પછી થતી કસરતમાં શું ફરક? રાશિદભાઈ કહે, ‘નૉર્મલી કરતાં જ્યારે ક્રિકેટ માટે ટ્રેનિંગ લેતા હોઈએ ત્યાર ખાલી બોડીને એક્ટિવ કરવા માટે લાઇટ એક્ટિવિટી જ કરવાની હોય. જેથી ખાલી તમારું બોડી તૈયાર રહે. મતલબ હું અત્યારે તમને કહીશ કે, સ્ટેન્ડઅપ તો તમે ઊભા નહીં થાઓ, પણ જો હું તમને પહેલેથી જ કહી દઇશ કે, હું હવે ચપટી વગાડી સ્ટેન્ડઅપ કહીશ એટલે તમારે ઊભું થવાનું છે અને પછી સ્ટેન્ડઅપ કહીશ તો તમે ઊભા થશો. કેમ? કેમ કે તમને ખબર છે કે તમારે આ કરવાનું છે. એવી જ રીતે બોડીને એક્ટિવિટી માટે ખાલી પ્રિપેર કરવા માટે શરૂઆતમાં વૉર્મઅપ કરવાની રહે છે.’ ડોપિંગ ટેસ્ટ માટે ચિઠ્ઠી ઊડે
ફિટનેસ માટે ડોપિંગ કરતાં કે દવાથી ફિટ રહેતાં પ્લેયર્સના હમણાં ઘણા પ્રશ્નો સર્જાયા હતા. એ ઉપર વાત કરતાં રાશિદભાઈ કહે, ‘ડોપિંગ ટેસ્ટ માટે બે રીતે પ્લેયર સિલેક્શન થાય. સેફટી ટીમ આવી ચિઠ્ઠી મૂકે, એ બધા પ્લેયર્સે ઉપાડવાની, જેનું નામ આવે એ બે પ્લેયરનો ડોપિંગ ટેસ્ટ થાય. અથવા તો જો કોઈ પર શક જાય તો ડાયરેક્ટ નામ પણ લઈ લે કે આજે આ વ્યક્તિનો ટેસ્ટ કરવો છે. BCCI ચોખ્ખું જ કહે છે કે, તમે જે જે ખાઓ છો, એનું ખાસ ધ્યાન રાખો. કેમ કે કોઈ તમારા મોઢામાં મૂકી ખવડાવવા નથી આવતું. કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં 7 વાર વિચારો. એ માટે ડોપિંગનું લિસ્ટ પણ બધા પ્લેયરને આપેલું જ હોય કે, કંઈ પણ ખાતા પહેલાં તમારે આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે.’ પ્રોટીન પાવડરનો ટેસ્ટ અલગ લાગ્યો અને ચેક કર્યું તો...
આજકાલ બોડી માટે યંગસ્ટર્સ પ્રોટીન પાવડરનો યુઝ વધારે પડતો જ કરે છે, ઘણા એને જોખમી કહે છે તો ઘણા ના પાડે છે, ફિટનેસ ટ્રેનર તરીકે તમે શું સલાહ આપશો? રાશીદભાઈ કહે, ‘હું તો એ જ કહું કે, જ્યાં સુધી તમારા ફૂડથી પ્રોટીન મળી રહે ત્યાં સુધી આ બધામાં ન પડવું જોઈએ. પ્રોટીનનું કામ શું હોય? તમારા બોડીને એક્સર્સાઈઝ પછી ફરી સ્ટેબલ રાખવાનું. કસરત પછી બોડીને અને સ્નાયુઓને રિકવર થવા માટે જ પ્રોટીનનો ઉપયોગ થાય છે. હવે જો તમે જમવામાં જ ધ્યાન રાખો અને સારું એવું જમો તો તમારે પ્રોટીનની કોઈ જરૂર જ નથી. પણ એક દિવસ કસરત કર્યા પછી, જલ્દીથી થાક ઉતારવા માટે ફૂડ કરતાં પાવડર વધુ કામ કરે, એટલે લોકો એના તરફ વળતા હોય છે. પણ બને ત્યાં સુધી ન જવું જોઈએ. એક કિસ્સો કહું, એક વાર એક પ્લેયરે પ્રોટીન પાવડર લીધો અને એને ટેસ્ટમાં થોડો ફરક લાગ્યો, એટલે એણે શંકા થઈ. મને બતાવ્યું તો મેં એના ઇન્ગ્રેડિયન્ટ ચેક કર્યાં, એ પણ બરોબર. પછી મને કંપનીના કસ્ટમર કેરમાં ફોન કર્યો અને બધા બેચ નંબર અને બધું લખાવી પૂછ્યું તો, એ પ્રોડક્ટ 3 વર્ષ પહેલાં જ એક્સપાયર થઈ ગયેલું હતું. અને પ્રોડક્ટ પર મેન્યુફેક્ચર જ એક મહિના પહેલાનું હતું, મતલબ કે હજુ ત્રણ વર્ષ ચાલવાનું હતું.’ પ્રોટીન પાવડરના ડબ્બાનો ગંદો સ્કેમ
રાશિદભાઈએ પ્રોટીનના ઝેરી બિઝનેસની વાત ચાલુ રાખી, ‘આવું થવાનું કારણ એ કે, આ બધી સેન્સિટિવ પ્રોડક્ટમાં દરેક ડબ્બાનું સેપરેટ સર્ટિફિકેટ લેવું પડે. મતલબ કે, એક એક ડબ્બો ચેક થાય અને એનું સર્ટિફિકેટ નીકળે, જે ડબ્બા સાથે જ અંદર મૂકવું પડે. હવે આ લોકો શું કરે, 100 ડબ્બાઑ ચેક કરાવી, એના સર્ટિફિકેટ લઈ, 1000 ડબ્બાઑ બનાવી નાખે. 100 સર્ટિફાઇડ ડબ્બા ગુજરાત જાય, 100 UP જાય, 100 મહારાષ્ટ્ર જાય, એટલે ક્રોસ પણ ન થાય. આવા બધી વસ્તુઓ ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ તો જે ક્રિકેટરના ડબ્બામાં આવું થયું, એ રેગ્યુલર લે છે, એટલે એને ટેસ્ટમાં ખબર પડી, નહિતર બીજો કોઈ હોય તો હેરાન થઈ જાય અને એ દિવસે જો ડોપિંગ ટેસ્ટ થાય તો એનું કરિયર પણ ખરાબ થઈ જાય.’ પોતાની આવડતથી ક્રિકેટરના કરિયરને આગળ લઈ જતા રાશીદભાઈ પોતાના ભવિષ્ય વિશે વાત કરતાં કહે, ‘હવે બસ એક જ ઈચ્છા છે કે, ઇન્ડિયન ટીમ સાથે કામ કરવું છે.’