ઇરફાન ખાનને યાદ કરી હોલિવૂડ એક્ટર ભાવૂક થયો:જેસન શ્વાર્ટઝમેને કહ્યું, 'લૅજન્ડ સાથે કામ કરવાની તક મળી, તેમના વિશે વધુ બોલીશ તો રડી પડીશ'
હોલિવૂડ એક્ટર જેસન શ્વાર્ટઝમેનને ભારત સાથે પ્રેમ અને લાગણી કઈ આજકાલની નથી. તેમની પ્રખ્યાત ફિલ્મ 'ધ દાર્જિલિંગ લિમિટેડ'નું શૂટિંગ 2007માં રાજસ્થાનના જોધપુર અને ઉદયપુરમાં થયું હતું. તે ફિલ્મમાં તેમની સાથે હોલિવૂડ એક્ટર્સ ઓવેન વિલ્સન અને એડ્રિયન બ્રૉડી પણ હતા. આ ફિલ્મમાં ભારતીય સંસ્કૃતિ અને સંગીતનો ખૂબ પ્રભાવ જોવા મળ્યો હતો. તેનું મ્યૂઝિક સુપ્રસિદ્ધ સત્યજીત રેની રચનાઓથી પ્રેરિત હતું. જેસને તાજેતરમાં જ ન્યૂઝ18 ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'શૂટિંગ દરમિયાન તેને ભારતમાંથી ઘણો પ્રેમ મળ્યો.' તેણે કહ્યું કે, 'ભારતમાં લોકો ફિલ્મોને હૃદયથી પ્રેમ કરે છે. શૂટિંગ દરમિયાન, મે અને મારી ટીમે સાથે મળીને ફિલ્મ 'ક્વોન્ટમ ઓફ સોલેસ' જોઈ. તે અનુભવ મારા જીવનનો સૌથી ખાસ હતો.' ઇરફાનને યાદ કરીને ભાવુક થયા જેસન શ્વાર્ટઝમેન આ ઇન્ટરવ્યૂમાં જ્યારે બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનનો વિષય આવ્યો, ત્યારે જેસન ભાવુક થઈ ગયા. ઇરફાને 'ધ દાર્જિલિંગ લિમિટેડ' માં એક નાનો રોલ ભજવ્યો હતો. ખાસ વાત એ છે કે, જેસન શ્વાર્ટઝમેન આજે પણ ઇરફાન ખાનને યાદ કરે છે. ઇરફાન ખાન વિશે વાત કરતા, જેસને કહ્યું, 'હું ઘણી બધી [ભારતીય] ફિલ્મો જોતો નથી. હું એમ નહીં કહું કે હું ભારતીય કલાકારોને સંપૂર્ણપણે ઓળખું છું પરંતુ મને 'ધ દાર્જિલિંગ લિમિટેડ'માં એક સાચા લૅજન્ડ સાથે કામ કરવાનો મોકો મળ્યો. હવે તેઓ આ દુનિયામાં નથી તે ખૂબ જ દુખદ છે. બસ તેમને તે રૂપમાં જોવા....જો હું તેમના વિશે વધારે બોલીશ તો હું રડી પડીશ.' જેસન શ્વાર્ટઝમેન HBO સીરીઝમાં દેખાશે હાલમાં, જેસન તેની નવી HBO (હોમ બોક્સ ઑફિસ- કેબલ ટીવી કંપની) સીરીઝ 'માઉન્ટેનહેડ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેને અમેરિકન ટીવી સીરીઝ 'સક્સેશન'ના પ્રોડ્યૂસર જેસી આર્મસ્ટ્રૉન્ગે બનાવી છે. તેમાં અમેરિકન એક્ટર અને કોમેડીયન સ્ટીવ કેરેલ અને રામી યૂસુફ તથા અમેરિકન એક્ટર કોરી માઇકલ સ્મિથ પણ જોવા મળશે. જેસનનું માનવું છે કે આ શો એક અલગ ફ્લેવરની સાથે દર્શકોને એક નવો અનુભવ આપશે.

What's Your Reaction?






