બેડમિન્ટન રમતાં-રમતાં અચાનક જ યુવક ઢળી પડ્યો:શટલકોક ઉપાડતાં બેભાન થયો; હોસ્પિટલ પહોંચે એ પહેલાં મોત; CCTV
હૈદરાબાદના નાગોલે સ્ટેડિયમમાં બેડમિન્ટન રમતી વખતે 25 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થયું. મૃતક રાકેશ હૈદરાબાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. આ ઘટના રવિવારે રાત્રે બની હતી. ટેનિસ રમતી વખતે રાકેશ અચાનક કોર્ટ પર પડી ગયો. તેના મિત્રો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં ડોક્ટરોએ કહ્યું હતું કે મૃત્યુનું કારણ હાર્ટ-એટેક હતું. 25 વર્ષીય રાકેશ રોજ બેડમિન્ટન રમતો હતો. મિત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રાકેશને કોઈ શારીરિક સમસ્યા નહોતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે તાજેતરના ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. રમતાં, ચાલતાં, મિત્રો સાથે વાત કરતાં લોકોનાં અચાનક મૃત્યુ થયાં છે. આ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુવાનોમાં હૃદયરોગના હુમલા કેટલા સામાન્ય છે? દર વર્ષે વિશ્વભરમાં 1.7 કરોડ લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે લગભગ 30 લાખ લોકો કાર્ડિયો વેસ્ક્યુલર રોગોનો ભોગ બને છે. આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશમાં કુલ હૃદયરોગના હુમલાના 50% કેસ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો અને 25% કેસ 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો છે. 2000થી 1016ની વચ્ચે આ યુવા વય જૂથમાં હૃદયરોગના હુમલાનો દર વર્ષે 2% વધ્યો છે. અકાળ હૃદયરોગના હુમલાનાં લક્ષણો શું છે? ભારતમાં આ સમયે હૃદયરોગ અને ડાયાબિટીસનો રોગચાળો ફેલાયો છે. યુવાનો પણ એનો શિકાર બની રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે હૃદયરોગનો હુમલો અચાનક કોઈ પણ લક્ષણો વિના આવે છે અને હોસ્પિટલ પહોંચતાં પહેલાં મૃત્યુ થાય છે. ઘણા કિસ્સાઓમાં હૃદયરોગના હુમલા પહેલાં લક્ષણો દેખાય છે, જેમ કે છાતીમાં દુખાવો, ભારેપણું અને જડતા, એસિડિટી જેવું અનુભવવું, ડાબા ખભા અથવા ડાબા હાથમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ. યુવાનીમાં હૃદયરોગના હુમલાનાં કારણો શું છે? તમાકુનો ઉપયોગ હૃદયરોગ માટે સૌથી મોટા જોખમી પરિબળોમાંનું એક છે. 30થી 44 વર્ષની વયના લોકોમાં 26% હૃદયરોગ તમાકુના ઉપયોગને કારણે થાય છે. ઉપરાંત નબળી ઊંઘની રીત અને તણાવ આ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે. ભારતમાં 70 મિલિયનથી વધુ લોકોને ડાયાબિટીસ છે. આમાં ઘણા યુવાનોનો પણ સમાવેશ થાય છે. આનાથી ભારતીય વસતિમાં હૃદયરોગના હુમલાનું જોખમ વધે છે. યુવાનો હાર્ટ-એટેકથી કેવી રીતે બચી શકે? જીવનશૈલીમાં ફેરફાર કરીને અકાળ હૃદયરોગના હુમલાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. ચાલવું, સાઇકલ ચલાવવી, જોગિંગ અને તરવું હૃદયરોગના હુમલાનું જોખમ 30% ઘટાડે છે. વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા 10,000 પગલાં ચાલવું જોઈએ. જંક ફૂડને બદલે વ્યક્તિએ સ્વસ્થ ખોરાક લેવો જોઈએ, જેમાં શાકભાજી, ફળો, બદામ, સોયા અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ફાસ્ટ ફૂડ, ચિપ્સ, બિસ્કિટ વગેરેમાં ટ્રાન્સ ફેટી એસિડનો ઉપયોગ થાય છે, તેથી આ ટાળવાં જોઈએ. તમાકુ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. સમય વ્યવસ્થાપન શીખવું જોઈએ. આજકાલ લોકો લેપટોપ અને ડેસ્ક પર વધુ સમય વિતાવે છે, તેથી યોગ અને કસરત હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત સાવચેતી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. યુવાનોએ નિયમિતપણે તેમના હૃદયની તપાસ કરાવવી જોઈએ, જેથી સમયસર અવરોધ શોધી શકાય. હાર્ટ-એટેક સંબંધિત આ સમાચાર પણ વાંચો... પંજાબમાં સિક્સ માર્યા બાદ ક્રિકેટરનું મોત, VIDEO:ફિફ્ટી ફટકાર્યા પછી જમીન પર બેસી ગયો, લથડિયાં ખાઈને ઢળી પડ્યો; તેને એક પુત્ર પણ હતો પંજાબના ફિરોઝપુરમાં ક્રિકેટ રમતી વખતે એક યુવાનને હૃદયરોગનો હુમલો આવ્યો. સિક્સર ફટકારીને ફિફ્ટી પૂર્ણ કર્યા પછી તે તેના સાથી સાથે હાથ મિલાવવા જઈ રહ્યો હતો, પરંતુ હૃદયરોગનો હુમલો આવતાં તે મેદાન પર ઢળી પડ્યો. તેના સાથીએ તેને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બેભાન થઈ ગયો. સંપૂર્ણ સમાચાર વાંચો...

What's Your Reaction?






