બ્લેસીનો નેશનલ એવોર્ડના જ્યુરી ચેરપર્સન પર આક્ષેપ:કહ્યું, 'આશુતોષ ગોવારિકરે 'ધ ગોટ લાઇફ'નાં વખાણ કર્યાં, બાદમાં ટેકનિકલ કારણોસર ફિલ્મને રિજેક્ટ કરી નાખી'
ડિરેક્ટર બ્લેસીના ડિરેક્શનમાં બનેલી સાઉથ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ 'ધ ગોટ લાઇફ'ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કોઈપણ એવોર્ડ ન મળતા ફેન્સ નેશનલ એવોર્ડ અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ફિલ્મ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ડિરેક્ટર બ્લેસીએ ઓનમનોરમા (કેરળની ન્યૂઝ ચેનલ)ને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં તેમણે પોતાની નિરાશા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, 'જ્યુરી ચેરપર્સન આશુતોષ ગોવારિકરે 'ધ ગોટ લાઇફ'ની તુલના 1962ની ફિલ્મ 'લોરેન્સ ઓફ અરેબિયા' સાથે કરી હતી. આશુતોષે પહેલા ફિલ્મની પ્રશંસા કરી હતી, પરંતુ હવે તેઓ તેની ટેકનિકલ ખામીઓ તરફ ધ્યાન દોરી રહ્યા છે.' બ્લેસીએ દાવો કર્યો હતો કે, 'ઓસ્કાર કેમ્પેન દરમિયાન મુંબઈમાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન મેં આશુતોષ સાથે આ અંગે ચર્ચા કરી હતી. તેમણે ફિલ્મ વિશે ખૂબ સારી વાતો કહી હતી.' ડિરેક્ટરે યાદ કરતા કહ્યું કે, 'આશુતોષે 'ધ ગોટ લાઇફ'ની સરખામણી 'લોરેન્સ ઓફ અરેબિયા' સાથે કરી હતી અને કહ્યું હતું કે, ત્યારથી મેં એવી કોઈ ફિલ્મ જોઈ નથી જેમાં રણને આટલી સુંદર રીતે દર્શાવવામાં આવ્યું હોય.' બ્લેસીએ કહ્યું, 'જો કોઈએ ફિલ્મની આટલી વિગતવાર પ્રશંસા કરી હોય, તો પછી તેઓ ટેકનિકલ કારણોસર તેને કેવી રીતે નકારી શકે? આ ડબલ સ્ટાન્ડર્ડ જેવું લાગે છે.' ફિલ્મ નિર્માતાએ એવો પણ દાવો કર્યો હતો કે, તેમને આશુતોષ સાથે લંચ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેનો તેમણે અગાઉની કમિટમેન્ટના કારણે ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે, જ્યુરીમાં રહેલા એકમાત્ર મલયાલી પ્રતિનિધિ પ્રદીપ નાયરે પણ ઓનમનોરમા સાથે આ અંગે વાત કરી હતી. તેમણે ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો ,કે 'બ્લેસી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ખરેખર એવોર્ડની રેસમાં હતી, પરંતુ અંતિમ ચર્ચામાં તે પાછળ રહી ગઈ હતી.' 'ધ ગોટ લાઈફ' વિશે, પ્રદીપ નાયરે જણાવ્યું હતું કે, 'જ્યુરી ચેરપર્સન અને ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકરને બ્લેસી-દિગ્દર્શિત ફિલ્મની વાર્તા અને અભિનય અંગે ચિંતા હતી. જ્યુરીના ચેરમેન આશુતોષ ગોવારિકરે ગોવામાં આયોજિત છેલ્લા ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ જોઈ હતી અને ફિલ્મના એડોપ્શન અને એક્ઝિક્યૂશન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.' તેમણે કહ્યું, 'ગોવારિકર અને અન્ય લોકોને પણ લાગ્યું કે એડોપ્શન કુદરતી નથી અને પરફોર્મન્સ પણ અધિકૃત લાગતું નથી.'

What's Your Reaction?






