'સન ઓફ સરદાર'ને ફરી યશ રાજ ફિલ્મ્સ નડ્યું!:'સૈયારા'ના કારણે અજય દેવગણની ફિલ્મને સ્ક્રીન મેળવવા સંઘર્ષ; દર્શકોને લોભાવવા 50% ડિસ્કાઉન્ટની ઓફર
'સૈયારા'ની અણધારી સફળતાએ અન્ય ફિલ્મો માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. અજય દેવગણની લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ 'સન ઓફ સરદાર 2' અગાઉ 25 જુલાઈના રોજ રિલીઝ થવાની હતી. જોકે, અગાઉથી સ્થિતિ પારખી ચૂકેલા મેકર્સે ફિલ્મની રિલીઝ 1 ઓગસ્ટ સુધી ઠેલવી દીધી છે. પરંતુ હજુ પણ તેમની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી. અનીત પડ્ડા અને અહાન પાંડે સ્ટારર ફિલ્મ 'સૈયારા' રિલીઝ થયાને બે અઠવાડિયા થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ તેનો ક્રેઝ ઓછો થઈ રહ્યો નથી. લોકો મોટા પ્રમાણમાં સિનેમાઘરોમાં પહોંચી રહ્યા છે. પરિણામે 'સન ઓફ સરદાર 2'ને ઇચ્છીત પ્રમાણમાં થિયેટર સ્ક્રીન્સ મળી રહી નથી, ખાસ કરીને સિંગલ સ્ક્રીન અને નોન-નેશનલ સિનેમા ચેઈનમાં. એક તરફ PVRINOX દેશની તમામ સ્ક્રીન્સ પર 60% શો મેળવવા પ્રયાસ કરી રહ્યું છે, જોકે, તેમને માત્ર 35%થી જ સંતોષ માનવો પડશે તેવું ચર્ચાઈ રહ્યું છે. પિંકવિલા (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)ના રિપોર્ટ મુજબ, 'સન ઓફ સરદાર 2'ના ડિસ્ટ્રિબ્યૂટર્સ (વિતરકો) PVRINOX સિંગલ સ્ક્રીન પર દિવસમાં 4 શોનો આગ્રહ રાખી રહ્યા છે. પરંતુ સિંગલ સ્ક્રીન થિયેટર્સના માલિકો મોહિત સૂરીની 'સૈયારા' અને 'મહાવતાર નરસિંહા'ના વધુ શો માટે 'સન ઓફ સરદાર 2'ને સંપૂર્ણપણે છોડી દેવાનો નિર્ણય લીધો છે. 'મહાવતાર નરસિંહા' એ 'KGF' અને 'કાંતારા'નું પ્રોડક્શન કરનાર હોમ્બલે ફિલ્મ્સની એનિમેટેડ ફિલ્મ છે. 2012માં અજય અને YRF વચ્ચે વિવાદ થયો હતો આ પહેલીવાર નથી, જ્યારે અજય દેવગણ અને યશ રાજ ફિલ્મ વચ્ચે થિયેટરની સ્ક્રીન માટે સંઘર્ષ થયો હોય. વર્ષ 2012માં અજય દેવગણની ફિલ્મ 'સન ઓફ સરદાર' અને યશ રાજ ફિલ્મ્સની 'જબ તક હૈ જાન' વચ્ચે થિયેટર સ્ક્રીન્સને લઈને વિવાદ સર્જાયો હતો. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 'અજયની કંપનીએ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ને ફરિયાદ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે, YRF (યશ રાજ ફિલ્મ્સ)એ વધુ સ્ક્રીન મેળવવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમની ફિલ્મને પૂરતી સ્ક્રીન મળી ન હતી.' 'સૈયારા'એ 12 દિવસમાં ₹266 કરોડની કમાણી કરી ઇન્ડિયન એક્સ્પ્રેસના રિપોર્ટ મુજબ, 18 જુલાઈએ રિલીઝ થયેલી મોહિત સૂરીની ફિલ્મ 'સૈયારા' 12 દિવસમાં ₹266 કરોડની વૈશ્વિક કમાણી કરી ચૂકી છે. તેની સાથે જ નવા કલાકારો સાથે રિલીઝ થયેલી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. 'મહાવતાર નરસિંહા'એ પણ બાજી મારી 'સૈયારા'ની સાથે સાથે 'મહાવતાર નરસિંહા' પણ સારું પ્રદર્શન કરી રહી છે. ભક્ત પ્રહલાદની ભક્તિ અને ભગવાનના નરસિંહ અવતારની વાત દર્શાવતી ફિલ્મે પાંચ દિવસમાં ₹29.35 કરોડની કમાણી કરી છે. સાઉથ બ્લોકબસ્ટર્સ 'કેજીએફ', 'કંતારા', 'સલાર' અને 'બગીરા' જેવી ફિલ્મો બનાવનાર પ્રોડક્શન હાઉસ હોમ્બલે ફિલ્મ્સે ક્લેમ પ્રોડક્શન્સ સાથે મળીને આ ફિલ્મ બનાવી છે. તેઓ ભવિષ્યમાં ભગવાન વિષ્ણુના દસ દિવ્ય અવતારોની વાર્તા પણ લાવશે. તેની શરૂઆત મહાવતાર નરસિંમ્હા (2025)થી થઈ છે. આ પછી, 'મહાવતાર પરશુરામ' (2027), 'મહાવતાર રઘુનંદન' (2029), 'મહાવતાર દ્વારકાધીશ' (2031), 'મહાવતાર ગોકુલાનંદ' (2033), 'મહાવતાર કલ્કી ભાગ 1' (2035) અને 'મહાવતાર કલ્કી ભાગ 2' (2037) પણ આવશે. 'ધડક 2' સાથે 'સન ઓફ સરદાર 2' ટકરાશે 'સન ઓફ સરદાર 2'ની સાથે 1 ઓગસ્ટના રોજ 'ગલી બોય' ફેમ સિદ્ધાંત ચતુર્વેદી અને 'એનિમલ' ફેમ તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ 'ધડક 2' પણ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની ડેબ્યૂ ફિલ્મ 'ધડક'ની સિક્વલ છે. ધર્મા પ્રોડક્શન્સે અર્બન સેન્ટર્સમાં ફિલ્મ રિલીઝ માટે 1000 સ્ક્રીન્સ બૂક કરાવી લીધી છે. તેવામાં દર્શકોને આકર્ષવા માટે 'સન ઓફ સરદાર 2' અને 'ધડક 2'ના મેકર્સે નવો કીમિયો અપનાવ્યો છે. બંનેએ ચોક્કસ કુપન કોડ્સનો ઉપયોગ કરીને ફિલ્મની ટિકિટ પર 50% ડિસ્કાઉન્ટની ઓફર કરી છે.

What's Your Reaction?






