'સરનામુ બદલવામાં જ હેરાન થઈ ગઈ, એમાં સરનેમ ક્યાં બદલું?':આશીષ વિદ્યાર્થી સાથે છૂટાછેડા બાદ પીલૂનો ખુલાસો, 'પ્રેમ માટે દિલ ખુલ્લું, પણ લગ્નનો ઇરાદો નથી'
'મંડલ મર્ડર્સ' અને 'સરઝમીન'માં મહત્વની ભૂમિકા ભજવનાર પીઢ એક્ટ્રેસ પીલૂ વિદ્યાર્થીએ તેમના છૂટાછેડા અને પૂર્વ પતિ આશીષ વિદ્યાર્થીની સરનેમ રાખવા અંગે ખુલાસો કર્યો હતો. ન્યૂઝ 18 શોશા સાથેની વાતચીતમાં પીલૂ વિદ્યાર્થીને જ્યારે પૂછવામાં આવ્યું કે, છૂટાછેડા બાદ પણ તેમણે કેમ પતિની સરનેમ 'વિદ્યાર્થી' હટાવી નથી, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, 'આપણા દેશમાં નામ બદલવું સરળ નથી. આધાર કાર્ડમાં સરનામુ બદલવામાં જ હેરાન થઈ ગઈ છું. જો હવે ફરી લગ્ન કરીશ, તો નામ બદલવું સરળ રહેશે. આમ પણ આ નામ સાથે મારી એક વાર્તા જોડાયેલી છે અને તેને બદલવાની મને કોઈ મજબૂરી દેખાતી નથી. ન તો મને કોઈ સમસ્યા છે, ન તો આશીષને.' તેમણ વધુમાં કહ્યું, 'આજકાલ ઘણાં લગ્નો માત્ર દેખાડા ખાતર બચ્યા છે. મેં અને આશીષે સમજી-વિચારીને અલગ થવાનો નિર્ણય લીધો, કારણ કે અમે બંને અલગ પ્રકારના વ્યક્તિ છીએ. હવે આશીષને કોઈ મળી ગયું છે, જે તેના માટે સારું છે. હું તેમના માટે ખુશ છું અને મારા જીવનમાં આગળ વધી ચૂકી છું.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તમે ફરીથી પ્રેમમાં પડવા તૈયાર છો? ત્યારે પીલૂએ કહ્યું, 'હા, હું સંપૂર્ણપણે આગળ વધી ચૂકી છું. મને કોઈ વસ્તુની ઊણપ અનુભવાતી નથી. બસ ક્યારેક ક્યારેક સાથીની જરૂરિયાત અનુભવાય છે. પણ હાલમાં મારો બીજા લગ્ન કરવાનો કોઈ વિચાર નથી. હા, પ્રેમ માટે દિલ ખુલ્લું છે પણ લગ્નનો કોઈ ઇરાદો નથી.' ઓનલાઇન ડેટિંગ અંગે તેમણે કહ્યું કે, 'આ બધું મારાથી ન થાય. જો કુદરતી રીતે કોઈને સાથે જોડાણ થાય, તો હું તૈયાર છું.' નોંધનીય છે કે, બોલિવૂડના ક્રુર વિલનની ભૂમિકા ભજવનાર આશીષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા ત્યારે ખૂબ ચર્ચા થઈ હતી. 22 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લઇને આશીષે અસમની ફેશન એન્ટરપ્રેન્યોર રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન બાદ સોશિયલ મીડિયા પર લોકો તેમના વિશે અલગ અલગ પ્રકારની વાત કરવા લાગ્યા હતા.

What's Your Reaction?






