વીજકર્મીને લાગ્યો કરંટ:કરંટ લાગતા કર્મચારી 10 ફૂટ ઉંચા પોલ પરથી નીચે પટકાયો, બંને હાથ દાઝી જતા સારવારમાં ખસેડાયો
નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોલવાડમાં હાઈ ટેન્શન લાઇન રિપેર કરવા ચડેલા વીજકર્મીને અચાનક કરંટ લાગતા બન્ને હાથ દાઝી ગયા હતા. જેને લઇ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવસારીના ગોલવાડમાં આવેલ હાઇ ટેન્શન વીજ લાઇનમાં ફોલ્ટ હોય તેને માટે ડીજીવીસીએલના કર્મચારી વિરલ રમેશભાઈ પટેલ (ઉ.વ.49) વીજ થાંભલા ઉપર ચડ્યા હતા. રિપેરીંગ દરમિયાન અચાનક વીજ કરંટને કારણે તેમના હાથમાં જોરદાર કરંટ લાગતા તેમના બન્ને હાથ દાઝી ગયા હતા. ઘટના બાદ કર્મચારીઓ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક વિરલભાઇને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પશ્ચિમ વિભાગ વિસ્તારમાં કામ કરતી વેળાએ પાવર બંધ હતો છતાં કરંટ લાગવાની ઘટના બની હતી.નવસારીના ગોલવાડ ખાતે વીજ પોલ પર ચડેલા વીજ કર્મીને અચાનક કરંટ લાગતા તેઓ 10 ફૂટની ઊંચાઇએથી નીચે પડ્યાં હતા. જ્યાં લારી હોય તેનો પણ ભુક્કો બોલી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં રાજમાર્ગો પર વાહન ચાલકો ઉભા રહી જતા 15થી 20 મિનીટ માટે ટ્રાફિકજામની પરિસ્થિતિ પણ ઉભી થઇ હતી. સેફ્ટી સાધનો પહેર્યા હોવા છતાં કરંટ કેમ લાગ્યો તે પણ સવાલ અક્સ્માતના ભોગ બનનાર વિરલ પટેલ છેલ્લા નવ વર્ષથી ડીજીવીસીએલમાં કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. લાઇન તપાસ કરતા તેઓએ સેફટી બેલ્ટ સાથે હેલ્મેટ પણ પહેર્યું હતું. વીજ થાંભલા ઉપર ચડતા હારનેસ બુક કરવા જતા જ કરંટ લાગતા નીચે પટકાયા હતા. જેને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. કરંટ લાગવાની ઘટનામાં ચોક્કસ કારણની તપાસ હજુ ચાલી રહી છે સીધી વાત ભાસ્કર : વીજ કરંટ બંધ હતો તો ઘટના કેવી રીતે બની ? કા.ઇજનેર : હાલ કેવી રીતે ઘટના બની તેની તપાસ ચાલી રહી છે. ભાસ્કર : શું ખરેખર વીજ સપ્લાય બંધ કરાયો હતો ? તમને તે અંગે જાણકારી છે ? કા.ઇજનેર : હા, એ હકીકત છે કે વીજ સપ્લાય બંધ કરાયો હતો. પરંતુ આ ઘટના કેવી રીતે બની તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભાસ્કર : કર્મચારીના હાથ જે રીતે દાઝી ગયા છે તે જોતા ચોક્કસ કરંટ જ લાગ્યો હોવાનું જણાય છે તો તે બાબતે શું કહેશો? કા.ઇજનેર : જ્યાં ઘટના બની ત્યાં બે ફીડર હતા એટલે તે કોઇક ચાલુ હતું કે કેમ તેની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ ચોક્કસ કહી શકાશે. ભાસ્કર : આ ઘટનામાં કોની બેદરકારી ? કા.ઇજનેર : હાલ તપાસ ચાલે છે એટલે અત્યારે તે કહેવું યોગ્ય નથી. તપાસના અંતે બધુ ક્લીયર થશે. તે પછી જ નિર્ણય લેવાશે.

What's Your Reaction?






