અકસ્માતની ભીતિ:મજીગામમાં દેસાઇવાડ પ્રા.શાળાના કમ્પાઉન્ડમાં ટ્રસ્ટ મંડળના જર્જરિત ઓરડા ન તોડાતા અકસ્માતનું જોખમ
ચીખલી નજીકના મજીગામમાં દેસાઇવાડ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ટ્રસ્ટ મંડળના જર્જરિત ઓરડા લેખિત જાણ કરવા છતાં તોડવામાં ન આવતા અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.આ જર્જરિત ઓરડા તોડવા માટે તંત્ર ગંભીરતા દાખવે તે જરૂરી છે. મજીગામના દેસાઇવાડમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ધોરણ-8 સુધીની પ્રાથમિક શાળામાં હાલ 100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને પાંચ શિક્ષકોનો સ્ટાફ છે. આ શાળા હાલ તો નવા મકાનમાં કાર્યરત છે પરંતુ આ શાળાના કમ્પાઉન્ડમાં કેળવણી ટ્રસ્ટ મંડળનું એક મકાન કે જેમાં બે ઓરડા ભોંયતળિયે અને ઉપર પહેલા માળે હોલ છે. જેમાં નળિયાવાળી છત છે. જેની બાજુમાં બીજુ મકાનમાં નળિયાવાળા છતના ત્રણ ઓરડા છે. આ બન્ને વર્ષો પૂર્વે બાંધકામ કરાયેલ મકાનો છેલ્લા ઘણાં સમયથી જર્જરિત છે. જેમાં ત્રણ ઓરડાવાળા મકાનનું નળિયાવાળુ છત સમાયંતરે તૂટી રહ્યું છે. આ બન્ને મકાનોની દિવાલોમાં પણ તિરાડ જોવા મળી રહી છે. ઘાસ અને વેલા ઊગી નીકળ્યા છે. બારી પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયા છે. આમ શાળાના કમ્પાઉન્ડમાં ટ્રસ્ટ મંડળના ઓરડાવાળા બન્ને મકાનો એકદમ જર્જરિત અવસ્થામાં છે. આ બન્ને મકાનો જર્જરિત હોવાનું તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેર દ્વારા ઓક્ટોબર-23માં જ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા ટ્રસ્ટ ને લેખિત જાણ કરી ઓરડા તોડી નાંખવા માટે વિનંતી કરાઇ હતી. વધુમાં આચાર્યએ જાણ કતા ટીપીઇઓ, નાયબ ડીપીઇઓ સહિતના અધિકારીઓ પણ શાળાની મુલાકત લીધી હતી, તેમ છતાં આજદિન સુધી ઓરડા તોડાયા નથી. હાલ વરસાદની સિઝન હોય એ જર્જરિત મકાન વધુને વધુ જોખમી બની રહ્યું છે. દેસાઇવાડ પ્રા. શાળામાં ટ્રસ્ટ મંડળના આ જર્જરિત મકાનની પાછળ રમત-ગમતના સાધનો પણ શાળાના સ્ટાફ દ્વારા આ મકાનની ફરતે દોરી બાંધી હંગામી રીતે કોર્ડન કરાયું છે પરંતુ કોઈ બાળક રમતા રમતા પહોંચી જાય અથવા ત્યાંથી પસાર થતા હોય તેવામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો એ માટે જવાબદાર કોણ ? આ જર્જરિત ઓરડા તોડવા અંગે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ ગંભીરતા દાખવે તે જરૂરી છે. પરવાનગી આપી છે છતાં ટ્રસ્ટ જર્જરિત ઓરડા તોડતા નથી દેસાઇવાડ પ્રાથમિક શાળાની જમીન બે ભાગમાં વહેંચાયેલી છે. આ જર્જરિત ઓરડાવાળો ભાગ ટ્રસ્ટના નામે છે અને તોડવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ ટ્રસ્ટ દ્વારા જર્જરિત ઓરડા તોડવામાં આવતા નથી. આ અંગેની ફાઇલ જિલ્લા કક્ષાએ પણ મોકલાવેલી છે. >વિજયભાઇ, ઇન્ચાર્જ ટીપીઇઓ તા.પંચાયતને આ મકાન ભાડે આપ્યું છે અમે તાલુકા પંચાયતને આ મકાન ભાડે આપ્યું છે. આ મકાનના કબ્જા માટે બે-ત્રણ વખત તાલુકા પંચાયતમાં ટીડીઓને લેખિત રજૂઆત કરી છે પરંતુ તાલુકા પંચાયત દ્વારા કોઈ નિર્ણય જ લેવાતો નથી. અમને ગયા વર્ષ સુધી મકાનનું ભાડું પણ આપવામાં આવ્યું હતું. >પ્રેમલભાઇ દેસાઇ, ટ્રસ્ટી, મજીગામ કેળવણી ટ્રસ્ટ

What's Your Reaction?






