'મારી સોપારી આપવામાં આવી છે':તનુશ્રીએ ફરી નાના પાટેકર પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- રિક્ષાની બ્રેક ફેલ કરાવી, ફિલ્મી સ્ટાઈલથી મારી હત્યાના પ્રયાસ થયા
તનુશ્રી દત્તાએ ફરી એકવાર નાના પાટેકર પર ગંભીર આરોપો લગાવ્યા છે. એક્ટ્રેસનું કહેવું છે કે- જ્યારથી તેણે 'MeToo' મૂવમેન્ટમાં નાના પાટેકરના 'નામ' ફાઉન્ડેશન પર સવાલ ઉઠાવ્યા છે, ત્યારથી એક્ટ્રેસને હેરાન કરવામાં આવી રહી હોવાનો દાવો કર્યો છે. એક્ટ્રેસે આરોપ કર્યો કે- મારું ઈ-મેલ હેક કરવામાં આવ્યું. એટલું જ નહીં ભૂતકાળમાં મારી રિક્ષાની બ્રેક ફેલ કરાવીને પણ મને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તનુશ્રી દત્તાએ એબીપી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં તેની સાથે બનેલી ઘટના વિશે ઘટસ્ફોટ કર્યો. એક્ટ્રેસે કહ્યું હતું કે- તેને 2020માં ખ્યાલ આવ્યો કે કેટલાક લોકો તેને હેરાન કરી રહ્યા છે. જે અંડરવર્લ્ડના લોકો હોઈ શકે છે હું જ્યાં પણ જતી, તે લોકો મને ત્યાં પણ ફોલો કરતાં હતાં, ઇગ્નોર કરવાનો પ્રયાસ કરતી છતાં તે લોકો મને હંમેશા રેકોર્ડ કરતાં હતાં. 'રિક્ષાની બ્રેક ફેલ કરાવી, ફિલ્મી સ્ટાઈલમાં હત્યાના પ્રયાસ કર્યો' તનુશ્રીએ વાતચીતમાં એક કિસ્સો સંભળાવ્યો આગળ કહ્યું- હું ઉજ્જૈન ગઈ હતી, જ્યાં મારો અકસ્માત થયો હતો. કોઈએ મારી ઓટો રિક્ષાની બ્રેક ફેલ કરી નાખી હતી. એક વાર નહીં પણ બે વાર આવી ઘટનાઓ બની હતી. હું જ્યાં રોકાઈ હતી તે હોટલના રૂમની એક્સ્ટ્રા ચાવી કોઈ બીજાને આપવામાં આવી હતી. મને પણ પહેલાં વિશ્વાસ નહોતો કે આવું થઈ શકે છે. મેં ફિલ્મોમાં જોયું હતું કે જો કોઈ છોકરી કંઈક કહે છે, તો તેને ગુસ્સે કરવા, તેને મારી નાખવા માટે ગુંડાઓ મોકલવામાં આવે છે. પહેલા મને વિશ્વાસ નહોતો આવતો, પરંતુ પછી તે ઘટનાઓએ મને આ પરિસ્થિતિ માનવા મજબૂર કરી દીધી. એક્ટ્રેસે વાતચીતમાં આગળ કહ્યું- જ્યારથી મેં 2020માં નાના પાટેકરના ફાઉન્ડેશન સામે અવાજ ઉઠાવ્યો ત્યારથી આ બધી ઘટનાઓ બની રહી છે. મારું ઇ-મેલ હેક કરવામાં આવ્યું હતું. મને હંમેશા આશ્ચર્ય થતું કે આ લોકોને કેવી રીતે ખબર પડે છે કે હું ક્યાં જઈ રહી છું. કારણ કે મારી બધી બુકિંગ વિગતો મેઇલ પર આવતી હતી. વાતચીતમાં જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે- રડવાનો વીડિયો બનાવવાનું કારણ શું છે, ત્યારે તેણે કહ્યું કે કેટલાક લોકો તેને સતત હેરાન કરી રહ્યા છે. લોકો તેના ઘરે આવે છે અને બેલ વગાડે છે, પરંતુ દરવાજો ખુલતા જ ભાગી જાય છે. તે દિવસે પણ એવું જ બન્યું હતું, જેના કારણે હું ખૂબ ઇમોશનલ થઈ ગઈ અને એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. તાજેતરમાં, તનુશ્રીએ એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે- તેના પોતાના ઘરમાં જ તેને હેરાન કરવામાં આવી રહી છે. વીડિયોની સાથે, તનુશ્રી દત્તાએ લખ્યું- 'હું આ ઉત્પીડનથી કંટાળી ગઈ છું. MeTooના હેશટેગ સાથે લખ્યું આ 2018થી ચાલી રહ્યું છે. આજે કંટાળીને મેં પોલીસને ફોન કર્યો. કૃપા કરીને મદદ કરો. મોડું થાય એ પહેલાં કંઈક કરો.'

What's Your Reaction?






