ઔડાની કાર્યવાહી:ફાયર NOC વિનાની સ્કૂલ, ટ્યૂશન ક્લાસ, હોટેલ સહિત 46 એકમ સીલ
ઔડાએ ફાયર એનઓસી ન ધરાવતા 46 એકમ સીલ કરી દરેકને 10 હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત ફાયર એનઓસી લેવાની એફિડેવિટ કર્યા બાદ સીલ ખોલી આપ્યાં છે. ઔડાએ કલોલ, સાણંદ, અસલાલી, જેતલપુર, ગોધાવી અને દહેગામમાં ટ્યૂશન ક્લાસીસ, હોટેલ, ગેસ્ટહાઉસ, રેસ્ટોરાં, ગેસ એજન્સી અને પ્લે સ્કૂલ સહિતના એકમો પર કાર્યવાહી કરી છે. આવનારા દિવસોમાં વધુ એકમો પર કાર્યવાહી હાથ ધરાશે. ઔડાની હદમાં આવતા વિસ્તારોની 6 સ્કૂલ, 5 ટ્યૂશન ક્લાસીસ, 13 હોટેલ-ગેસ્ટ હાઉસ- રેસ્ટોરાં, 4 ગેસ એજન્સી સહિતના એકમો પર ચેકિંગ દરમિયાન ફાયર એનઓસી ન હોવાનું જણાયું હતું. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું હતું કે, ફાયર એનઓસી એક્સપાયર થઈ હોવા છતાં તેમણે રિન્યુ કરાવી ન હતી. ઔડાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા જુનિયર ટાઉન પ્લાનર, ક્લાર્ક સહિતના અધિકારીઓની ટીમ બનાવી આ તપાસ કરવામાં આવતી હોય છે. સીલ કર્યાના 2-3 દિવસમાં ફાયર સિસ્ટમ લગાવાય છે ઔડાના સિનિયર ટાઉન પ્લાનર મહાવીર મેવાડાએ જણાવ્યું કે, એકમના સીલ ખોલવા માટે રૂ.300ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ આપવા જણાવાયું છે, કારણ કે ફાયરનાં સાધનો ઇન્સ્ટોલ કરવા અમુક સમય લાગતો હોય છે. આમ તેમને ધંધાકીય રીતે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખીને એફિડેવિટ લીધા બાદ સીલ ખોલી દેવામાં આવે છે અને તેઓ બીજા કે ત્રીજા દિવસે ફાયર સિસ્ટમ ઇન્સોટલ કરી દે છે.

What's Your Reaction?






