ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:પૂર્વ ડિરેક્ટર ડૉ. કટોચે દિવ્યાંગ દીકરાને મેડિકલ ફિટ બતાવી AIIMSમાં ક્લાસ-2 અધિકારી બનાવી દીધો!
પ્રતિપાલસિંહ ગોહિલ, ઈમરાન હોથી એઈમ્સ રાજકોટમાં દિવ્ય ભાસ્કરે ઓપરેશન પાર પાડી ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશ કર્યો છે. તાજેતરમાં જ ટર્મિનેટ કરાયેલા એઈમ્સના પૂર્વ ડિરેક્ટર ડો. સીડીએસ કટોચે પોતાના પુત્ર ભાવેશને વર્ગ-2 વહીવટી અધિકારી તરીકે નોકરીએ લગાવી દીધો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે, ભાવેશને બંને આંખમાં તકલીફ હોવાથી 60 ટકાનું ડિસેબિલિટી સર્ટિફિકેટ કઢાવેલું છે. આ ઉપરાંત તેને આંચકી ઉપડવાની જૂની બીમારી છે. આમ છતાં મેડિકલ તપાસમાં તેને ફિટ જાહેર કરીને નોકરીએ લગાવી દેવાયો છે. ભાવેશ કટોચની ભરતી પ્રક્રિયા દરમિયાન તેણે જે ડિક્લેરેશન આપવાનું હોય છે તેમાં તેણે પોતાની બીમારી છુપાવી હતી. જ્યારે મેડિકલ રિપોર્ટ કરવાનો સમય આવ્યો ત્યારે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરાવવાને બદલે એઈમ્સમાં જ કરાવ્યા કે જેથી ત્યાં તેના પિતા ડો.કટોચ રિપોર્ટ પર કાબૂ કરી શકે. અલગ અલગ રિપોર્ટ થયા તેમાં તેની આંખમાં સમસ્યા હોવાની નોંધ કરાઈ હતી આમ છતાં સુપરિન્ટેન્ડન્ટ ડો. યશદીપસિંઘ પઠાનિયાએ આ કેસ મેડિકલ બોર્ડમાં રીફર કરવાને બદલે ફિટ હોવાનું પ્રમાણપત્ર તા.25- 07-2024ના દિવસે આપી દીધું હતું જેથી નોકરી મળી હતી. નોકરી દરમિયાન જ તેને આંચકી ઉપડી હતી જેની સારવાર એઈમ્સમાં જ કરવામાં આવી હતી અને તેમાં 17 વર્ષનો હતો ત્યારથી સિઝરની તકલીફ હોવાનું નોંધાયું હતું અને તે માટે જ તેને એપિલેપ્સી અને ફિટ્સના એપિસોડ રોકવા માટેની (લામીટોર ઓડી 200) લખી આપવામાં આવી છે. આ બધી સઘળી હકીકત તેણે છુપાવી, આંખની તકલીફ હોવા છતાં મેડિકલ એપ્રૂવ કરનાર સુપરિન્ટેન્ડેન્ટ કોઇ ખામી કાઢતા નથી જે સાબિત કરે છે કે, કટોચ ડિરેક્ટર હતા ત્યારે પોતાના હોદ્દા અને વગનો દુરુપયોગ કરી ખોટા સોગંદનામા અને ખોટા રિપોર્ટ કરીને પોતાના પુત્રને કેન્દ્ર સરકારની નામાંકિત સંસ્થામાં નોકરીએ લગાવી દીધો છે. મોટાભાગના વિભાગમાં ઘરના ભૂવા અને ઘરના ડાકલાથી ભરતી કરાઇ હાંકી કઢાયેલા જયદેવ વાળાએ પણ પોતાના ભાઈને ખોટા સર્ટિફિકેટના આધારે જુનિયર વોર્ડનની નોકરીએ રખાવ્યો એઈમ્સ શરૂ થઈ ત્યારે રાજકોટની એવીપીટીઆઈ કોલેજના જયદેવ વાળાને ત્યાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા હતા અને તેઓ ડો. કટોચની નજીક રહ્યા હતા. કટોચને દૂર કરાયા ત્યારે જયદેવ વાળાનો પણ વહીવટી અધિકારી તરીકે ડેપ્યુટેશનનો ઓર્ડર રિન્યૂ ન કરી તેમને પણ છૂટા કરી દેવાયા હતા. જોકે તે બંને હોદ્દા પર સમય દરમિયાન જ હોસ્ટેલ માટે જુનિયર વોર્ડનની ભરતી બહાર પાડી હતી. જેની જાહેરાતમાં કોઇપણ કોલેજમાં ઓછામાં ઓછા બે વર્ષનો વોર્ડન તરીકે અનુભવ માગ્યો હતો. આ પદ પર જયદેવ વાળાના ભાઈ રણજિત વાળાની ભરતી થઈ હતી. જોકે તેમની પાસે કોઇ કોલેજનો અનુભવ જ ન હતો પણ કાગળ પર અનુભવ બતાવવા માટે ખાનગી હોસ્ટેલનું પ્રમાણપત્ર જમા કરાવી દીધું હતું. આમ ભરતીના નિયમો વિરુદ્ધ જઈને ભરતી કરી દેવાઈ હતી. કટોચના પુત્ર પ્રેમને ઉજાગર કરતા કૌભાંડના પુરાવા બધા જ કંટાળ્યા હતા: કટોચને કાઢી મુકાતા કમિટીએ પીએમને પત્ર લખી આભાર માન્યો! ડો. કટોચના ટર્મિનેશન ઓર્ડર આવ્યા બાદ રાજકોટ એઈમ્સની કમિટીએ વડાપ્રધાનને સત્તાવાર પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ કટોચના ટર્મિનેશન બદલ આભાર પ્રગટ કરી પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, એક્ઝિ. ડિરેક્ટરે ભરતી પ્રક્રિયા, દર્દીઓની સારવારમાં ખૂબ ગેરરીતિ કરી હતી અને ભ્રષ્ટાચાર પણ કર્યો હતો. જેને લઈને કમિટીએ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પર કડક નિર્ણય લઈને જાહેર હિતમાં કાર્ય કરીને નવો ચીલો ચીતર્યો છે. આઈએમ નોટ અવેઈલેબલ : ભાવેશ કટોચ આ સમગ્ર પ્રકરણમાં ભાવેશ કટોચનો પક્ષ જાણવા માટે તેમજ તેમને શું કહેવું છે તે જાણવા માટે તેમનો સંપર્ક કરવામાં આવતા તેઓએ કહ્યું હતું કે, ભરતી બાબતે હું કશું બોલીશ નહીં. આઈએમ નોટ અવેઈલેબલ.

What's Your Reaction?






