રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:મહાત્મા ગાંધી મ્યુઝિયમના મેનેજર દેવલભાઈ બારીયાએ ગળાફાંસો ખાય આપઘાત કર્યો
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા દેવલભાઈ રમેશભાઈ બારીયા (ઉ.વ.41)એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ગાંધીગ્રામ વિસ્તારમાં હરિકૃષ્ણ હાઈટ્સ એપાર્ટમેન્ટ બી વિંગ 101માં રહેતા દેવલભાઈએ આજે સવારે ઘરે હતા, ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક દેવલભાઈ બે ભાઈ અને એક બહેનમાં બીજા નંબરના હતા તેમને સંતાનમાં એક દીકરો છે. પોતે ગાંધી મ્યુઝિયમમાં મેનેજર તરીકે કોન્ટ્રાકટ બેઇઝ નોકરી કરતા હતા. જો કે આપઘાત ક્યાં કારણે કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. 38 વર્ષીય યુવાનનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું મંગલ સુનિલભાઈ વઢવાણીયા (ઉં.વ.38) આજે સવારે 7 વાગ્યાં આસપાસ પોતાના ઘર બહાર શેરીમાં હતો, ત્યારે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેને પરિવારજનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબ દ્વારા તેને તપાસી મૃત જાહેર કરાયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જેના પ્રાથમિક તારણમાં યુવાનને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાન મંગલ શાકભાજી વેચવાનું કામ કરતો અને પોતે ત્રણ ભાઈમાં મોટો હતો તેને સંતાનમાં 4 દીકરા અને 1 દીકરી છે. ગઈકાલે તેને છાતીમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ પણ પરિવારજનોને કરી હતી જેથી ચુનારાવાડમાં લોકલ ક્લિનિકમાં દવા લીધી હતી પછી આજે ઘર પાસે શેરીમાં હતો ત્યારે ઢળી પડ્યો હતો. ગેરેજ સર્વિસ સ્ટેશનમાં ત્રણને વીજ કરંટ લાગ્યો, એકનું મોત રાજકોટના ગેરેજ સર્વિસ સ્ટેશનમાં 3 લોકોને વીજ કરંટ લાગ્યો હતો જેમાં એકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના દૂધસાગર રોડ પર હાઉસિંગ બોર્ડના ખૂણે આવેલા ગેરેજ ખાતે ઘટના બની જેમાં મૃતક ભાવેશ લુદરીયાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. જ્યારે રવિરાજભાઈ સરવૈયા અને જિલ્લાની રાઉમા સારવાર હેઠળ છે. ભાવેશ રમેશભાઈ લુદરીયા (ઉં.વ.30) ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ પોતે દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડના ખૂણે હૈદરી ચોકમાં ગેરેજ સર્વિસ સ્ટેશનમાં કામ કરતો હતો, ત્યારે વીજ કરંટ લાગતા બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. બનાવ વખતે ત્યાં હાજર જીલ્લાની સુમારભાઈ રાઉમા અને રવિરાજ ગોવર્ધનભાઈ સરવૈયાને પણ વીજ કરંટ લાગતા આ બંનેને પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?






