મોરબીના રાજપર ગામે ભાઈએ કર્યું ભાઈનું ખૂન:કામ ન કરતા કંટાળીને લાકડી-ચપ્પાથી મારી નાખ્યો, આરોપીની ધરપકડ
મોરબીના રાજપર ગામે એક યુવકની તેના સગા ભાઈએ હત્યા કરી નાખી છે. મૃતક પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા (37) કોઈ કામ-ધંધો કરતો ન હતો અને ગામમાં લોકો પાસેથી પૈસા ઉધાર લઈને જલસા કરતો હતો. પ્રવીણભાઈના દેણાં ચૂકવવા માટે તેના પિતાએ અગાઉ 10 વીઘા જમીન વેચી નાખી હતી. આમ છતાં પણ પ્રવીણભાઈ કોઈ કામ કરતો ન હતો અને ફરીથી દેણું કરવાનું ચાલુ રાખ્યું હતું. આ પરિસ્થિતિથી કંટાળી ગયેલા તેના મોટા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારાએ આવેશમાં આવીને પ્રવીણભાઈને માથા, કપાળ અને ડોકના આગળ-પાછળના ભાગે લાકડી તેમજ શાક સુધારવાના ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રવીણભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. મૃતક પ્રવીણભાઈની બહેન ભાવનાબેન નિલેશભાઈ ભીમાણી (42)એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે તેમના પિતા મોહનભાઈ અઘારા, ભાઈ મહેશભાઈ અને પ્રવીણભાઈ રાજપર ગામે રહે છે. પ્રવીણભાઈના દેણાંથી કંટાળીને મહેશભાઈએ આ હત્યા કરી હતી. ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મહેશભાઈ મોહનભાઈ અઘારાની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

What's Your Reaction?






