કેશોદના બાલાગામ ખાતે AAPની જનસભા યોજાઈ:કોળી સમાજના વૃદ્ધ મહિલાના લાપતા થવાના મુદ્દે પ્રવીણ રામે પોલીસતંત્ર અને ધારાસભ્ય પર આકરા પ્રહારો
કેશોદ વિધાનસભા મતવિસ્તારના બાલાગામ જિલ્લા પંચાયત ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ‘ગુજરાત જોડો’ જનસભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા અને અંદાજે 200થી વધુ આગેવાનો તથા કાર્યકરોએ વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે આપના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે સ્થાનિક મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરી અને તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. ખમીદાણા ગામના વૃદ્ધ મહિલાના લાપતા થવાનો મુદ્દો ઉઠ્ઠાવ્યો પ્રવીણ રામે જનસભામાં એક અત્યંત સંવેદનશીલ અને સ્થાનિક મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ખમીદાણા ગામના કોળી સમાજના એક વૃદ્ધ મહિલા છેલ્લા 2 મહિનાથી લાપતા છે, પરંતુ પોલીસતંત્ર હજુ સુધી તેમની શોધખોળ કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ મુદ્દાને લઈને પ્રવીણ રામે પોલીસની કામગીરી પર સીધા સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું કે, “છેલ્લા 2 મહિનાથી પોલીસતંત્ર શું કરી રહ્યું છે? આ તેમની કામગીરી પર સીધો સવાલ છે અને તેનાથી પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટ થાય છે. ધારાસભ્ય પર AAP પ્રવીણ રામના આકરા પ્રહાર પ્રવીણ રામે આ મામલે સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમની ભૂમિકા પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, “ધારાસભ્ય દેવાભાઈ માલમ પોતે કોળી સમાજમાંથી આવે છે. તેમ છતાં કોળી સમાજના આવા સંવેદનશીલ મુદ્દામાં તેઓ પોલીસ પર કોઈ દબાણ ઊભું કરી શક્યા નથી. જો તેઓ પોતાની જ સમાજના વૃદ્ધ મહિલાની શોધખોળ માટે પોલીસની ગતિવિધિઓ તેજ ન કરાવી શકતા હોય, તો તેમના નેતૃત્વમાં કોળી સમાજને શું મળી રહ્યું છે ? ” પ્રવીણ રામે ધારાસભ્યને પણ આ મામલે જવાબદાર ગણાવ્યા હતા. 'હું પોલીસતંત્રને અહીંયાથી એક ચેલેન્જ અને આહ્વાન આપું છું' : પ્રવીણ રામ પ્રવીણ રામે જનસભાના માધ્યમથી પોલીસતંત્રને આખરી ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, “હું પોલીસતંત્રને અહીંયાથી એક ચેલેન્જ અને આહ્વાન આપું છું કે આવનારા 20 થી 25 દિવસની અંદર આ વૃદ્ધ મહિલાનો અતોપતો શોધી કાઢે. જો તેઓ આ મામલે નિષ્ફળ જશે, તો અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો જયભાઈ કેશવાલાને સાથે રાખીને આ મુદ્દામાં જવાબદાર અધિકારીઓનો અતોપતો નહીં રહેવા દઈએ.” તેમણે ભારપૂર્વક કહ્યું કે, આમ આદમી પાર્ટી આ મુદ્દે ન્યાય મળે તે માટે કોઈપણ સ્તરે લડાઈ લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તંત્ર અને શાસક પક્ષ પર આકરા પ્રહારો આમ, બાલાગામ ખાતેની જનસભામાં પ્રવીણ રામે સ્થાનિક કોળી સમાજના મુદ્દાને લઈને તંત્ર અને શાસક પક્ષના પ્રતિનિધિઓ પર આકરા પ્રહારો કરીને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

What's Your Reaction?






