રાજકોટમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા, 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા:5 ટેબ્લો દ્વારા સંસ્કૃત ભાષાનો પ્રચાર, સંસ્કૃત ગરબા રજૂ કરતી વિદ્યાર્થિનીનું લોકમુખે સંસ્કૃત ભાષા બોલાય તેવું સ્વપ્ન
રાજ્યના શિક્ષણ વિભાગના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે. તે અંતર્ગત ન્યૂ એરા સ્કૂલથી જિલ્લા પંચાયત ચોક સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. જેમાં 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગરબા રજૂ કર્યા કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગરબા સહિતની કૃતિઓ પ્રદર્શિત કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંસ્કૃત ગરબા રજૂ કરતી વિદ્યાર્થિનીનું સંસ્કૃતના પ્રોફેસર બનવાનું સ્વપ્ન છે અને તમામ લોકોના મુખે સંસ્કૃત ભાષા બોલાય તેવી ઈચ્છા છે. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે કહ્યું કે, સંસ્કૃત ભાષાનું મહત્વ વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા ધો.5 થી 12 ના વિદ્યાર્થીઓને ગીતાના અધ્યાયો ભણાવવામાં આવે છે. 6થી 12 ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી આ વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ સંસ્કૃત દિવસ છે, ત્યારે 6થી 12 ઓગસ્ટ 2025 સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ત્રિ-દિવસીય વિશેષ ઉજવણી કરવામાં આવશે. 'લોકો સંસ્કૃત બોલતા થાય તેવી મારી ઈચ્છા' સંસ્કૃત ગરબા રજૂ કરતી વિદ્યાર્થિની નૈસર્ગી મહેતાએ કરાવ્યું હતું કે, હું રાજકોટની સરકારી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં બીએ વિથ સંસ્કૃતનો અભ્યાસ કરું છું. હાલ સંસ્કૃત સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે જે અંતર્ગત શહેરની ન્યૂ એરા સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમારી કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા સંસ્કૃત ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. લોકો એવું સમજતા હોય છે કે સંસ્કૃત મૃત ભાષા છે. જેનો હાલ કોઈ ઉપયોગ નથી. સંસ્કૃત ગરબા એક ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડે છે અને ઘણા બોલીવુડ સોંગ્સમાં પણ સંસ્કૃતમાં ટ્રાન્સલેશન જોવા મળે છે. મને નાનપણથી સંસ્કૃત વિષય ગમે છે અને સંસ્કૃતના વિચારો તમામ ભાષાઓ સાથે કોઈકને કોઈક રીતે જોડાયેલા હોય છે. જર્મની, ઇટાલી અને ફ્રાન્સ જેવા અન્ય દેશના લોકો પણ સંસ્કૃત ભાષાનું મહત્વ સમજે છે. મારું સ્વપ્ન સંસ્કૃત વિષયના પ્રોફેસર બનવાનું છે અને ત્યારબાદ શહેરો અને ગામડાઓમાં તમામ જગ્યાએ લોકો સંસ્કૃત બોલતા થાય તેવી મારી ઈચ્છા છે. 5 ટેબ્લો દ્વારા સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરાયો જ્યારે રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારે રક્ષાબંધનના દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યુ છે. સંસ્કૃત સપ્તાહ અંતર્ગત આજે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અલગ અલગ સ્કૂલના 1000 થી વધુ બાળકો જોડાયા હતા. 5 ટેબ્લો દ્વારા સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષા પ્રચલિત બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા લોકોનું અધ્યાય શરૂ કરાવવામાં આવ્યું છે. એમાં ધોરણ 5 થી 12 મા ગીતાના શ્લોકોનું અધ્યયન કરાવવાનું શરૂ કરાયું છે.

What's Your Reaction?






