પોલીસ કાર્યવાહી:1 લાખના ચોરાઉ વાહનો પોલીસે જપ્ત કર્યા
ૉવાગડ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી 6 બાઇકોની ચોરી કરનાર તસ્કરને ભચાઉ પોલીસે મળેલી બાતમીના આધારે રૂ.1 લાખની કિંમતની 6 ચોરાઉ બાઇક સાથે ખારોઇથી પકડી લઇ રાપર, સામખિયાળી અને ભચાઉમાં નોંધાયેલી વાહન ચોરીઓનો ભેદ ઉકેલી લીધો હતો. ભચાઉ પીઆઇ એ.એ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન હેડકોન્સ્ટેબલ રમેશ ચૌધરીને બાતમી મળી હતી કે, રાપરના ભીમાસર ભુટકીયાનો જયંતિ પ્રભુભાઇ કોલીએ ખારોઇ સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા તેના સસરા જેસાભાઇ અરજણભાઇ કોલીના મકાન પાછળ બનેલા વાડામાં ચોરી કે છળકપટથી મેળવેલી બાઇકો મુકેલી છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી જયંતિને રાપર વિસ્તારમાંથી બે, ભચાઉમાંથી બે અને સામખિયાળી વિસ્તારમાંથી બે એમ રૂ.1 લાખની કિંમતની 6 ચોરાઉ બાઇકો સાથે પકડી લઇ છ વાહન ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ કાર્યવાહીમાં તેમની સાથે પીએસઆઇ ડી.જે.ઝાલા અને સ્ટાફ જોડાયો હતો.

What's Your Reaction?






