ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ જાહેરનામું:વલસાડ જિલ્લામાં જાહેર સભા અને સરઘસ પર પ્રતિબંધ, આચાર સંહિતાનો અમલ
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ માટે 2025નો વિગતવાર કાર્યક્રમ તા. 28 મે 2025થી જાહેર કરવામાં આવ્યો છે. આ મુજબ મતદાન તા. 22 જૂન 2025ના રોજ યોજાવાનું નક્કી થયું છે. ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે રાજ્ય ચૂંટણી આયોગના આદેશ મુજબ આદર્શ આચાર સંહિતાના અમલ સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્મા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ મળેલ સત્તાના આધારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર, તા. 27 જૂન 2025 સુધીના સમયગાળામાં, વલસાડ જિલ્લાના ગ્રામ પંચાયત ચૂંટણીઓ હેઠળના તમામ વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિને સક્ષમ અધિકારીની અગાઉથી લેખિત પરવાનગી વગર ચાર કે તેથી વધુ લોકોના સમૂહમાં ભેગા થવા, જાહેરસભા બોલાવવા કે સરઘસ કાઢવાની મનાઈ રહેશે. આ નિયંત્રણ રાજકીય પક્ષો અને ઉમેદવારો બંને માટે લાગુ પડે છે. ચૂંટણી પ્રચાર, ઉમેદવારી પત્ર ભરવા, ચકાસણી કે ચૂંટણી પ્રતિક ફાળવણી માટે ઉમેદવારોએ કોઈ પણ પ્રકારના મોટા સરઘસ કે જનમેળા વિના જ નક્કી કરાયેલ પ્રક્રિયામાં હાજરી આપવી પડશે. વિશેષમાં, જાહેરનામામાં આગાહી કરવામાં આવી છે કે બીજા પક્ષ દ્વારા સભા યોજવામાં આવેલ સ્થળે કોઈ પ્રકારની સરઘસ કાઢવી કે અવરોધરૂપ પ્રવૃતિ કરવી નહીં. ધર્મ, જાતિ, કોમ કે ભાષા આધારિત ઉશ્કેરણીજનક પ્રવૃતિઓ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે. આ હુકમ ફરજ પરના કર્મચારીઓ, લગ્નના વરઘોડા, શોક યાત્રા, મુસાફરી, પૂજા-પ્રાર્થના કે રોજગારી સંદર્ભે જતી વ્યક્તિઓ માટે લાગુ પડતો નથી. પરંતુ હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાની અમલવારી માટે પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તેના ઉપરના હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓને ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામું તા. ૨૭ જૂન ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

What's Your Reaction?






