દાહોદ સ્ટેશને રાજધાની એક્સપ્રેસનું સ્ટોપેજ માગ્યું:સાંસદ ભાભોરે રેલવે મંત્રી વૈષ્ણવને કરી રજૂઆત, ત્રણ રાજ્યના મુસાફરોને થશે લાભ
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે નવી દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને મહત્વની રજૂઆત કરી છે. તેમણે દાહોદ રેલવે સ્ટેશન પર દિલ્હી-મુંબઈ રાજધાની એક્સપ્રેસ (12952)નું સ્ટોપેજ આપવાની માંગણી કરી છે. દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો છે. આ વિસ્તાર ઔદ્યોગિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પ્રગતિશીલ ત્રિ-રાજ્યીય કેન્દ્ર તરીકે વિકસી રહ્યો છે. સાંસદે રજૂઆતમાં જણાવ્યું કે રાજધાની એક્સપ્રેસનું સ્ટોપેજ મળવાથી અનેક ફાયદા થશે. લાંબા અંતરની મુસાફરી કરતા લોકોને ઝડપી અને સરળ વિકલ્પ મળશે. રાજધાની એક્સપ્રેસની ઊંચી માંગને કારણે રેલવેની આવકમાં વધારો થશે. અવકાશી ટ્રાફિકમાં સુધારો થશે. આ સ્ટોપેજથી ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુસાફરોની અન્ય સ્ટેશનો પરની નિર્ભરતા ઘટશે. સાથે જ સરકારની સમાવેશી વિકાસ નીતિને પણ પ્રોત્સાહન મળશે. સાંસદ ભાભોરે રેલવે મંત્રીને આ માંગણી ઝડપથી સ્વીકારવા વિનંતી કરી છે, જેથી દાહોદ અને આસપાસના વિસ્તારના લોકોને તેનો લાભ મળી શકે.

What's Your Reaction?






