ત્રણ સેકન્ડમાં બે માળનું મકાન ધરાશાયી, VIDEO:રાજકોટના મવડી વિસ્તારમાં જર્જરિત મકાન જમીનદોસ્ત થયું, કોઈ લોકો હાજર ન હોય જાનહાનિ ટળી
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આજે બપોરના સુમારે એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં આસપાસના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સદનસીબે મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી અને એક મોટી દુર્ઘટના ટળી છે. મકાન ધરાશાયી થયાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે જે એક સ્થાનિક દ્વારા પોતાનાં મોબાઇલમાં લેવામા આવેલો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના મવડી ચોકડી પાસે બની હતી. મકાન ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું અને તેમાં કોઈ રહેતું નહોતું. આજે બપોરના સમયે અચાનક જ મકાનધડાકાભેર તૂટી પડ્યું હતું. મકાન ધરાશાયી થતાં ધૂળના ગોટેગોટા ઉડ્યા હતા અને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ખાતરી કરવામાં આવી હતી કે કાટમાળ નીચે કોઈ દટાયેલું નથી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ઘટનાએ શહેરમાં જર્જરિત મકાનોના મુદ્દાને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે.

What's Your Reaction?






